હરિયાણાના એેક નાનકડા ગામથી લઈને સવિતાની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ગોલકિપર સુધીની સફર



આક્રમણની સાથે સાથે સંરક્ષણ પણ પાયાની જરુરિયાત છે. આક્રમણ હંમેશા વિસ્તરતા જતી ઉધ્વ રેખા સમાન છે, જે સફળતાના ગ્રાફને સતત ઊંચે ને ઊંચે પહોંચાડવા માટે કૂદકા લગાવતું રહે છે. જોકે આભને આંબવાની ચાહની સાથે સાથે ધરતી પર પગ ટકાવીને રાખવા એ પણ પાયાની શરત છે. અહીં સંરક્ષણનું કામ છે. જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેની સાચવીને-બચાવીને રાખવાનું છે. વિકાસની ગતિને કે પછી સફળતાના વ્યાપને માપવામાં આવે ત્યારે આક્રમણની સાથે સંરક્ષણ એ બંને ધ્રુવ સમાન સાબિત થાય છે અને તેના થકી જ સફળતાનો કે પછી જીત કે હારનો ખરો ક્યાસ કાઢી શકાય છે. 

ક્રિકેટમાં માત્ર વિકેટકિપરની ભાગ્યે જ વિશેષ ઓળખ હોય છે, તેવી જ હાલત ફૂટબોલ તેમજ હોકી જેવી રમતોમાં ગોલકિપરની હોય છે. જેઓ કારકિર્દી દરમિયાન ભલે હરિફ ટીમના હજારથી વધુ ઘાતક આક્રમણને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હોય, પણ એકાદ નિષ્ફળતા તેમની કારકિર્દી અને જિંદગીને ભારે પડી જતી હોય છે. આ જ કારણે રમતના મેદાનમાં ઉતરતા જૂજ બાળકોનું કે તેમના વાલીઓનું સ્વપ્ન ગોલકિપર બનવાનું કે બનાવવાનું હોય છે. આમ છતાં ગોલકિપિંગમાં પણ કેટલીક એવી વિશિષ્ટ પ્રતિભા છે, કે જેઓએ પોતાના શાનદાર દેખાવને સહારે ધ વોલ તરીકેની ઓળખ ઉભી કરી છે અને તેમાં ભારતની મહિલા હોકી ટીમની ગોલકિપર સવિતા પુનિયાનું નામ લેવું જ પડે.

ભારતીય હોકીને ઓલિમ્પિકથી લઈને એશિયા કપ અને એશિયન ગેમ્સ સહિતના બહુરાષ્ટ્રીય રમતોત્સવમાં આગવું ગૌરવ અપાવવામાં સવિતાનો ફાળો દર્શાવવા માટે તેના નામના શબ્દનો અર્થ જ પૂરતો છે ! સવિતાની કારકિર્દીની ઝળહળાટ ભારતીય હોકીને ઝગમગાવતો રહ્યો છે. 2016માં ભારતની મહિલા હોકી ટીમ રિયો ઓલિમ્પિકમા ક્વોલિફાય થઈ હતી અને ત્યારે 36 વર્ષમાં પહેલીવાર ભારતને આ ગૌરવ પ્રાપ્ત થયું હતુ, જેનો શ્રેય સવિતાના અસરકારક ગોલકિપિંગને આપવો ઘટે. આટલું જ નહીં, ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકીમાં 40 વર્ષ બાદ પહેલીવાર પોઈન્ટસ મળ્યા તે ઐતિહાસિક ઘટનામાં અને ભારતને ઓલિમ્પિકના ઈતિહાસમાં માત્ર બીજી વખત અને 1980 પછી પહેલી વખત મળેલા ચોથા સ્થાનના ગૌરવમાં પણ સવિતાનો દેખાવ નિર્ણાયક બની રહ્યો.

આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં 16 વર્ષ પછી 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ભારતને ચંદ્રક (કાંસ્ય) અપાવવામાં તેમજ 2014 થી અત્યાર સુધી રમાયેલી ત્રણેય એશિયન ગેમ્સમાં એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીતનારી ટીમમાં સવિતાનો દેખાવ પણ અસરકારક સાબિત થઈ ચૂક્યો છે. 2017માં ભારતે 13 વર્ષ પછી મહિલા હોકીનો એશિયા કપ જીત્યો, ત્યારે સવિતાના ગોલકિપિંગના દુનિયાભરમાં વખાણ થયા હતા. ચીન સામેની ફાઈનલના પેનલ્ટી શૂટઆઉટમાં સવિતાએ કરેલી કમાલને સહારે ભારતને સુવર્ણ સફળતા હાંસલ થઈ હતી. 

પાંચ ફૂટ અને આઠ ઈંચ ઉંચાઈ ધરાવતી સવિતા પુનિયાની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ગોલકિપર બનવા સુધીની સફર ભારે રસપ્રદ અને રોમાંચથી ભરેલી રહી છે. સવિતાનો પરિવાર મૂળ રાજસ્થાનથી સારી જિંદગીની તલાશમાં હરિયાણાના સિરસામાં આવેલા ઐતિહાસિક ગામ જોધકાંમાં સ્થાયી થયેલો. સવિતાના દાદા રણજીત પુનિયા દિલ્હીની મુલાકાતે ગયેલા, ત્યાં તેમણે હોકી મેચ જોઈ અને ત્યારથી મનમાં ગાંઠ વાળીએ મારી પૌત્રીને આ રમતની તાલીમમાં મુકીશ. પુનિયા પરિવારને રમતના મેદાન સાથેે ન્હાવા-નીચોવવાનો પણ સંબંધ નહતો, પણ દિલ્હીની એક મુલાકાતે રણજીતના મનમાં જે બીજ રોપાયુ તેને ઘરે પાછા ફર્યા બાદ કુંપળ ફૂટી.

દાદા રણજીતે તેમના પુત્ર મોહેન્દરની સૌથી નાની પુત્રી સવિતાને સિરસાની મહારાજા અગ્રસેન ગર્લ્સ સ્કૂલમાં એડમીશન અપાવ્યું. આ સ્કૂૂલમાં હોકી સહિતની રમતો હતો. સવિતાને બેડમિંટન તેમજ જુડોની રમતમાં પણ રસ હતો. જોકે દાદાના આગ્રહને કારણે તેણે હોકી પર પસંદગી ઉતારી. શરુઆતમાં તો જોધકાંથી સિરસાની 30 કિલોમીટરની સફર કાપવી સવિતા માટે મુશ્કેલ હતી. શરુઆતમાં તેને સપ્તાહમાં છ દિવસ જવાનું થતું. થકવી નાંખનારી તાલીમને કારણે સવિતાનું મન હોકીમા લાગતું નહતુ અને તે ઘણી વખત તેની માતા લીલાવતીને વિનવતી કે, મારે હોકી રમવું નથી, પિતા અને દાદા તેને ધીરજ આપતા અને તૈયાર કરતાં.

પુુત્રીને હોકીમાં મૂકવાનું સાહસ કરનારા પુનિયા પરિવારને અડોશ-પડોશીઓની ખરી-ખોટી સાંભળવી પડતી. આમ છતાં તેઓએ સવિતાની તાલીમમાં કોઈ વિઘ્ન સર્જાવા ના દીધું. આ દરમિયાન તેના કોચ સુંદર સિંઘ ખરબે તેને મીડ ફિલ્ડર બનવાનું છોડીને ગોલકિપિંગ શરુ કરવાની સલાહ આપી. સવિતાએ તેમની આ સલાહને માની લીધી. સવિતા ત્યારે માંડ 13 વર્ષની હશે. તે સમયે સુંદર સિંઘે મોહેન્દરને કહ્યું હતુ કે, લીખવા કે લે લો. યેે લડકી એક દિન ઈન્ડિયા ખેલેગી. કોચનો વિશ્વાસ જોઈને મોહેન્દરે પણ પુત્રીને ગોલકિપરની તાલીમ અસરકારક રીતે મળે તેમાં કોઈ કસર ના છોડી અને ખાસ 18 હજાર રુપિયા ખર્ચીને હોકીના ગોલકિપર માટેની વિશેષ કિટ ખરીદી. 

કિટ મળ્યા બાદ સવિતા પુનિયાનો રસ બેવડાયો અને તેણે વધુ ગંભીરતાથી પ્રેક્ટિસ શરુ કરી. મસ મોટી કિટ લઈને બસમાં પ્રવાસ કરવો આસાન નહતો. કંડકટર કિટને બસમાં લાવવા દેતો નહતો અને આ કારણે સવિતા પણ ક્યારેય છત પર કિટની સાથે જ પ્રવાસ ખેડી લેતી. સવિતાનો અને તેના પરિવારનો આ સંઘર્ષ આખરેે રંગ લાવ્યો અને 2007માં તેને ભારતની ટીમના સંભવિતોમાં સામેલ કરવામાં આવી, જે પછી 2008માં તો તેને ભારતની ટીમમાં સામેલ કરવામાં આવી પણ મેદાન પર ઉતરવાની તક ના સાંપડી. પુનિયા પરિવારની વર્ષોની મહેનત હવે ફળ આપવા માંડી હતી. આમ છતાં સવિતાના નસીબમાં હજુ સંઘર્ષ લખેેલો હતો. ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ હતી. જોકે ટીમમાં અમદાવાદની દીપિકા મૂર્તિ  તેમજ રજની જેવી અનુભવી ગોલકિપરોની હાજરી હતી. વળી, તેમાંય 2009માં એશિયા કપ પછી ટીમની સાથે ફૂટબોલ રમતાં સવિતાને પગના અંગૂઠામાં ફ્રેક્ચર થતું અને તેને ચાર મહિના હોકીની દૂૂર રહેવું પડ્યું અને વર્લ્ડ કપની ગોલ્ડન તક તેણે ગુમાવી. 


સખત મહેનત અને ટીમ ઈન્ડિયામાં પહોંચ્યા બાદ પણ ચારે ક વર્ષના ઈંતજાર બાદ આખરે સવિતા પુનિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે તક મળી. આ પછી 2013ના એશિયા કપના પેનલ્ટી શૂટઆઉટમાં નિર્ણાયક દેખાવને સહારે સવિતાએ ભારતને કાંસ્ય અપાવ્યો અને 2014ની ઈન્ચેઓન એશિયન ગેમ્સમાં પણ તેણે ટીમની સાથે કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. આંતરરાષ્ટ્રીય હોકીમાં આગવી સફળતાને સહારે સવિતાએ ભારતીય ટીમમાં નિયમિત સ્થાન મેળવવાની સાથે કેપ્ટન બનવા સુધીની સફર ખેડી હતી.

ભારતીય મહિલા હોકીને ગૌરવ અપાવનારી સવિતાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, પણ હરિયાણાની સરકાર સાથેનો તેનો અનુભવ કડવો રહ્યો હતો. હરિયાણા સરકારે મેડલ લાઓ નોકરી પાઓ નામની લોભામણી યોજના તો અમલમાં મુકી હતી, પણ સવિતા જેવી પ્રતિભાશાળી ખેલાડીને સફળતા છતાં નોકરી માટે એક દશક જેટલો ઈંતજાર કરવો પડ્યો હતો. આમ છતાં તેના મેદાન પરના દેખાવમાં કોઈ કમી આવી નથી. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેેશનના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા કેટલાક વર્ષોથી છવાયેલી રહેલી ભારતીય ગોલકિપરની નજર હવે આવતા વર્ષના પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમને પહેલીવાર ચંદ્રક અપાવવા તરફ છે. 

ટિપ્પણીઓ

  1. રાજસ્થાન માં મહિલાઓ
    ને ખૂબજ ઓછી આઝાદી મળે છે પોતાની જાતને દુનિયા સામે લાવવાની. સવિતા એક મિસાલ બની રહેશે. આવા ઉભરતા સિતારા ને તમારા જેવા રાઇટર જ દુનિયામાં ની સામે લાવી શકશે.




    જવાબ આપોકાઢી નાખો
  2. બની શકે તો તમારો લેખ સવિતા સુધી જરૂર પહોંચાડ જો. આ લેખ કોઈ મેડલ થી કમ નહીં હોય.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી