ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન



ઓલિમ્પિક પૃથ્વી પર યોજાતા સૌથી મોટા રમતોત્સવ તરીકેનું ગૌરવ ધરાવે છે પણ તેના પછીનું સ્થાન એશિયાડ તરીકેની ઓળખ ધરાવતી એશિયન ગેમ્સને મળે છે. વૈશ્વિક જનસંખ્યામાં બાહુલ્ય ધરાવતા એશિયા ખંડના ચતુઃ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છેે. આ વર્ષે ચીનના હાંગઝૂ શહેરમાં શરુ થઈ ચૂકેલી 19મી એશિયન ગેમ્સ - ઓલિમ્પિકની જેમ તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક વર્ષ વિલંબથી યોજાઈ રહી છે. જેમ ટોકિયો ઓલિમ્પિકને કોરાના કારણે એક વર્ષ સ્થગિત કરવા પડ્યા હતા, તેવી જ રીતે હાંગઝોઉ એશિયન ગેમ્સ કે જે 2022માં યોજાવાના હતા, તેને કોરાનાના લીધે જ એક વર્ષ પછી હવે આયોજીત કરવામાં આવી રહ્યા છે. 

એશિયન ગેમ્સનો દરજ્જો રમતની દુનિયામાં આમ તો ત્રીજા ક્રમનો કહી શકાય. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી સૌથી મહત્વની બહુરાષ્ટ્રીય અને બહુરમત સ્પર્ધા એટલે એશિયન ગેમ્સ. ઈ.સ. 1951થી શરુ થયેલી એશિયન ગેેમ્સની છેલ્લા 13 વર્ષમાં રમાયેલી ચાર આવૃત્તિઓમાં ભારત ચંદ્રકોની સંખ્યામાં સાતત્યપૂર્ણ રીતે અડધી સદી ફટકારતું આવ્યું છેે. પાંચ વર્ષ અગાઉ 2018માં યોજાયેલી જકાર્તા-પાલેમબાગ એશિયન ગેમ્સમાં તો ભારતે 16 સુવર્ણ, 23 રજત અને 31 કાંસ્ય એમ કુલ 70 ચંદ્રકો જીતી લીધા હતા. જે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે એક રમતોત્સવમાં જીતેલા ચંદ્રકોમાં સર્વોચ્ચ હતા. હવે ભારત હાંગઝૂ એશિયન ગેમ્સમાં 100 ચંદ્રકોના સીમાચિહ્નને પાર કરી લેશે, તેવી આશા રાખવામાં આવી રહી છે.

ભારતીય રમત જગતમાં એથ્લેટિક્સને વિશેષ મહત્તા મળતી જોવ મળતી નથી. જોકે એશિયન ગેમ્સના સ્થાપક સદસ્ય એવા ભારતે અત્યાર સુધી જીતેલા કુલ મળીને 155 સુવર્ણ ચંદ્રકોમાંથી અડધા એટલે કે 79 સુવર્ણ ચંદ્રકો એથ્લીટ્સના પરસેવાની ચમક બનીને ઝળહળી રહ્યા છે. આ સિવાય પરંપરાગત રમત કુસ્તીની સાથે નિશાનેબાજી અને મુક્કેબાજીમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. આ ચારેેય રમતોમાં ભારતે 50-50થી વધુ ચંદ્રકો પોતાના નામે કરી લીધા છે. ભારતમાં ઓછી જાણીતી એવી સેપાકટકરાવ તેમજ ખુરાશ સહિતની કુલ 32 રમતોમાં ભારતે ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી લીધી છે. 

એશિયન ગેમ્સના ચંંદ્રકોની યાદીમાં ભારતની વિજયકૂચ આગળ વધી રહી છે, ત્યારે એ યાદ રાખવાની પણ જરુર છે કે, આ મહાન રમતોત્સવના વિકાસમાં ભારતનું પ્રદાન પાયાનું રહ્યું છે. ફિલિપાઈન્સના મનીલામાં 1913માં એક બહુરમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેને ઓરિએન્ટલ ગેમ્સ તરીકેની ઓળખ મળી. જે આગળ જતાં દૂર પૂર્વિય ચેમ્પિયનશિપ રમતોત્સવ તરીકે ઓળખ પામી અને સમયાંતરે તેને પશ્ચિમ એશિયન ગેમ્સનું નામ આપવામાં આવ્યું. તે સમયે ભારત બ્રિટીશ રાજ હેઠળ હતુ અને તે દરમિયાન જ 1934માં નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયન રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તે સમયે પણ ઘણા ભારતીયોઓએ જુદી-જુદી રમતોમાં સુવર્ણ સહિતના ચંદ્રકો હાંસલ કર્યા હતા. જોકે અફસોસ કે તે ચંદ્રકોની ગણના હાલના એશિયન ગેમ્સના ચંદ્રકોની યાદીમાં કરવામાં આવતી નથી. તે ગેમ્સમાં વિજેતા બનનારા ભારતીય રમતવીરોની જૂજ કે સાવ નહીવત્ માહિતી જ પ્રાપ્ત છે.

બ્રિટીશ રાજ હેઠળના ભારતમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ ગેમ્સ માત્ર એક જ આવૃત્તિ સુધી જ સીમિત રહી ગઈ, કારણ કે 1938માં જ્યારે બીજી વખત રમતોત્સવના આયોજનનો સમય આવ્યો, ત્યારે દ્વિતિય વિશ્વયુુદ્ધના પડઘમ વાગવા શરુ થઈ ચૂૂક્યા હતા. આ કારણે એશિયા ખંડના દેશો વચ્ચેના બહુ-રમત સ્પર્ધાનો અકાળે અંત આવી ગયો. જોકે, દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ થયેલા સત્તાપરિવર્તનો બાદ 1948માં જ્યારે લંડન ઓલિમ્પિક યોજાયા, ત્યારે એશિયન ગેમ્સને પુનઃર્જીવિત કરવાના પ્રયાસો ફરી શરુ થયા. તે સમયે ભારતીય રમત જગતમાં ગુરુ દત્ત સોંધીનું નામ ઘણું મોટું હતુ. તેઓ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં ગોલ્ડન હેટ્રિક સર્જનારી મેજર ધ્યાન ચંદની હોકી ટીમના મેનેજર રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેમણે ભારતીય ઓલિમ્પિક સંઘ તેમજ અન્ય સંગઠનોમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અને ફિલિપાઈન્સના જોર્ગે વર્ગાસે લંડન ઓલિમ્પિક દરમિયાન એશિયન ગેમ્સને ફરી શરુ કરવાની કવાયત હાથ ધરી અને એશિયાના જુદા-જુદા દેશોની ઓલિમ્પિક કમિટીનો સંપર્ક સાધવામાં આવ્યો અને ભારતમાં 1949માં મળેલી બેઠકમાં એશિયન ગેમ્સ ફેડરેશનની રચના થઈ અને તેમાં 1050માં એશિયન ગેમ્સના આયોજનનો નિર્ણય લેવાયો. 

આઝાદ ભારતની નવી સરકારે પણ ઘરઆંગણે યોજાઈ રહેલા સર્વપ્રથમ એશિયન ગેમ્સ કે એશિયાડને સફળ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી. તે સમયના ભારતીય ઓલિમ્પિક સંઘના વડા અને અંતિમ મહારાજા ઓફ પટિયાલા યદવેન્દ્ર સિંઘ તેમજ બીસીસીઆઈના સ્થાપક અને પ્રમુખ એવા એન્થોની ડી મેલોએ પણ એશિયન ગેમ્સને સફળ બનાવવામાં પાયાની  ભૂમિકા ભજવી હતી. ઈ.સ. 1951માં નવી દિલ્હી ખાતેથી 11 દેશોના 500 એથ્લીટ્સ અને છ રમતોની 57 સ્પર્ધાથી શરુ થયેલી એશિયન ગેમ્સ આજે 72 વર્ષ બાદ વિરાટ સ્વરુપ લઈ ચૂકી છે, જેમાં 45 દેશોના 11,000થી વધુ ખેલાડીઓ 40 રમતોની 481 સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 

અત્યાર સુધી રમાયેલી 18 એશિયન ગેમ્સની શરુઆતના તબક્કામાં તો જાપાને ચંદ્રક જીતવામાં અન્ય દેશોને ક્યાંય પાછળ રાખી દીધા હતા. જોકે 1980ના દશકથી ચીને એશિયન ગેમ્સમાં ચંદ્રકો જીતવામાં એવી તો દોડ લગાવી કે, છેલ્લા કેટલાક વર્ષોની ચંદ્રકોની યાદી પર નજર કરીએ તો ખ્યાલ આવે કે પહેલા અને બીજા ક્રમ વચ્ચે કેટલી મોટી ખાઈ છે. છેલ્લે 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ પર નજર કરીએ તો તેમાં ચીને 132 સુવર્ણની સાથે 389 ચંદ્રકો જીત્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેેલા જાપાનને 75 સુવર્ણ સહિત કુલ 205 ચંદ્રકો મળ્યા હતા. ભારત 16 સુવર્ણ સાથે 70 ચંદ્રકો જીતીને આઠમા સ્થાને રહ્યું હતુ.

ઓલિમ્પિકની જેમ દર ચાર વર્ષે યોજાતી એશિયન ગેમ્સમાં ભારતના સૌથી સફળ એથ્લીટ્સ તરીકે ટેનિસ લેજન્ડ લિએન્ડર પેસ અને ટ્રેક એન્ડ ફિલ્ડની ક્વિન પી.ટી. ઉષાનું નામ સૌથી આગળ છે. એશિયન ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધુ પાંચ સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ લિએન્ડર પેસના નામે છે. ભારતને ઓલિમ્પિકના ઈતિહાસમાં ટેનિસના સૌપ્રથમ ચંદ્રક તરીકે 1996માં કાંસ્ય અપાવનારા લિએન્ડરે આ પહેલા 21 વર્ષની ઉંમરે 1994ની હિરોશીમા એશિયન ગેમ્સમાં મેન્સ ડબલ્સ અને મેન્સ ટીમ વિભાગમાં બેવડી સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે 2002માં અને 2006માં પણ એશિયન ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 2006માં 33 વર્ષની ઉંમરે તેણે મેન્સ ડબલ્સ ઉપરાંત મિક્સ ડબલ્સમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં તેના નામે મેન્સ સિંગલ્સ તેમજ મેન્સ ટીમ ઈવેન્ટ અને મિક્સ ડબલ્સનો કાંસ્ય ચંદ્રક પણ છેે. 

પય્યોલી એક્સપ્રેસ તરીકેની ઓળખ ધરાવતી ભારતની ભૂતપૂર્વ એથ્લીટ અને હાલ ભારતીય ઓલિમ્પિક સંઘના વડાની ભૂમિકા સંભાળી રહેલી પી.ટી. ઉષાના નામે એશિયન ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધુ 11 ચંદ્રકો જીતવાનો રેકોર્ડ અંકિત છે. એક એશિયાડમાં સૌથી વધુ ચાર સુવર્ણ જીતવાની સિદ્ધી પણ તેના નામે અંકિત છે.  ઉષાએ 18 વર્ષની ઉંમરે ઈ.સ. 1982ના નવી દિલ્હી એશિયાડમાં 100 અને 200 મીટરની રેસમાં રજત સફળતા હાંસલ કરી. જોકે ચાર વર્ષ બાદ 22 વર્ષની ઉંમરે ઉષા 1986ની સેઉલ એશિયન ગેમ્સમાં છવાઈ ગઈ અને તેણે 200, 400 અને 400 મીટરની વિઘ્ન દોડ ઉપરાંત 4 બાય 400 મીટરની રિલેમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. જોકે ફિલિપાઈન્સની લિદિયા દે વેગાએ 0.14 સેકન્ડના અંતરથી 100 મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રક જાળવતા ઉષાને રજતથી સંતોષ માનવો પડ્યો હતો. 


ઉષાએ 30 વર્ષની ઉંમરે 1994ની હિરોશીમા એશિયન ગેમ્સમાં 4 બાય 400 મીટરની રેસમાં ભારતને રજત સફળતા અપાવીને વિદાય લીધી. તેણે તેેની કારકિર્દીમાં ચાર એશિયન ગેમ્સમાં ચાર સુવર્ણ અને સાત રજત એમ કુલ 11 ચંદ્રકો જીત્યા હતા, જે આજે પણ ભારતના રમત જગતના ઈતિહાસમાં સીમાચિહ્ન તરીકે અતૂટ છે. એશિયન ગેમ્સમાં સૌથી વધુ સુવર્ણ જીતનારા ખેલાડીઓની યાદીમાં શૂટર જસપાલ રાણા તેમજ એથ્લેટિક્સ લેજન્ડ મિલ્ખા સિંઘ યાદ કરવા જ ઘટે. જસપાલ રાણાએ 25 મીટર પીસ્તોલની જુદી-જુદી ઈવેન્ટ્સમાં ચાર સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય સફળતા હાંસલ કરી હતી. જ્યારે મિલ્ખા સિંઘે 1958ના ટોકિયો એશિયાડમાં 200 અને 400 મીટરમાં તો ચાર વર્ષ બાદ જકાર્તામાં 400 અને 4 બાય 400ની રિલે ઈવેન્ટમાં એમ કુલ ચાર સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. 

છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતીય રમતવીરોની સિદ્ધિઓ દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે, ત્યારે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને એશિયન ગેમ્સમાં ચંદ્રકો જીતીને નોંધાવેલા વિક્રમો આજે પણ અડીખમ ઉભા રહીને નવી પેઢીને પડકારી રહ્યા છે. જોકે ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ નવો ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઝંપલાવી ચૂક્યા છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી