ભારતીય રમતના આકાશમાં ઝગમગતી પિતા-પુત્રની જુગલ જોડી
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી ઊંચે દેરીજી
ગુજરાતી સાહિત્યમાં શેષના ઉપનામથી વિશેષ રત્નસંપુટ રચનાઓના સર્જક એવા રા.વિ. પાઠકે બાળકની જિંદગીમાં પિતાની ભૂમિકાને આબાદ રીતે શબ્દદેહ આપ્યો છે. માતાના વાત્સલ્ય અને પ્રેમની અભિવ્યક્ત તો સાહિત્યમાં ઠેર-ઠેર છે, પણ મહદ્અંશે પિતાની લાગણી આંગળીયાત રહી છે. જોકે દરેક સંંતાનને જિંદગીના ધ્યેયનો અને સમાજની સ્થિતિનો બોધ કરાવવાની જવાબદારી પિતાના ખભે જ રહેલી હોય છે. સમાજમાં ધબકતા સંવેદનો માતૃહૃદયને આભારી છે, તો બૌધ્ધિકતા એ પિતાના અધિકારનું ક્ષેત્ર છે. માતાના ખોળામાંથી ઉઠેલા બાળકને સ્હેજ કષ્ટ આપીને પણ ડુંગરે ઊંચેે આવેલી દેરી સમાન ઉચ્ચ લક્ષ્યાંકોના દર્શન કરાવવાની અને ત્યાં સુધીની સફરના કષ્ટોને માટે તૈયાર કરવાનું કાર્ય પિતાને આભારી છે.
ધરતીને ફાડીને અંકુરણ પામેલા કુમળા અંકુરની વટવૃક્ષ થવાની સફર આસાન હોતી નથી. તોફાની પવનો અને સૂરજના તડકાનો સામનો કરવો આસાન હોતો નથી, પણ હકીકતમાં જ ઘડતર છે અને આ જ પ્રકારે પિતા પણ બાળકના વ્યક્તિત્વનું મૌન રહીને સતત ઘડતર કરે છે, જેનું પરિણામ દુનિયાને વર્ષો બાદ જોવા મળે છે. વિશ્વના દરેક ક્ષેત્રની જેમ રમતના મેદાનમાં પણ પિતાના પગલે આગળ વધીને આસમાની ઉંચાઈ હાંસલ કરનારા રમતવીરોની પ્રતિભા ચિરકાલીન પ્રકાશિત જોવા મળી રહી છે.
ઈસવી સન 1983માં ઈંગ્લેન્ડમાં રમાયેલા ક્રિકેટના વિશ્વકપમાં ભારતીય ટીમે ભલભલા ધુરંધરોને આંચકો આપતાં ચેમ્પિયન બનવા સુધીની સફર ખેેડી હતી. ભારતીય રમતના ઈતિહાસનું એ ચમત્કારિક અને સ્વર્ણિમ પ્રકરણના કર્ણધાર તરીકે મોહિન્દર અમરનાથને શ્રેય આપવો ઘટે ! મોહિન્દર અમરનાથની આક્રમક રમત અને પરિસ્થિતિની સામે ઝઝૂમવાના જઝ્બાની પાછળ તેમના પિતા લાલા અમરનાથનો ફાળો ઘણો મોટો હતો. આંતરરા્ષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની સૌપ્રથમ શતકવીર લાલા અમરનાથ આઝાદ ભારતની ક્રિકેટ ટીમના સૌપ્રથમ કેપ્ટન તરીકેનું ગૌરવ પણ ધરાવે છે. શિસ્તના અતિઆગ્રહી અને ઉચ્ચ માપદંડોની સાથેે લાલા અમરનાથે તેમના ત્રણેય પુત્રો સુરિન્દર, મોહિન્દર અને રાજિન્દરને જિંદગીની સાથે ક્રિકેટનું વાતાવરણ પણ આપ્યું અને આ જ કારણે સુરિન્દર અને મોહિન્દરે આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની સફર ખેડી અને પિતાનું નામ ઉજાળ્યું.
લાલા અમરનાથ અને મોહિન્દર અમરનાથની પિતા-પુત્રની જોડી ભારતીય ક્રિકેટમાં અમરકથા જેવું સ્થાન ધરાવે છે. 1983ના વિશ્વકપ બાદ ભારતીય ક્રિકેટને મળેલા અન્ય બે વિશ્વકપ વિજયનો પાયો એટલે યુવરાજ સિંઘ. ઈંગ્લેન્ડ સામેની ટી-20માં સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગાનું જવલ્લેજ જોવા મળતી ઘટનાના રચયિતા યુવરાજે 2011માં તો કેન્સરની સામે સંઘર્ષ કરતાં કરતાં વિશ્વવિજયની સિદ્ધિ મેળવી હતી. યુવરાજની સફળતામાં તેના પિતા યોગરાજ સિંઘનો સિંહફાળો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનું ગૌરવ મેળવવા છતાં યોગરાજ સિંઘ યેનકેન પ્રકારે તેમની પ્રતિભાને સોળે કળાએ ખલવી શક્યા નહતા અને તેમનો આ જ વસવસો તેમના પુત્રની જીવનની રાહ બન્યો અને ભારતીય ક્રિકેટમાં પિતા-પુત્રની આ જોડી પણ કાયમી સ્થાન મેળવી ચૂકી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ગુજરાતી પિતા-પુત્ર વિનૂ માંકડ અને અશોક માંકડને યાદ કરવા જ પડે. જામનગરમાં જન્મેલા વિનૂ માંકડે તેમની ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભાને સહારે આગવું પ્રભુત્વ જમાવ્યું હતુ. તેમણે 1956માં પંકજ રોય સાથે ઈંગ્લેન્ડ સામે નોંધાવેલી 413 રનની ઓપનિંગ ભાગીદારી, 52 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડનો તાજ ધરાવતી હતી. આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવતા વિનૂ માંકડના પુત્ર અશોક માંકડ 22 ટેસ્ટ અને એક વન ડે રમ્યા હતા. અશોક માંકડે 1974માં ઈંગ્લેન્ડના ઓવલમાં રમાયેલી વન ડેમાં છેક આઠમા ક્રમે ઉતરીને 44 રન ફટકાર્યા હતા, જે ભારતની ઈનિંગનો સર્વોચ્ચ સ્કોર હતો, પણ અફસોસ તેમને ત્યાર બાદ વન ડેમાં તક મળી નહતી. વિનૂ માંકડના અન્ય બે પુત્રો રાહુલ માંકડ અને અતુલ માંકડ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.
ભારતને ક્રિકેટના દિગ્ગજ કેપ્ટનોની યાદીમાં મંસૂર અલી ખાન પટૌડીનું નામ પણ અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે. માત્ર 21 વર્ષની ઉંમરે કેપ્ટન તરીકેની ધુરા સંભાળનારા એમએસકે પટૌડીએ ભારતને 1967માં ન્યુઝીલેન્ડની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ વિજય અપાવ્યો હતો. જે ભારતનો વિદેશની ભૂમિ પરનો સૌપ્રથમ વિજય હતો. કાર અકસ્માતમાં જમણી આંખમાં ક્ષતિ પહોંચી હોવા છતાં પટૌડીની બેટિંગ અને ફિલ્ડિંગ કમાલની હતી. એમએસકે પટૌડીના પિતા ઈફ્તિખાર અલીખાન પટૌડી કે જે પટૌડી સિનિયર તરીકે ઓળખાતા તેઓ પણ અચ્છા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતા. તેઓ ઈંગ્લેન્ડ તરફથી ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં પણ રમ્યા હતા અને ત્યાર બાદ તેઓએ ભારતનું પણ પ્રતિનિધિત્વ પણ કર્યું હતુુ. જો કે ક્રિકેટની દુનિયામાં તો પિતા કરતાં પુત્ર સવાયો સાબિત થયો હતો. આ ઉપરાંત વિજય માંજરેકર અને તેમનો પુત્ર સંજય માંજરેકર, સુનિલ ગાવસ્કર અને પુત્ર રોહન ગાવસ્કર તેમજ સચિન તેંડુલકર અને અર્જુન તેંડુલકરની ્ક્રિકેટર પિતા-પુત્રની જોડીઓ પણ ભારતીય ક્રિકેટમાં જાણીતી છે.
સમગ્ર ભારતવર્ષે આત્મસાત કરેલી ક્રિકેટની રમત પર તો બધાની નજર હોય તે સ્વાભાવિક છે. જોકે ભારતીય રમત ઈતિહાસના વૈભવને, બબ્બે પિતા-પુત્રની જોડીઓએ પોતાના ઓલિમ્પિક ચંદ્રકની અજંલી આપીને વધુુ સમૃદ્ધ બનાવ્યો છે. જોકે, ભૂતકાળની ગરીમાની સાથે ઓછો પરિચય ધરાવતા વર્તમાન જનમાનસમાં આ ગૌરવશાળી જોડીઓની છબી ઝડપથી સ્પષ્ટ થઈ શકતી નથી. આ જોડીમાં પહેલું નામ હોકીના જાદુગર મેજર ધ્યાન ચંદ અને તેમના પુત્ર અશોક કુમારનું આવે. ભારતીય હોકીના સુવર્ણકાળના સેનાનાયક મેજર ધ્યાન ચંદે 1928, 1932 અને 1936 એમ ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનો અનોખો વિક્રમ સર્જ્યો હતો. જ્યારે તેમના પુત્ર અશોક કુમારે 1972ના મ્યુનિચ ઓલિમ્પિકમાં કાંસ્ય જીતનારી ટીમ તરફથી અસરકારક દેખાવ કર્યો હતો. અશોક કુમાર ભારતીય હોકી ઈતિહાસમાં એકમાત્ર વિશ્વકપ જીતનારી ટીમમાં પણ સામેલ રહી ચૂક્યા છે.અશોક કુમારે 1972ના ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની સાથે પિતાની જેમ ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા તરીકેનું ગૌરવ મેળવ્યું, પણ આ જ ઓલિમ્પિક મેડલથી એક નવી સફરની શરુઆત થઈ. અશોક કુમારના સાથીદાર તરીકે તે ટીમમાં વેસ પેસ સામેલ હતા. વેસ પેસ 1971માં બાર્સેલોનામાં હોકી વિશ્વકપમાં પણ કાંસ્ય જીતનારી ટીમમાં સામેલ હતા. વેસ પેસ વ્યવસાયે તબીબ હતા. હોકીના ખેલાડી તરીકેની કારકિર્દી બાદ પણ રમતના મેદાન સાથે જોડાયેલા રહેવા માટે તેમણે સ્પોર્ટસ મેડિસીનમાં કુશળતા હાંસલ કરી. ર્ડા. પેસ રમતના ચુસ્ત હિમાયતી હતા. જોકે તેઓ તેમના નાનકડા પુત્ર લિએન્ડર પર પોતાની રમત થોપવા માંગતા નહતા અને આ જ કારણે તેમણે તેને મનગમતી એવી ટેનિસની રમતમાં આગળ વધવાની પ્રેરણા આપી. જેના કારણે જ લિએન્ડર પેસે આગળ જતાં 1996ના એટલાન્ટા ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સ ટેનિસમાં કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. જે એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતનો એકમાત્ર ચંદ્રક હતો અને આ દિન સુધીનો ટેનિસની રમતનો એકમાત્ર ચંદ્રક છે.
રમતોના વૈશ્વિક આકાશમાં ઊંચી ઊડાન ભરનારા ભારતીય રમત સિતારાઓમાં મહાન એથ્લીટ મિલ્ખા સિંઘ અને તેમનો આંતરરાષ્ટ્રીય ગોલ્ફર પુત્ર જીવ તેમજ ટેનિસના ધુરંધર એવા રામનાથન ક્રિશ્નન અને પુત્ર રમેશ ક્રિશ્નનની જોડી પણ આગવું સ્થાન ધરાવે છે.
પિતા એ અવ્યક્ત લાગણીનું એવું વ્યક્તિત્વ છે, કે જે પોતાના હૃદય પર પથ્થર મુકીને પણ સંતાનના ભલા માટે કઠોરતાનું કવચ ઓઢવાની સાથે પોતાના સ્વાભાવથી વિપરિત ઓળખને પણ આજીવન સ્વીકારી લે છેે, તેની પાછળનો આશય માત્ર સંતાનની ઉન્નતિ સિવાય કશો હોતો નથી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો