શીતલ દેવી : હાથની જરુર જ કોને છે ?!?



મુશ્કીલેં મારગ દિખાતી હૈં મુઝે, આફતેં બઢના બતાતી હૈં મુઝે; પંથ કી ઉત્તુંગ-દુર્દમ ઘાટિયાં, ધ્યેય-ગિરિ ચઢના સિખાતી હૈં મુઝે... - હિન્દીના વિખ્યાત કવિ ગોપાલદાસ નીરજની પંક્તિઓ મુશ્કેલઓની પર્વતમાળાને પાર કરવાના હોંસલાના પ્રતિબિંબ સમાન છે. મુશ્કેલીઓ અને પરેશાનીઓથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરનાર જ તેમાંથી રસ્તો શોધી શકે છેે અને તેે જ તેની સફળતાનો રાજમાર્ગ બની રહે છે. દુનિયા જેને અશક્ય કે અસંભવ માનતી હોય તેને જ સખત મહેનત અને સતત અભ્યાસથી સહજ સાધ્ય બનાવનારી વ્યક્તિઓ જ પોતાની સ્થિતિને તો સુધારી શકે જ છે, તેની સાથે સાથે અન્યો માટે પણ પ્રેરણારુપ બની શકે છે. 

ભારતની આવી જ એક 16 વર્ષની કિશોરી શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં અસાધારણ દેખાવ કરતાં તીરંદાજીની સ્પર્ધામાં બે સુવર્ણ અને એક રજત એમ ત્રણ ચંદ્રકો હાંસલ કરી બતાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, શીતલને કુદરતે બંને હાથ આપ્યા નથી, પણ તેણે આ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો અને તેના આ જ પ્રયાસો તેને જમ્મુ-કાશ્મીરના એક નાનકડા ગામડામાંથી ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન પેરા ગેમ્સના ત્રણ ચંદ્રકો સુધી લઈ ગયા. શીતલના જઝ્બા અને સફળતા માટેના ઝનૂનને જોઈને ભલભલા લોકોની આંખો અચંબાથી પહોળી થઈ જાય છે અને એક સમયે તેના તરફ દયાનો ભાવ રાખતાં લોકો હવે તેના પર ગર્વ અનુભવે છે, આ જ શીતલની સફળતાનો ખરો સુવર્ણ ચંદ્રક છે. 

ગુરુભક્તિમાં પોતાના જમણા હાથનો અંગૂઠો ધરી દેનારા એકલવ્યની કથા તો સર્વવિદિત છે. જ્યારે શીતલે તો તેના મક્કમ મનોબળને સહારે દેખાડ્યું કે, તીરંદાજી માટે તો હાથની નહીં, પણ હૈયામાં હામની જરુર છે. પગનો ઉપયોગ કરીને તીરને ઉંચકીને કમાનમાં લગાવવાથી માંડીને એક પગથી ધનુષને પકડી રાખીને પછી ખભા અને હડપચીની મદદથી સટીક નિશાન તાકવામાં શીતલ માહેર છે. તેણે તીરંદાજીની આધુનિક વિદ્યાશાખા કે જે કમ્પાઉન્ડ તીરંદાજી તરીકે ઓળખાય છે, તેમાં તેના જેવી જ દિવ્યાંગતા ધરાવતા તીરંંદાજોની વચ્ચે બે સુવર્ણ ચંદ્રકો અને એક રજત ચંદ્રક જીત્યો હતો.

16 વર્ષની  શીતલ હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજીની સ્પર્ધામાં સૌથી યુવા વયની અને બંને હાથ ન હોય તેવી એકમાત્ર સ્પર્ધક હતી. તેણે તેની કેટેગરીમાં સિંગાપોર અને ચીનની હરિફોને પછાડીને સુવર્ણ સફળતા મેળવી. તે અગાઉ શીતલ અને રાકેેશ કુમારની જોડીએ ચીન અને ઈરાનના હરિફોને હરાવતા મિક્સ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી. જોકે, હાંગઝોઉમાં શીતલનો પહેલો ચંદ્રક રજત હતો, જે તેણે સરિથા સાથેે મળીને મહિલા ટીમ ઈવેન્ટમાં જીત્યો હતો. ચીન સાથેની સુવર્ણ ચંદ્રકની કટોકટીભરી સ્પર્ધામાં થોડા માટે ચૂકી ગયેલી ભારતીય જોડીને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. આમ છતાં શીતલ ભારતના એવા જૂજ ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે કે, જેમણે એક જ એશિયન પેરા ગેમ્સમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક હાંસલ કર્યા હોય.

 ટૂંકા ગાળામાં દિવ્યાંગો માટેની વૈશ્વિક તીરંદાજીમાં પોતાની આગવી કુશળતાને સહારે આગવી નામના મેળવનારી શીતલ દેવીની સફળતામાં ભારતીય સૈન્યની ભૂમિકા પણ અત્યંત મહત્વની રહી છે. જમ્મુ-કાશ્મીર શાંતિ સ્થાપવા અને નાગરિકોને દેશની મુખ્ય ધારામાં જોડવા માટે ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવતા પ્રયાસોનો લાભ જ શીતલ દેવી તેમજ અન્ય ખેલાડીઓને મળ્યા છે. 

જમ્મુ-કાશ્મીરના કિશ્તવર જિલ્લામાં આવેલા લોઈધાર નામના ગામમાં રહેતા સાધારણ પરિવારમાં શીતલનો જન્મ થયો હતો. ફોકોમેલિયાના કારણે શીતલના હાથનો વિકાસ જ થયો નહતો. ગ્રામ્ય જીવનની હાડમારી અને શારીરિક મુશ્કેલી છતાં શીતલને તેના માતા-પિતાએ કોઈ બાબતની ઉણપ આવવા ન દીધી. જોકે પવર્તીય વિસ્તારમાં મર્યાદિત આવકને કારણે તેમના માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બને છે. શીતલના પિતા આસ-પાસના ખેતરોમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, જ્યારે તેની માતા ત્રણ-ચાર બકરીઓની દેખરેખ રાખવાની સાથે પરિવારની જવાબદારી સંભાળે છે. જોકે ટૂંકી આવકમાં શીતલ ઉપરાંત બે સંતાનોનું ગુજરાન ચલાવવું તેના પરિવાર માટે અત્યંત મુશ્કેલ બની રહેતું.

શીતલને બાળપણથી જ તેની વિશેષતાનો અહેસાસ થતા, તેણે પગની પાસેથી હાથનું કામ લેવાનું શરુ કરી દીધેલું. ગામમાં તો તે પગથી ઝાડ પર ચઢતાં પણ શીખી ગયેલી અને તેના આ સાહસને જોઈને આસ-પાસના લોકો દંગ રહી જતા. આ દરમિયાન જ 2019માં કિશ્તવરમાં રાષ્ટ્રીય રાઈફલ્સના યુનિટે યુવાનો માટે રમત સ્પર્ધાનું આયોજન કર્યુું, જેમાં શીતલેે પણ ભાગ લીધો હતો. હાથ ન હોવા થતાં આ નાનકડી છોકરીએ જે પ્રકારનું જોશ દેખાડ્યું. આ સ્પર્ધા પછી આર્મીએ શીતલના શિક્ષણની તેમજ સ્વાસ્થ્યને લગતી અને તાલીમને લગતી તમામ જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું. તબક્કાવાર તે આર્મીના કોચીસના સંપર્કમાં આવી અને તેના દેખાવથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને તેને સ્પોર્ટસમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કરી.


શરુઆતમાં તો શીતલને કઈ રમતમાં મુકવી તે પ્રશ્ન સર્જાયો. ભારતીય સૈન્યના આ પ્રયાસમાં બેંગ્લોરની એક સમાજસેવી સંસ્થા પણ જોડાઈ અને આખરેે તેને પેેરા તીરંદાજીમાં મૂકવાનું નક્કી કર્યું. આર્મીના કોચીસ અમેરિકન તીરંદાજ મેટ્ટ સ્ટુટ્ઝમેનની સિદ્ધિથી વાકેફ હતા. અમેેરિકાના આ તીરંદાજના પણ બંને હાથ નહતા આમ છતાં તે પગથી ધનુષ પકડીને તેના ખભા અને હડપચીની મદદથી નિશાન સાધતો. તેના હાથ પણ શીતલને જેમ વિકાસ પામ્યા નહતા અને આમ છતાં તેણે પેરા તીરંદાજીમાં છેક પેરાલિમ્પિક સુધીની સફર ખેડતા રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. 

સ્ટુટ્ઝમેનની સફળતાને કારણે શીતલ દેવીનો ઉત્સાહ વધ્યો અને તેને જિંદગીની એક નવી રાહ મળી. ગામમાં ઝાડ પર ચઢવાની પ્રેક્ટિસ શીતલને અહીં કામમાં આવી. જોકે ધનુષને ઉંચકવાથી માંડીને તીરને કમાનમાં ગોઠવવા અને પછી નિશાન સાધવાની કુશળતા વિકસાવવા માટે શીતલને મહિનાઓનો સમય લાગ્યો. જોકે દિવસ-રાત જોયા વિના તેણે કરેલી મહેનત આખરે આખરે રંગ લાવવા લાગી. 

શીતલે ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને સર્વાંગ ખેેલાડીઓની વચ્ચે પણ શાનદાર દેખાવ કરતાં ચોથું સ્થાન હાંસલ કર્યું. તેનો આ સંઘર્ષ અને કુશળતાએ દેશના ટોચના તીરંદાજો અને કોચીસનું ધ્યાન પણ ખેંચ્યુ. તેણે ચેક રિપબ્લીકમાં યોજાયેલી પેરા તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લીધો અને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે આખી દુનિયામાં ઓળખ બનાવી. તે હાથ ન હોવા છતાં વર્લ્ડ પેેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીતનારી વિશ્વની સૌપ્રથમ ખેલાડી બની હતી. 

આસાધારણ મહેનત અને ગમે તેવી પરિસ્થિતિ સામે લડવાના જઝ્બાને સહારે શીતલ દેવીએ મેળવેલી સફળતા માત્ર દિવ્યાંગો માટે જ નહીં, પણ સર્વાંગો માટે પણ પ્રેરણારુપ બની રહી છે. શીતલ કહે છે કે, બાળપણથી જ્યારે હું કોઈ અજાણ્યા વ્યક્તિઓને મળતી ત્યારે મારી વિશિષ્ટતા અંગેનો અહેસાસ થતાં તેમના ચહેરા પર જે ભાવ ઉપસી આવતા તે મને નહતા ગમતાં. હું હંમેશા વિચારતી કે, એક દિવસ એવો આવશે કે જ્યારે હું મારી વિશિષ્ટતાને દુનિયાની સામે સાબિત કરી શકીશ. આ ચંદ્રકોએ સાબિત કર્યું છે કે, હું બીજાઓ કરતાં વિશિષ્ટ છું અને હવે લોકોની આંખોમાં મારા માટે જોવા મળતી ગર્વની લાગણી મારો હોંસલો બુલંદ કરે છે. 

ટિપ્પણીઓ

  1. મુશ્કીલેં મારગ દિખાતી હૈં મુઝે, આફતેં બઢના બતાતી હૈં મુઝે; પંથ કી ઉત્તુંગ-દુર્દમ ઘાટિયાં, ધ્યેય-ગિરિ ચઢના સિખાતી હૈં મુઝે. Superb.

    જવાબ આપોકાઢી નાખો
  2. તમારા લેખ મા કવિતા ખૂબ સુંદર હોય છે

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી