પ્રવીણ સાવંત : તીરંદાજીમાં ભારતની સ્વર્ણિમ સફળતાનો રિયલ હિરો
ખુદ અમેે તો ન પહોંચી શક્યા મંઝીલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી
નિષ્ફળતાએ રમત અને જિંદગીની વાસ્તવિકતા છે, પણ આ નિષ્ફળતા જ ઘણીવાર સફળતાના એવા રાજમાર્ગના દરવાજા ઉઘાડી દેે છે કે, જેના થકી આવનારી પેેઢી આસમાની ઉંચાઈને હાંસલ કરી શકે છે. પોતાની નિષ્ફળતા પર શોક કરવા કેે પ્રયાસોને છોડી દેવાને બદલે કવિ બેફામની જાણીતી ગઝલના શબ્દોને પોતાનો જીવનપથ બનાવનારા મૂક-સેવકો જ ચમત્કારિક સફળતાના પાયામાં રહેલા હોય છે.
ભારતની પ્રાચીન શસ્ત્રવિદ્યા તીરંદાજી આધુનિક સમયમાં હવે રમત સ્પર્ધાનું સ્વરુપ ધારણ કરી ચૂૂકી છે, તેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના 92 વર્ષના સુવર્ણચંદ્રકના દુષ્કાળનો અંત મહારાષ્ટ્રની 17 વર્ષની કિશોરી અદિતી સ્વામીએ આણ્યો. અદિતીએ જર્મનીના બર્લિનમાં તીરંદાજીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ધાર્યા નિશાન પાર પાડતાં વિશ્વવિજેતાનો તાજ ધારણ કરનારી સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ નોંધાવ્યો. અદિતીની ઐતિહાસિક સફળતાની ઉજવણીને બેેવડાવતા 21 વર્ષના ઓજસ દેવતળેએ ક્મ્પાઉન્ડ તીરંદાજીમાં પુરુષોની સ્પર્ધામાં વિશ્વવિજેેતા બનવાની સિદ્ધિ હાંસલ કરી. આ સાથે 1931થી યોજાતી તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને 92 વર્ષ એક જ નહીં પણ બબ્બેે સુવર્ણચંદ્રકો મળ્યા. સોનામાં સુગંધ ભળે તેવી બાબત એ પણ રહી કે, વ્યક્તિગત સ્પર્ધામાં આ બંને સુવર્ણ ચંદ્રક મળ્યા તે અગાઉ આ જ સ્પર્ધામાં ભારતની કમ્પાઉન્ડ તીરંદાજીની મહિલા ટીમે કે જેેમાં અદિતી સ્વામી, જ્યોતિ સુરેખા વેન્નમ અને પરનીત કૌર સામેલ હતા, તેમણે પણ સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. આમ, 17 વર્ષની અદિતીએ એક જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બેવડા સુવર્ણ જીતનારી સૌપ્રથમ ભારતીય તરીકે પણ રેકોર્ડબુુકમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું છે.
તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપના આશરે એક સદીના ઇતિહાસમાં પહેલીવાર તિરંગાને સર્વોચ્ચ શિખરે પહોંચાડનારા બંને સુવર્ણ ચંદ્રક વિજેતાઓ મહારાષ્ટ્રના છે. વ્યક્તિગત અને પારિવારિક સમસ્યાના વિઘ્નોને ઓળંગીને વિશ્વવિજેતા બનવા સુધીની અદિતી અને ઓજસની સફર આજે દુનિયાને રોમાંચક લાગી રહી છે, પણ વાસ્તવિકતામાં આ સફર માનસિક અને શારિરીક રીતે થકવી નાંખનારી અને નિષ્ફળતાના ભયાવહ ભૂતાવળથી ભરેલી હતી, તેનો અહેસાસ તો આ બંને તીરંદાજો અને તેમના પરિવારજનો અને કોચને જ છે. સફળતાનો વળાંક જિંદગીને અંધકારની ગર્તામાંથી ઉગારી લેેનારો બની રહે છેે. જોકે દરેકનું સ્વપ્ન સાકાર થતું નથી - એ કડવી પણ સાચી વાત છે. જોકે, નિષ્ફળતાને પચાવવાની કુશળતા જ વ્યક્તિત્વની મહાનતાને માપદંડ બની રહે છે.
અદિતી અને ઓજસની સફળતાના પરદા પાછળના રિયલ હિરો તેમના કોચ પ્રવિણ સાવંત છે. જેઓએ તીરંદાજી માટે તેમના તન-મન અને ધન કુરબાન કરી દીધા છે અને તેમના સંનિષ્ઠ પ્રયાસોના ફળ, આજે તેમની એકલી એકેડમી જ નહીં આખો દેશ ચાખી રહ્યો છે. આજે આખા દેેશમાં પ્રવિણ સાવંત અને તેમની દ્રષ્ટિ આર્ચરી એકેડમીની ચર્ચા થઈ રહી છે. જોકે તીરંદાજી માટે અને આ એકેડમી માટે પ્રવિણેે કેટલો ભોગ આપ્યો છેે, તેની જાણ તેમના પરિવારજનો અને મિત્રોને જ છે.
તીરંદાજી ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો હિસ્સો હોવા છતાં વર્તમાનમાં મૃતઃપ્રાય રમતોમાં તેને સ્થાન આપવી પડે તેવી દયનીય હાલત તેની થઈ છે. ઠેર-ઠેર બીલાડીની ટોપની જેમ ફૂટ નીકળેલા ક્રિકેટના સેન્ટરોની વચ્ચે તીરંદાજીની તાલીમના સ્થળોને શોધવા એ મહેનત માંગી લે તેવું કામ છે. જોકે કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી - એ ન્યાય અહીં પણ લાગુ પડે છે.
સતારામાં શાળાજીવન દરમિયાન 17 વર્ષનો પ્રવિણ અને તેેના મિત્રો ટીવી પર 2008ના બેઈજિંગ ઓલિમ્પિકનું પ્રસારણ જોઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક તીરંદાજીની સ્પર્ધા શરુ થઈ. આ નવી રમત તરફ પ્રવિણ આકર્ષાયો. તે શાળામાં અન્ય ખેલાડીઓની સાથે વોલીબોલ સહિતની રમતો રમતો પણ તીરંદાજી તરફ તેે સ્વાભાવિક રીતે જ ખેંચાયો. તેને લાગ્યું કે, આ રમત એટલી જાણીતી નથી એટલે તેેમાં સ્પર્ધા ઓછી હશે. વળી, એક દોસ્તે કહ્યું પણ ખરા કે, જો તું તીરંદાજીમાં સફળ થઈશ તો સરકારી નોકરી મેળવવામાં પણ આસાની રહેશે. થોડી રઝળપાટ બાદ તેેને ખબર પડી કેે, તેેના ઘરથી 45 કિલોમીટર દૂૂર આવેલા વાઈ શહેરમાં તીરંદાજીની તાલીમ અપાય છે. જ્યાં પહોંચવામાં જ દોઢ કલાકનો સમય જતો, પણ પ્રવિણ તીરંદાજીમાં પ્રવિણ થવા માટેે એટલો ઉત્સુક હતો કે, કોઈ વિઘ્ન તેને અટકાવી શક્યું નહી. આ જ પ્રકારે તાલીમ મેળવતા તેણે શાળાજીવનમાં 19 વર્ષની ઓછી વયના ખેલાડીઓમાં રાષ્ટ્રીય સ્તરે તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો.
જોકે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા સાવંત પરિવારના પુત્રને કમાવા માટે સતારાની હડકાંની હોસ્પિટલમાં વોર્ડબોય તરીકેની નોકરી પણ સ્વીકારવી પડી. રાત્રે વોર્ડ બોય તરીકે નોકરી કર્યા બાદ સવારે દોઢ કલાકનો પ્રવાસ ખેડીને પ્રવિણ વાઈ શહેરમાં તીરંદાજીની તાલીમ માટે પહોંચતો ત્યારેે સવારના આઠ વાગી જતાં. જિંદગીની આકરી થપાટો વચ્ચે પણ પ્રવિણેે તીરંદાજીને હાથમાંથી જવા ના દીધી. તેમણે પ્રયાસો જારી રાખ્યા અને આખરે તેમને પોલીસમાં કોન્સ્ટેબલ તરીકેની નોકરી મળી ગઈ. જેના કારણે થોડી રાહત થઈ. આ દરમિયાન જ તેણે સતારાના શાહુ સ્ટેડિયમમાં કોચિંગ આપવાનું શરુ કર્યું. આ જ સમયે મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામમાંથી સતારામાં આવીને વસેલા શિક્ષક ગોપીચંદ તેમની નાનકડી દીકરીની સાથે કોચ પ્રવિણ સાવંત પાસે આવ્યા અને તેમણે પુત્રીના કોચિંગની જવાબદારી તેમને સોંપી.
પોલીસ કર્મચારી તરીકે 12 થી 14 કલાકની નોકરીની સાથે સાથેે તેમણે ખેલાડીઓને તાલીમ આપવાનો પડકાર ઝીલી લીધો. જોકે, તાલીમાર્થીઓની સંખ્યા વધવા લાગતા તેમને જગ્યા નાની પડવા લાગી. પ્રવિણ ઈચ્છતા હતા કે, તેમને તીરંદાજી શીખવા માટે જેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો, તેટલો સંઘર્ષ આ બાળકોને કરવો ના પડે. આ માટે તેઓ મહારાષ્ટ્રમાં જુદા-જુદા કોચીસને મળતાં અને તેમની પાસેથી કોચિંગની તાલીમ અનેે માર્ગદર્શન મેળવતા. પૂણેેમાં આવેલા આર્મીના સ્પોર્ટ્સ સેન્ટરના કોચિસની પણ તેઓ નિયમિત મુલાકાત લેતા અને નવી ટેકનિક અને ટેક્નોલોજી વિશે માહિતી મેળવતા.
પ્રવિણ જ્યારે હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતા, ત્યારે તેમની દોસ્તી નજીકમાં આવેલી એક દવાની દુકાનના માલિક મહેન્દ્ર કદમ સાથે થયેલી. કોન્સ્ટેબલ તરીકેની નોકરી સંભાળ્યા બાદ પણ પ્રવિણ સમય કાઢીને મિત્રની દવાની દુકાને જતા. પ્રવિણ સાથેની વાતચીતમાં મહેન્દ્રએ જાણ્યું કે, સાહુુ સ્ટેડિયમમાં તાલીમાર્થીઓની સંખ્યા વધી છે અને હવે પ્રવિણને એકેડમી ખોલવા માટે જગ્યાની જરુર છેે. તીરંદાજી પ્રત્યેની પ્રવિણની નિષ્ઠા અને લગન જોઈને મહેન્દ્રએ સતારા-વાઢે રોડ પર આવેલું એક એકરનું શેરડીનું ખેતર એકેડમી માટે આપવાની તૈયારી બતાવી.
મિત્રએ મુકેલી ઓફર સાંભળીને પ્રવિણ ભાવુક બની ગયા. જોકે, આ તેમના માટે એક શરુઆત હતી. જગ્યા તો મળી ગઈ, પણ તેના પર તીરંદાજીની એકેડમી ચલાવવા માટેની વ્યવસ્થા કરવાની હતી. આ માટે નાણાં ક્યાંથી લાવવા એ સવાલ હતો. ત્યારે પ્રવિણની પત્ની અને માતાએ પોતાના ઘરેણા બેન્કમાં ગીરવે મૂક્યા અને બે લાખ રુપિયાની લોન મેળવી. આ ઉપરાંત તેમના પરિવારજનોએ પણ થોડી-થોડી મદદ કરી અને પ્રવિણ સાવંતનું એકેડમી શરુ કરવાનું સ્વપ્ન સાકાર થયું.
એક વખત એકેડમી શરુ થઈ તેની સાથે તાલીમાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો અને પ્રવિણનો ઉત્સાહ વધવા લાગ્યો. આર્થિક મુશ્કેલી અને અનિશ્ચિતતા છતાં તીરંદાજીમાં તાલીમાર્થીઓને શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાના નિર્ધારતને કારણે ધીરે ધીરે એકેડમીનું નામ થવા લાગ્યું. તેમની પાસે તાલીમ મેળવી ચૂકેલા એક ખેલાડીએ જ નાગપુરના 19 વર્ષના ઓજસ દેવતળેને પ્રવિણ સરની એેકેડમીનું સરનામું આપ્યું. આ સાથેે ઓજસ પણ તેમની સાથે જોડાઈ ગયો. પ્રવિણ સર પાસે પદ્ધતિસરની અને ઊંડાણપૂર્વકની તાલીમ મેળવનારા ખેલાડીઓએ ધીરે-ધીરે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભાનો ચમકારો દેખાડવાની શરુઆત કરી દીધી.
પ્રવિણ સાવંતના તાલીમાર્થીઓ અદિતી સ્વામી અને પાર્થ સાળુંકેએ ચાલુ વર્ષે મે-જુલાઈમાં જ વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપમાં સુવર્ણ સિદ્ધિ મેળવતા ભારતીય રમત જગતમાં નવો ઈતિહાસ આલેખી દીધો. જે પછી ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સિનિયર તીરંદાજીની ટીમમાં સ્થાન મેળવનારી અદિતીએ તો તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી યુવા વયની વર્લ્ડ ચેમ્પિયન બનીને દુનિયાને અંચબામાં નાંખી દીધી. જે પછી ઓજસે પણ ધાર્યા નિશાન પાર પાડ્યા. આ બંનેની સફળતાએ વર્ષો પહેેલા પ્રવિણ સાવંતનો હોંસલો બુલંદ બનાવ્યો છે. હવે ધીરે ધીરે તેઓ પોતાની એકેડમીનો વ્યાપ પણ વધારવાની સાથે ખેલાડીઓને વિશ્વસ્તરની સુવિધાઓ આપવા માટે કમર કસી રહ્યા છે.
ટીવી પ્રસારણથી તીરંદાજી સાથેનો પ્રવિણના લગાવને કારણે આજે ભારતને પહેલીવાર બબ્બે વર્લ્ડ ચેમ્પિયન મળ્યા છે. પોતાની અને પરિવારની ચિંતા કરવાને બદલે તીરંદાજીને સમર્પિત પ્રવિણ સાવંતની એકેડમી આવનારા દિવસોમાં ભારતીય રમત જગતને વધુ સમૃદ્ધ બનાવશે જ તેમાં કોઈ બેમત નથી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો