તુલસીદાસ બલરામ : ભારતીય ફૂટબોલની હોલી ટ્રિનીટીના આખરી ધુરંધરની ચિરવિદાય
ભારતીય રમતોના ઈતિહાસમાં હોકીના સુવર્ણ યુગની અને ખેલાડીઓની વિશિષ્ટ પ્રતિભાઓની અનેક કિવદંતીઓ હજુ પ્રચલિત અને માનસ પટલ પર જિવંત છે, ફૂટબોલને તેવું ગૌરવ પ્રાપ્ત થઈ શક્યું નથી. ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરાના પ્રહરી સમાન તુલસીદાસ બલરામનું નામ ફૂટબોલમાં પણ અભ્યાસુઓ અને ડાઈ હાર્ટ ફેન્સમાં જ જાણીતું છે. ઓલિમ્પિક ફૂટબોલમાં ભારતના ગોલ સ્કોરર તેમજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અને ખ્યાતનામ મેડેર્કા કપમાં પોડિયમ ફિનિશ કરનારી ટીમના આધારભૂત ખેલાડી તુલસીદાસે 86 વર્ષની વયે ચિર વિદાય લેતા ભારતીય ફૂટબોલમાં જાણે એક યુગનો અસ્ત થયો છે. કોલકાતામાં એકાકી જીવન ગાળતા અને આખી જિંદગી ફૂટબોલને સમર્પિત કરનારા બલરામની સિદ્ધિઓની સાથે ભારતીય ફૂટબોલનની અનેક ગૌરવગાથા જોડાયેલી છે.
વિશ્વ ફૂટબોલમાં ઈ.સ. 1950-60ના દશકમાં ભારતીય ટીમે સળંગ ચાર ઓલિમ્પિકમાં ભાગ લેવા સાથે જે ધૂમ મચાવી હતી, તેનો એક ભાગ તુલસીદાસ પણ હતા. આક્રમણ પંક્તિના મહત્વના ખેલાડી એવા બલરામની સાથે ચુની ગોસ્વામી અને પી.કે. બેનર્જી (કે જેમનું આખુ નામ પ્રદીપ કુમાર બેનર્જી હતું)ની ત્રિપુટી હરિફ ટીમોના ડિફેન્સને છિન્ન-ભિન્ન કરી નાંખતી. આ જ કારણે આ ત્રિપુટીને ભારતીય ફૂટબોલમાં હોલી ટ્રિનિટી તરીકે ઓળખવામાં આવતી. આ હોલી ટ્રિનિટીના એક માત્ર હયાત રહેલા સભ્ય એવા બલરામની વિદાય સાથે હવે તે પણ ઈતિહાસનો એક ભાગ બની ગઈ.
બલરામે ઈ.સ. 1956 અને 1960ના રોમ ઓલિમ્પિકમાં ભારતનુ પ્રતિનિધત્વ કર્યું હતુ અને રોમમાં તો તેમણે હંગેરી અને પેરુ સામે ગોલ ફટકાર્યા હતા અને ફ્રાન્સ સામે પીકે બેનર્જીના ગોલને સહારે 1-1થી મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1958માં ટોક્યોમાં રમાયેલી એશિયન ગેમ્સમાં હોંગ કોંગ સામેની મેચમાં ઈજાની સાથે રમતાં પણ બલરામે બે ગોલ ફટકારીને ભારતને જીત અપાવી હતી. જોકે ત્યારે થોડા માટે મેડલ ચૂકી જવાનો વસવસો તેમણે ચાર વર્ષ બાદ જકાર્તામાં દૂર કરતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી, જે ભારતીય ફૂટબોલ ઈતિહાસની એકમાત્ર એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ છે. આ એશિયન ગેમ્સમાં થાઈલેન્ડ સામેની ગ્રૂપ મેચમાં બલરામ, પીકે બેનર્જી અને ચુની ગોસ્વામી એમ ત્રણેય સુપરસ્ટાર્સે ગોલ કર્યા હતા. સાત વર્ષની આંતરરાષ્ટ્રીય ફૂટબોલર તરીકેની કારકિર્દીમાં તેમણે 10 ગોલ ફટકાર્યા હતા. જ્યારે કલબ ફૂટબોલમાં ઈસ્ટ બંગાળની આંખના તારા સમાન બલરામ ત્રણ વખત સંતોષ ટ્રોફી ચેમ્પિયન બનવાના ગૌરવની સાથે 104 ગોલ ફટકાર્યા હતા.
ભારતીય ફૂટબોલર હોવા છતાં ઓલિમ્પિયન અને એશિયન ચેમ્પિયન જેવી દુર્લભ સિદ્ધિઓ ધરાવતા બલરામે માત્ર ને માત્ર ફૂટબોલની રમતના સહારે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી હતી. સિકંદરાબાદમાં આવેલા અમ્મુગુડા ગામમાં એક તમિલ પરિવારમાં તેમનો જન્મ 1936માં 4 ઓક્ટોબરના રોજ થયો હતો. તેમના માતા મુથ્થામા અને પિતતા તુલસીદાસ કાલીદાસ કાળી મજુરી કરતાં પણ બહોળા કુટુંબની જવાબદારી પુરી કરી શક્તા નહતા. આ દરમિયાન બલરામે ગામના છોકરાઓ સાથે ફૂટબોલ રમવાનું શરુ કર્યું. મુથ્થામા નહતા ઈચ્છતા કે તેમનો પુત્ર ફૂટબોલ રમે. તેઓ તો તેને ભણાવી-ગણાવીને સરકારી નોકરી કરતો જોવા ઈચ્છતા હતા. જોકે બલરામનું મન તો ફૂટબોલમાં જ રચ્યું-પચ્યું રહેતું.
પરિવારની આર્થિક સ્થિતિને કારણે બલરામને મોટાભાગે ભૂખ્યા પેટે રમવાનું થતુ, પણ તેઓનો ફૂટબોલ પ્રત્યેનો લગાવ એટલો હતો કે, તેમની રમત જોઈને કોઈને તેમની સ્થિતિનો અંદાજ સુદ્ધા ન આવતો. હરિફ ડિફેન્ડરોને હંફાવવા અને ગોલકિપરને ચકમો આપીને ગોલ ફટકારવો તે બલરામનો ડાબા હાથનો ખેલ હતો. સ્થાનિક સ્તરની સફળતા બાદ તેઓ હૈદરાબાદમાં લોઅર ડિવિઝનની ફાઈનલ રમવા ગયા, તે મેચમાં ભારતીય ફૂટબોલના ધુરંધર કોચ અને હૈદરાબાદ ફૂટબોલ એસોસિએશનના સુપ્રીમો સૈયદ અબ્દુલ રહીમ હાજર હતા. તેમની પારખી નજર બલરામની વિશિષ્ટ પ્રતિભાને ઓળખી ગઈ.
તેમણે આ 19 વર્ષના છોકરાને હૈદરાબાદનની સંતોષ ટ્રોફીની ટીમની ટ્રાયલ્સ માટે બોલાવ્યો. જોકે સિકંદરાબાદમાં રહેતા બલરામ માટે દરરોજ અપડાઉન શક્ય નહતુ. તેમની આર્થિક હાલત જોઈને રહીમે તેમને મદદ કરી તેઓ હૈદરાબાદ તરફથી 1956માં સંતોષ ટ્રોફીમાં રમ્યા, જેના પગલે તેમને 1956ના મેલબોર્ન ઓલિમ્પિક માટેની ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું. તેઓએ સેમિ ફાઈનલમાં યુગોસ્લાવિયા સામેની મેચથી પ્રવેશ મેળવ્યો હતો. જોકે ભારત તેમાં હારતા ચોથા ક્રમે રહ્યું હતુ. ઓલિમ્પિક ફૂટબોલમાં ભારતનો આ દેખાવ આજે પણ એવો માઈલસ્ટોન છે કે જેના સુધી કોઈ પહોંચી શક્યું નથી.
ઓલિમ્પિક રમીને પરત ફરેલા બલરામને કોલકાતાની કલબોની ઓફર મળવા માંડી. જેમ ભારતીય ક્રિકેટમાં એક સમયે મુંબઈ હેડક્વાર્ટર હતુ, તેવી જ રીતે ફૂટબોલમાં કોલકાતાનું સ્થાન હતુ. ભારતભરમાંથી સારા-સારા ખેલાડીઓ કોલકાતા તરફ ખેંચાઈ આવતા. જોકે બલરામની આ ઈચ્છાને માતા-પિતાએ નકારી કાઢી. તેમને હૈદરાબાદ જ સરકારે સારી નોકરીની ઓફર આપી, પણ ઓલિમ્પિકને આખરે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિયુક્તિ મળી. જેના કારણે તેમનું દિલ તુટી ગયું અને તેઓએ ઈસ્ટ બંગાળની સાથે કરાર કર્યો. ત્યારે તેમને 3,500 રૃપિયાના કરાર ઓફર કર્યો, જે રકમ તે સમયના ટોચના ખેલાડીને મળતી.
બલરામે આ ઓફરને સહર્ષ સ્વીકારી લીધી અને તેઓ 1957માં ઈસ્ટ બંગાળની સાથે જોડાયા અને તેના કેપ્ટન પણ બન્યા. કોલકાતામાં શરુઆતમાં તેમની ગેમને એડજેસ્ટ થતાં સમય લાગ્યો પણ ત્રીજા જ વર્ષથી તેમણે પરિણામ આપવાના શરુ કરી દીધા. ટોક્યો એશિયન ગેમ્સમાંથી પરત ફર્યા બાદ તેમણે 1959ની સિઝનમાં કલબ તરફથી એક જ સિઝનમાં રેકોર્ડ 33 ગોલ ફટકારી દીધા ટીમને ચેમ્પિયન બનાવી. આ પછીનું વર્ષ તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ વર્ષ બની રહ્યું, જેમાં તેમણે 1960ના રોમ ઓલિમ્પિકમાં અસાધારણ દેખાવ કરતાં હંગેરી તેમજ પેરુ સામે ગોલ ફટકાર્યા હતા. ફ્રાન્સ સામે પીકે બેનર્જીએ પહેલા હાફમાં નોંધાવેલા ગોલને સહારે ભારતે 1-0થી લીડ મેળવી હતી, પણ ફ્રાન્સે કમબેક કરતાં મેચ ડ્રો કરી. જે પછી પેરુ સામેની હાર સાથે ભારત બહાર ફેંકાયું હતુ. જોકે બલરામ અને તેમના સાથીઓના બ્રેવહાર્ટ દેખાવને કારણે દેશભરમાં તેમનું ભારે ઉષ્માભર્યું સ્વાગત થયું.
ઈસ્ટ બંગાળને 1960માં સંતોષ ટ્રોફી અપાવવામાં પણ બલરામે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં બલરામ, પીકે બેનર્જી અને ચુની ગોસ્વામીની હોલી ટ્રિનિટીએ તરખાટ મચાવતા ભારતને ચેમ્પિયન બનાવ્યું હતુ. જે પણ ભારતીય ફૂટબોલ ઈતિહાસનો એકમાત્ર એશિયન ગેમ્સનો ગોલ્ડ બની રહ્યો છે. જોકે ઐતિહાસિક સફળતા બાદ કોલકાતા એરપોર્ટ પર પાછા ફરેલા બલરામને માતાની તબિયત સારી ન હોવાના સમાચાર મળ્યા અને તેઓ એરપોર્ટથી જ કોઈને કીધા વિના હૈદરાબાદ રવાના થયા.
બલરામનો આ નિર્ણય કલબને ના ગમ્યો. તેમણે તેમના તરફ જરા પણ લાગણી દર્શાવ્યા વિના તેમને નાણાંકિય સજા ફટકારી. પ્રોફેશનલ ફૂટબોલનો આ કડવો અનુભવ બલરામ જિંદગીભર ના ભૂલ્યા. સિઝન પુરી થતાં જ તેમણે લોભામણી ઓફરો ઠુકરાવતા ઈસ્ટ બંગાળ સાથે છેડો ફાડી નાંખ્યો અને બંગાળ નાગપુર રેલવેની સાથે જોડાયા તે સમયે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી. આ દરમિયાન જ તેમને ક્ષયની બીમારી હોવાનું ખુલ્યું, જેણે તેમની કારકિર્દીનો અકાળે અંત આણી દીધો.
વળી, તેમની બીમારીના સમાચાર એવા સમયે આવ્યા કે જ્યારે તેમની માતાએ હૈદરાબાદમાં તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. જોકે બલરામે ફોન કરીને તેની માતાને લગ્ન તોડી નાંખવા જણાવ્યું. ભલભલા ભાંગી પડે તેવી સ્થિતમાં પણ બલરામે સ્વસ્થતા સાથે આ નિર્ણય લીધો અને લગ્ન ન કરવાના નિર્ણય પર તેઓ અફર રહ્યા. બંગાળ નાગપુર રેલવેની સાથે તેમણે કોલકાતામાં કેટલીક કલબોમાં કોચિંગ આપ્યું અને તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા જાણીતા ખેલાડીઓમાં બાસુદેવ માંડલ, સંગ્રામ મુખર્જી, મહેતાબ હોસૈન અને ચંદન દાસનો સમાવેશ થાય છે.
ભારતીય ફૂટબોલ ઈતિહાસના મહાન સ્ટ્રાઈકર્સ અને તેના કરતાં પણ ચડિયાતા ટીમ પ્લેયર તરીકે બલરામનું નામ કાયમ માટે યાદ રખાશે. ફૂટબોલને જ પોતાની જીવનસંગિની બનાવનારા બલરામની રમતવિર તરીકેની મહાનતા તેમના સાદગીભર્યા વ્યક્તિત્વને ઔર મહેંકાવતી. કોલકાતમાં હૂગલી નદીના કાંઠે ઉત્તરપાડામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની વિદાયની સાથે ભારતીય ફૂટબોલે જ નહીં પણ ભારતીય રમત જગતે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો