કોચની એક જ સલાહને સહારે પારુલ ચૌધરીની એશિયન એથ્લેટિક્સમાં સફળતા
થાઈલેન્ડના બેંગકોકમાં એશિયાના 42 દેશોના એથ્લીટ્સ વચ્ચે યોજાયેલી 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની 28 વર્ષની પારુલ ચૌધરીએ સુવર્ણ અને રજત એમ બે ચંદ્રકો જીતીને રેકોર્ડબુકમાં પોતાનું નામ કાયમ માટે અંકિત કરાવી દીધું છે. પારુલે મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો, તો 5000 મીટરની દોડમાં તેને રજતથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, પારુલની આંતરરાષ્ટ્રીય ચંદ્રકોની યાદી લાંબી છેે. ત્રણ વર્ષ પહેલા 2019માં કતરના દોહા શહેરમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે પણ પારુલે તેની કારકિર્દીના પહેલા ચંદ્રક તરીકે કાંસ્ય જીત્યો હતો. તેણે આ કાંસ્ય પાંચ હજાર મીટરની દોડમાં હાંસલ કર્યો છે.
પારુલની સિદ્ધિ માત્ર આટલે જ અટકતી નથી. તેણે ગત વર્ષે અમેરિકાના યુજીન શહેરમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ 3000 મીટરની સ્ટીપલચેઝ અને 5000 મીટરની દોડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. કારકિર્દીની પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે બંનેમાંથી એક પણ સ્પર્ધાની ફાઈનલમાં પણ પ્રવેશી શકી નહતી, જોકે વિશ્વસ્તરની સ્પર્ધાના અનુભવે તેને વધુ પરિપક્વ અને સજ્જ બનાવી છે, જેના કારણે તે આગામી એશિયન ગેમ્સમાં તેમજ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચંદ્રક જીતવાના દાવેદારોમાં સ્થાન ધરાવે છે. તેની મુખ્ય સ્પર્ધા 3000 મીટરની સ્ટીપલચેઝની દોડ સ્પર્ધા છે. જેમાં ખેલાડીઓએ ત્રણ કિલોમીટરની દોડ લગાવવાની હોય છે અને આ દોડની સ્પર્ધા દરમિયાન ટ્રેક પર વચ્ચે વચ્ચે કેટલાક વિઘ્નો મૂકેલા હોય છે, જેના પરથી કુદકો લગાવવાનો હોય છે. પાણી ભરેલા ખાડા પણ ઓળંગવાના હોય છે.
સ્ટીપલ એટલે ચર્ચનો મિનારો કે ટાવર. વર્ષો પહેલા યુરોપમાં એક ચર્ચથી બીજા ચર્ચ સુધીની દોડની સ્પર્ધા યોજાતી, જેને સ્ટીપલચેઝ રેસ કહેવાતી. આ રેસ દરમિયાન ખેલાડીએ તેના માર્ગમાં આવતા વિઘ્નોને બને તટેલી ઝડપથી પાર કરવાના રહેતા. આ સ્પર્ધાનું આધુનિક સ્વરુપ એટલે ત્રણ કિલોમીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટ, જેમાં પારુલે આગવું પ્રભુત્વ હાંસલ કર્યું છે. તે દેશની ટોચની સ્ટીપલ ચેઝર છે, તેની સાથે સાથે લાંબા અંતરની દોડ તરીકે ઓળખ ધરાવતી ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટરની રેસ પર પણ અચ્છી પકડ ધરાવે છે. જોકે તેેની આ સફળતાનો શ્રેય તેના પિતા કિશનલાલ અને બાળપણના કોચ વી. કેે. વાજપાઈને જાય છે. તેમના પ્રયાસો અને પારુલની મહેનતને સહારે ભારતીય એથ્લેટિક્સને વધુ એક ફ્લાઈંગ ક્વિન મળી શકી છે.
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના સરધાના તાલુકામાં આવેલા નાનકડા બહરલા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી પારુલની એથ્લેટિક્સની સફર શાળાજીવન દરમિયાન જ શરુ થઈ હતી. પારુલના પિતા કિશનલાલ પુત્રીને રમત ગમતમાં આગળ વધારવા ઈચ્છતા હતા અને આ માટે તેમણે તેને પડકાર ફેંક્યો કે શું તે શાળામાં સૌથી ઝડપથી દોડતી છોકરીને પાછળ પાડી શકે છે ? પારુલે પિતાએ આપેલા પડકારને ઝીલી લીધો અને વ્યાયામ દિવસની ઉજવણીમાં તેણે સુવર્ણચંદ્રક જીતી બતાવ્યો. નાનકડી પારુલે ટૂંક સમયમાં જ જેે પ્રકારે સફળતા મેળવી તેનાથી વ્યાયામ શિક્ષક પણ ખુબ જ પ્રભાવિત થયા. તેમણે કિશનલાલને સલાહ આપી કે, તમે પારુલને નજીકના સ્ટેડિયમમાં એથ્લેટિક્સની તાલીમ અપાવો, તો તે આગળ જતાં ઘણી મોટી સફળતા મેળવી શકે તેમ છે.
પારુલ અને તેની નાની બહેન પ્રીતિને એથ્લેટિક્સની તાલીમ માટે નજીકના સ્ટેડિયમમાં મુકવામાં આવી, જ્યાં એથ્લેટિક્સના કોચ તરીકે વી. કે. બાજપાઈ હતા. તેમના માર્ગદર્શન હેઠળ કિશનલાલે તેમની બંને પુત્રીઓની તાલીમને શરુ કરાવી. બાજપાઈ સરે પહેેલા તો પારુલને મધ્યમ અંતરની દોડ સ્પર્ધાઓમાં ઉતારવાનું નક્કી કર્યું, જેમાં તેણે 800 અને 1,500 મીટરની રેસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું, ત્યાર બાદ તેણે 5000 મીટરની દોડ પણ શરુ કરી અને જોતજોતામાં તેણે રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ સ્થાન મેળવી લીધું. જોકે, રાષ્ટ્રીય સ્તરે તેની શરુઆત ધીમી રહી. દરમિયાનમાં 2012માં લખનઉમાં જ નેશનલ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં 3000 મીટરની સ્ટીપલચેઝની ઈવેન્ટની ઉત્તર પ્રદેશની ખેલાડીને ખસી જવું પડ્યું. વળી, પારુલલ 1,500 મીટરની દોડમાં મેડલ જીતી શકી નહતી.
ઉત્તર પ્રદેશ તરફથી મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં કોઈ ખેલાડી ભાગ લેવા હાજર નહતી. આ તબક્કે બાજપાઈ સરે આ તબક્કે તક ઝડપી લેતા પારુલનું નામ આગળ કર્યું. પારુલ અગાઉ ક્યારેય સ્ટીપલચેઝમાં દોડી નહતી અને તેના માટે વિઘ્નને પાર કરીને દોડવું એ નવી બાબત હતી. આમ છતાં બાજપાઈ સરનો વિશ્વાસ જોતા તેણે તરત જ જવાબ આપ્યો કે, જો સર તમે કહેતા હોવ, તો હું રેસમાં ભાગ લેવા માટે તૈયાર છું. માત્ર 17 વર્ષની વયે પારુલે તેના કોચ પર મુકેલા એ ભરોસાએ જ ભારતને આજેે આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર એથ્લીટ અપાવી છે.
જુનિયર લેવલની સફળતા બાદ તેણે સિનિયર લેવલે પણ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતાં રાષ્ટ્રીય ચંદ્રકો જીતીને ખળભળાટ મચાવ્યો. રાષ્ટ્રીય સ્તરે આગવી સફળતા બાદ તેણે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના સંભવિત દાવેદારોમાં સ્થાન મેળવનારી પારુલને વિદેશમાં સ્પર્ધાઓ અને તાલીમની પણ તક મળી. તેણેે દોહા એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ પણ જીત્યો. જોકે મે-2021માં તે બેંગાલુરુના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટર ખાતે ઓલિમ્પિકની તૈયારી કરી રહી, ત્યારે કોરોનામાં સપડાઈ, જેના કારણે તે વધુ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ના શકી અને એકમાત્ર રેન્ક પાછળ હોવાના કારણેે તે ઓલિમ્પિકની તક ચૂકી હતી.
સ્હેજ માટે ઓલિમ્પિકની ટિકિટ ન મેળવી શકનારી પારુલ હતાશ ના થઈ. તેણે પ્રયાસ જારી રાખ્યા અને આખરે 2022માં તેની પ્રતિભાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકારો દેખાડ્યો. તેણે લોસ એંજલસમાં યોજાયેલી સાઉન્ડ રનિંગ સનસેટ ટુર વનમાં માત્ર 8 મિનિટ અને 57.19 સેકન્ડમાં રેસ પુરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાંખ્યો. અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ 2016માં નવી દિલ્હી ખાતે યોજાયેલી ઈન્ડિયન એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં 24મી એપ્રિલે લોગાનાથન સૂરયાએ 9 મિનિટ અને 4.5 સેકન્ડ સાથે નોંધાવ્યો હતો. આ સાથે પારુલ 9 મિનિટ કરતાં ઓછા સમયમાં 3 કિમી સ્ટીપલચેઝ રેસ પુરી કરનારી પહેલી ભારતીય ખેલાડી બની. જોકે ત્યાર બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપનો અનુભવ ખાસ ઉત્સાહજનક રહ્યો નહતો.
પારુલે 2023ની શરુઆતમાં જ મુંબઈ મેરેથોનની જીત સાથે શરુઆત કરી હતી. તેણે મે-2023માં અમેરિકાના લોસ એંજલસમાં જ 5000 મીટરની દોડમાં 13 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે 10 મિનિટ અને 15.35 સેકન્ડમાં રેસ પુરી કરીને અગાઉ 2010ની ગ્વાંગઝૂ એશિયન ગેમ્સમાં પ્રીજા શ્રીધરને નોંધાવેલા 15 મિનિટ અને 15.89 સેકન્ડના નેશનલ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. હવે તેણે એશિયન ચેમ્પિયનશિપમાં સફળતા મેળવી લીધી છે. જોકે ચાલુ વર્ષનું કેલેન્ડર ભરચક છે. હવે પારુલની સામે એશિયન ગેમ્સનો અને વર્લ્ડ ચેમ્પિયનશિપનો પડકાર છે. વળી, આવતા વર્ષે યોજાનારા પેરિસ ઓલિમ્પિકમાં પણ પારુલ દેશ માટે 3000 મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં ચંદ્રક જીતવાનું સ્વપ્ન સેવી રહી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો