બોક્સિંગ વિશ્વમાં ભારતની મહિલાઓના પાવર પંચનો કમાલ
સાતત્ય જ વિકાસનો ખરો પાયો છે. નવી પેઢીએ હંમેશાા તેમના પૂૂરોગામીની સિદ્ધિઓની બરોબરી મેળવવા કે પછી તેને અતિક્રમી જવાના પ્રયાસમાં જ રત રહેવાની જરુર છે. જેથી કરીને ભૂતકાળની બરોબરીએ કે પછી તેના કરતાં એક ડગલું આગળ વર્તમાનની યશોગાથા પણ આલેખાય. જે આવનારી પેઢી માટે એવો પડકાર બની રહે કે જેનાથી આગળ વધવાનું સ્વપ્ન તેમની આંખોામાં સાહજિક રીતે રોપાઈ જાય. જ્યારે વર્તમાન પોતાને સમૃદ્ધ અને સિદ્ધિસભર બનાવી લેે છે, ત્યારે ભૂતકાળનું પ્રભુત્વ પરોઢ થતાં ઝાંખા થયેલા ઝળાહળાં થતા તારા જેવું બની રહે છે.
ભારતીય બોક્સિંગ જગતમાં પણ વર્તમાન પેઢીએ તેમની સખત મહેનત અને પરિશ્ચમને સહારે દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. ઘરઆંગણે યોજાયેલી મહિલા બોક્સિંગની વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતની એક સાથે ચાર બોક્સરોએ સુવર્ણસિદ્ધિ હાંસલ કરતાં 17 વર્ષ જૂના ઈતિહાસને દોહરાવ્યો. તેની સાથે સાથે વિશ્વ વિજેતા બનવા માટેની સ્પર્ધામાં શ્રેષ્ઠતાના શીખરને પણ પ્રાપ્ત કરી લીધું છે. ભારતને વિશ્વવિજેેતા બનીને ગૌરવ અપાવનારી મહિલા બોક્સરોમાં નિખત ઝરીન, લવલીના બોર્ગોહેન, નીતુ ઘંઘાસ તેમજ સ્વિટી બૂરાનો સમાવેશ થાય છે. જેમણે પોતાની પ્રતિભા થકી માત્ર હરિફ મુક્કેબાજોને જ નહીં પણ પરિસ્થિતિઓને પણ ધૂળ ચાટતી કરી દીધી હતી. તેમની બોક્સિંગ રિંગના સાફલ્યની ચમક તેમની જિંદગીની રિંગને જીતને કારણે વધુ ઓજસ્વીતા સાથેે ઝળહળી રહી છે.
મેરી કોમ અને એલ. સરિતા દેવી જેવી બોક્સરોએ વિશ્વ-ફલક પર ભારતનું નામ ગાજતું કર્યું. તેમની આ સફળતાના પડઘા દેશમાં ચારેકોર કિશોરીઓના કાનોમાં પડઘાયા. જેના કારણે તેમના જીવનને નવી રાહ મળી. દરેક નવી શરુઆત ક્યારેય આસાન હોતી નથી, પણ જેઓ શરુઆતના વિઘ્નો-મુશ્કેલીઓ વચ્ચેે ટકી રહે છે તેઓ જ બીજમાંથી વટવૃક્ષનું સ્વરુપ હાંસલ કરી શકે છે. ભારતની નવી વર્લ્ડ ચેમ્પિયન બોક્સરોની સફળતાની ચમક અને સંઘર્ષભરી રાહ આવનારી પેઢીઓ માટે એક મિસાલરુપ બની રહી છે.
ગાંધીજી કહેતા કે, એકને સારું શક્ય છે, તે બધાને સારું શક્ય છે. રાષ્ટ્રપિતાના આ જ શબ્દો જ મોટાભાગની દરેક સફળતાની કથાના સારરુપ જ જોવા મળે છે. નિખત ઝરીને માત્ર 26 વર્ષની ઉંમરે જ બે વખત વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કરી લીીધો છે. તેની સિદ્ધિની વિશેષતા એ છે કે, તેણે સળંગ બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે અલગ-અલગ કેટેગરીમાં વિશ્વવિજેેતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ સાથે તે ભારતીય બોક્સિંગના ઈતિહાસમાં મેરી કોમ બાદની એકમાત્ર એવી બોક્સર છેે કે, જેેની પાસે એકથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ છે.
આંધ્ર પ્રદેશના નિઝામાબાદમાં રહેતા એક મુસ્લીમ પરિવારમાં જન્મેલી નિખતમાં બાળપણથી જ કંઈક નવું કરવાની તમન્ના હતી. તેના પિતા મોહમ્મદ જમીલ અહમદ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતાં એક જમાનામાં તેઓ અચ્છા ફૂટબોલર અને ક્રિકેટર રહી ચૂક્યા હતા. તેમણે જ નાનકડી નિખતને બોક્સિંગમાં જોડવા માટે પ્રોત્સાહન આપ્યું અને 13 વર્ષની વયે તેની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ. નિખતને વિશાખાપટ્ટનમાં દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચૂકેલા આઈ. વી. રાવ જેવા અનુભવી કોચ મળ્યા. જોકે નિખતની રાહ આસાન નહતી.
રુઢીચૂસ્ત સમાજના વિરોધનો સામનો તેને જ નહીં, પણ તેના પરિવારને પણ કરવો પડ્યો પણ તેઓએ બોક્સિંગને છોડવાનો વિચાર સુદ્ધા ન કર્યો. તે સમયે મહિલા બોક્સરોની સંખ્યા આખા રાજ્યમાં આંગળીના વેઢે ગણાય તેટલી હતી, જેના કારણે નિખતને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરવી પડતી. જિંદગીના એક પછી એક પંચ નિખતને તેના પરિવાર પર પડી રહ્યા હતા, પણ તેઓ આસાનીથી હાર માને તેમ નહતા.
આખરે 15 વર્ષની ઉંમરે નિખતે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો અને તેની પ્રતિભાનો ચમકારો પહેલીવાર વૈશ્વિક સ્તરે દેખાડ્યો. આ સફળતાને પગલે તેને ભારે નામના મળી. સફળતાએ એવો ચમત્કાર સર્જ્યો કે જેઓ એક સમયે તેને સમાજ માટે કલંકરુપ ગણાવતા હતા, તે જ તેમની પ્રશંસા કરતાં થાકતા નહતા. નિખતની વર્ષોની મહેનત હવે રંગ લાવી રહી હતી તેને 2019ની એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક મળ્યો, જેનાથી તેે સંતુષ્ઠ નહતી. તેણે પોતાની પ્રેક્ટિસના કલાકો વધારી દીધા અને ત્યાર બાદ 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ગોલ્ડ મેડલની માઈલસ્ટોન સિદ્ધિ હાંસલ કરી હતી. હવે તેણે તેની આ ગોલ્ડન રનને આગળ ધપાવી છે, જે આગામી સમયમાં પણ જારી રહેશે અને ભારતને વધુ વર્લ્ડ ટાઈટલ્સ મળશે તેમ લાગી રહ્યું છે.
નિખતે પરિસ્થિતિ અને સમાજ સામેના સંઘર્ષ બાદ સફળતા મેળવી, તો 48 કિગ્રા વજન વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી નીતું ઘંંઘાસની સફળતા તો સ્વપ્નસિદ્ધિ સમાન છે. 22 વર્ષની નીતુુની વેઈટ કેટેગરી એ જ છેે કે, જેમાં બોક્સિંગ લેજન્ડ મેરી કોમ પણ ભાગ લે છે. આ સ્થિતિમાં નીતુની આગેકૂૂચની સંભાવના નહીવત્ બની જાય તેે સ્વાભાવિક છે. જ્યારે મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન સામે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં રમવાનું આવે ત્યારેે સ્વાભાવિક રીતે જ ભલભલાના હાંજા ગગડી જાય. જોકે નીતુએ આ પરિસ્થિતિને ગભરાવાને બદલે તેને પડકાર તરીકે સ્વીકારી. તેને લાગ્યું કે, જો હું અહીં જ મેરી કોમને હરાવી દઉં તો પછી તો મને કોઈ હરાવી શકવાનું નથી. 2022ના કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સમાં નીતુ સામેના મુકાબલા દરમિયાન મેરી કોમ ઘાયલ થઈ ગઈ અને ત્યાર બાદ તો નીતુએ કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો. ઈજાના કારણે મેરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ના ઉતરી અને નીતુએ તેનો દબદબો આગળ ધપાવતા વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કર્યો.
હરિયાણામાં જન્મેલી નીતુની કારકિર્દીમાં તેના પિતા જય ભગવાને મહત્વની ભૂમિકા ભજવી. સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા જય ભગવાનને બાળપણમાં જ ખ્યાલ આવી ગયો કે તેમનું બાળક અન્ય બાળકો કરતાં વધુુ પ્રવૃત્તિશીલ અને જોશ ધરાવે છે અને આ જ કારણેે તેને બોક્સિંગના કોચિંગમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે શરુઆતના બેે-ત્રણ વર્ષ સફળતા ન મળતાં નીતુએ બોક્સિંગ જ છોડી દેવાનું નક્કી કર્યું, ત્યારે તેના પિતાએ ત્રણ વર્ષ બીન પગારી રજા મૂકીને દિકરીની કારકિર્દીને પાટે ચડાવવા માટે લોન લીધી. તેને હિંમત પણ આપી. આ સમયે વિજેન્દર જેવા ઓલિમ્પિક મેડાલીસ્ટ બોક્સરના કોચ જગદીશ સિંઘની નજર તેના પર પડી અને તેમણે તેની પ્રતિભાને તરાશી, જેે ને આજે કોમનવેેલ્થ અને વર્લ્ડ ચેમ્પિયન તરીકે દુનિયા ઓળખે છે.
ભારતને ઓલિમ્પિકની મહિલા બોક્સિંગના ઈતિહાસમાં અત્યાર સુધી બે મેડલ મળ્યા છે અને બંને મેડલ પૂૂર્વોત્તરની પ્રતિભાશાળી બોક્સરો મેરી કોમ અને આસામિયા બોક્સર લવલીના બોર્ગોહેનના નામે છે. આસામના ગોલાઘાટના બારોમુખિયા ગામમાં અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી લવલીનાના પિતા ટિકેત ચાના બગીચામાં કામ કરતાં. લવલીના તેની બે મોટી બહેનો અને માતાની સાથે રહેતી. જ્યારે ટિકેત તો સપ્તાહમાં એક જ વખત ઘરે આવી શકતા. ટૂંકી આવક અને પરિવારમાં પુત્ર ન હોવાથી ગામ લોકો માટે બોર્ગોહેન પરિવાર દયાપાત્ર હતો. ટિકેતે પણ તેમની નોકરીની ગેરહાજરીને કારણે પુત્રીઓને સ્વરક્ષણ માટે થાઈ-બોક્સિંગ શીખવવાનું નક્કી કર્યું.
શાળા જીવન દરમિયાન માર્શલ-આર્ટ જેવી ઈવેન્ટમાં ભાગ લેતી લવલીનાની સફળતા લગભગ નક્કી જ હોય. તેની ઉંચાઈ તેને માટે ફાયદાકારક રહેતી. તેની કુશળતા અને ઝડપથી પ્રભાવિત થયેેલા જાણીતા કોચ પદુમ ચંદ્રા બોડોએ લવલીનાને બોક્સિંગ શરુ કરવાની સલાહ આપી અને તેના પરિવારે તેમના સૂૂચનને કોઈ પ્રકારના વિરોધ વિના સહર્ષ સ્વીકારી લીધું. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેેની પ્રતિભાને નિખારવાનું નક્કી કર્યું અને તેની તાલીમ અને અભ્યાસની જવાબદારી સ્વીકારી લેતા પરિવારને આર્થિક રીતે થોડી રાહત અનુભવાઈ. ત્યાર બાદ સંધ્યા ગુરંગે લવલીનાના વિકાસમાં વધુ રસ લીધો. લવલીનાની બોક્સિર તરીકેની કારકિર્દીનો પ્રારંભ એ જ વર્ષે થયો કે, જે વર્ષે ઓલિમ્પિકમાં મહિલા બોક્સિગનો સમાવેશ થયો અને મેરી કોમેે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો.
લવલીનાની પાંચ વર્ષની સખત મહેનત રંગ લાવી અને તેણે સૌપ્રથમ મેડલ 2017માં એશિયન ચેમ્પિયનશિપમાં કાંસ્ય તરીકે જીત્યો. જે પછી તો એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપના કાંસ્યથી તેની કારકિર્દીમાં ચમક આવી. ટોક્યોમાં 2021મા યોજાયેલા ઓલિમ્પિકના કાસ્યચંદ્રકે લવલીનાની કારકિર્દીને રેકોર્ડબુકમાં અમીટ સ્થાન અપાવ્યું. જોકે તેની કારકિર્દી કાંસ્યથી આગળ નહી વધી શકે તેવો પ્રશ્નાર્થ પણ સર્જાયો. જોકે, 25 વર્ષની લવલીનાએ ટીકાકારોને જવાબ આપતાં તેની કારકિર્દીનો પહેલો એશિયન ચેમ્પિયનશિપનો અને હવે પહેલો વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ચારેય બોક્સરોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ માટે સૌથી લાંબો ઈંતજાર 30 વર્ષની સ્વિટી બૂરાને કરવો પડ્યો છે. હરિયાણવી બોક્સર સ્વિટીના પિતા મહેન્દ્રસિંહ બાસ્કેટબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા હતા અને તેમણે તેમની પુત્રીને કબડ્ડીમાં આગળ વધવાની પ્રેરણા આપી. રાજ્ય કક્ષાની કબડ્ડી પ્લેયર રહી ચુકેલી સ્વિટીની વિશિષ્ટ પ્રતિભાને જોતા તેના પિતાએ જ તેણે બોક્સિંંગ જેવી વ્યક્તિગત રમત અપનાવવા પ્રોત્સાહિત કરી અને 16 વર્ષની ઉમરે સ્વિટીએ બોક્સિંગ શરુ કરી.
એશિયન ચેમ્પિયનશિપ સહિતની મેજર ટુુર્નામેન્ટ્સમાં સફળતા બાદ 2014માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધીની સફર ખેડી. જોકે ત્યાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ઓલિમ્પિક રમવાના તેના પ્રયાસો પણ સફળ ન થયા અને તેની કારકિર્દી વર્લ્ડ ચેમ્પિયનશિિપના સિલ્વરની સાથે જ પુરી થશે તેમ મનાતું હતુ. ત્યારે સાત વર્ષના ઈંતજાર બાદ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશતા સુવર્ણસિદ્ધિ હાંસલ કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેની સફળતામાં તેના પિતાની સાથે પતિ દીપક હૂડાનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.જે ખુદ ભારતીય કબડ્ડી ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે.
હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ ભારતની આ બોક્સરોએ પેરિસ ઓલિમ્પિક તરફ મીટ માંડી છે. બોક્સિંગ ફેડરેશન અને ઓલિમ્પિક કમિટી વચ્ચેના ટકરાવને કારણે વર્લ્ડ ચેમ્પિયન હોવા છતાં આ બોક્સરોને પેરિસ માટે ક્વોલિફાય થવું પડશે, પણ તેમની સિદ્ધિઓ જોતા પેરિસમાં ભારતને મહિલા બોક્સિંગમાં મેડલ મળશે તે નક્કી મનાય છેે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો