ફૂટબોલના બે ધુરંધરો ગઝાલો અને બેકેનબાવરની ચિરવિદાય સાથે એક યુગનો અસ્ત
સમયના વહેતા પ્રવાહમાંં ચડાવ-ઉતાર આવતો રહે છે અને ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતીનો સિલસિલો સતત અને અવિરત ચાલતો જ રહે છે. જોકે પરિવર્તનના પ્રવાહમાં જેઓ શિખરની ઉંચાઈના આસ્વાદનનો આનંદ મેળવે છે, તેઓ ઈતિહાસમાં પોતાની આગવી છાપ તો છોડી જ જાય છે, તેની સાથેે સાથે કરોડો ચાહકોના હૃદયમાં પોતાના માટે એક એવું સ્થાન મેળવી લે છે, કે જેના થકી તેઓ ઉન્નત ગિરિશિખર બનીને પેઢીઓની પેઢીઓને પ્રેરણા અને પડકાર પુરો પાડતાં રહે છે. ફૂટબોલ જગતમાં આવું જ વિશિષ્ટ સ્થાન ધરાવતા બ્રાઝિલના મારિયો ગઝાલો અને જર્મનીના ફ્રેન્ઝ બેકેનબાવરનું રહ્યું છેે, જેમણે જીવનપર્યંત રમતની સાથે ઉચ્ચ સ્તરે પોતાનો દબદબો જાળવી રાખ્યો. ફૂટબોલ જગતમાં બ્રાઝિલ અને જર્મનીને આજે જે આદરપાત્ર સ્થાન મળ્યું છે, તેના પાયામાં આ બંને દિગ્ગજોની સખત મહેનત, સફળતા, દૂરંદેેશી અને ફૂટબોલના વિકાસમાં કરેલું આગવું યોગદાન પાયારુપ છે.
બ્રાઝિલ શબ્દ જ આજે ફૂટબોલનો પર્યાય બની રહ્યો છે અને ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં રેકોર્ડ પાંચ વખત વિશ્વવિજેતા બનવાની સિદ્ધિ તેના એકના નામે જ છે. જોકે આ પાંચમાંથી ચાર વર્લ્ડ કપ એવા છે કે, જેમાં મારિયો ગઝાલોએ બ્રાઝિલની સફળતામાં સીધી ભૂમિકા ભજવી હતી. બ્રાઝિલ તેના પાંચમાંથી પહેલા બે વર્લ્ડ કપ 1958 અને 1962માં જીત્યા ત્યારે લેફ્ટ વિંગર (આક્રમણ પંક્તિ) તરીકે મારિયો ગઝાલોએ અસરકારક ભૂમિકા ભજવી હતી. આ પછી 1970માં પેલેની ડ્રિમ ટીમે બ્રાઝિલને ત્રીજી વખત વિશ્વવિજેતા બનાવ્યું, ત્યારે ગઝાલો ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળની બ્રાઝિલીયન ટીમ 1974ના વર્લ્ડ કપમાં ચોથા ક્રમે રહી હતી. બ્રાઝિલે ચોથો વર્લ્ડ કપ 1994માં જીત્યો, ત્યારે પણ હેડ કોચ કાર્લોસ આલ્બર્ટો પરેરાના મુખ્ય સલાહકાર અને આસીસ્ટન્ટ કોચ તરીકે 62 વર્ષના ગઝાલોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
ફૂટબોલ વર્લ્ડ કપમાં બ્રાઝિલના શરુઆતના ચારેય ટાઈટલમાં ગઝાલો સીધી કેે આડકતરી રીતે ચેમ્પિયન ટીમના હિસ્સેદાર બની રહ્યા હતા. કુશળ વ્યુહરચનાકાર અને ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ બહાર લાવવા માટે જાણીતા ગઝાલોની અસાધારણ કારકિર્દીની વિશિષ્ટ સિદ્ધિ એ પણ છે કે, 1989માં તેમણે સંયુક્ત આરબ અમીરાતને વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરાવવાનું બીડું ઝડપ્યું. સંયુક્ત આરબ અમીરાત અગાઉ ક્યારેય ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશી શક્યું નહતુ, પણ ગઝાલોએ એવો જાદુ ચલાવ્યો કે, તેઓ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર 1990માં ફૂટબોલની આ મેગા ઈવેન્ટમાં પ્રવેશ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા.
પાતળો બાંધો અને પાંચ ફૂટ છ ઈંચની ઉચાઈ ધરાવતા મારિયો ગઝાલોનો જન્મ 9મી ઓગસ્ટ 1931ના રોજ એલાગોલ અટાલૈયા ખાતે થયો હતો. આઠ વર્ષની ઉંમરે તેઓના પરિવાર સાથે રિયો ડી જેનેરોમાં આવીને વસવાટ કર્યો અને ત્યાંથી તેમની ફૂટબોલર તરીકેની સફર શરુ થઈ. બ્રાઝિલની ઓળખ સમાન મારાકાના સ્ટેડિયમનું બાંધકામ શરુ થયુ તે પહેલાથી ગઝાલો ત્યાં ફૂટબોલ રમતાં. તેમના યૌવનકાળમાં બ્રાઝિલમાં સરમુખ્તયારશાહી આવી ગયેેલી અને આ જ કારણે તેમને ફરજીયાત સૈન્ય તાલીમમાં મોકલવામાં આવેલા. ઈ.સ. 1950માં જ્યારે સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ મારાકાના સ્ટેડિયમમાં બ્રાઝિલ અને ઉરુગ્વે વચ્ચે રમાઈ, ત્યારે સ્ટેડિયમના સિક્યોરિટી ઓફિસર તરીકે ગઝાલો ત્યાં ઉપસ્થિત હતા. બ્રાઝિલને તે ફાઈનલમાં મળેલી હારની તેમના પર ઘેરી અસર થયેલી અને ત્યાર બાદ તેમણે ફૂટબોલમાં પદાર્પણ કરેલું.
ફ્લામિંગો અને બોટાફોગો કલબ તરફથી રાષ્ટ્રીય કલબ ફૂટબોલમાં અઢળક સફળતા મેળવનારા ગઝાલોની ચપળતા અને વિશિષ્ટ કૌશલ્ય તેમજ પાતળા બાંધાને કારણે તેમને લિટલ આન્ટ (નાનકડી કિડી) તરીકેનું હૂલામણું નામ મળેલું. ત્યાર બાદ પેલે થી લઈને રોનાલ્ડો નઝિરિયો જેવી પ્રતિભાના ઘડતરમાં તેમનો ફાળો અનન્ય રહ્યો અને કોચ તરીકેની સફળતાએ તેમને ધ પ્રોફેસર તેમજ ઓલ્ડ વુલ્ફ તરીકેની ઓળખ પણ અપાવી. તેઓ કેેટલાક આકરા નિર્ણયોને કારણે ટીકાકારોનો શિકાર પણ બન્યા, છતાં ઓવરઓલ બ્રાઝિલના ફૂટબોલ માટેની તેમની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને કર્મશીલતાની સામે કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી.
ફુૂટબોલ વર્લ્ડ કપને ખેલાડી તરીકે અને કોચ તરીકે જીતવાની વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા સૌપ્રથમ દિગ્ગજ તરીકેનું સ્થાન ધરાવતા 92 વર્ષના ગઝાલોના અવસાનના ત્રણ દિવસ બાદ તેમના પછી આવી સફળતા હાંસલ કરનારા જર્મનીના ફૂટબોલ લેજન્ડ ફ્રેન્ઝ બેકેનબાવરે પણ જિંદગીના ફૂટબોલ મેદાનને કાયમ માટે અલવિદા કહી દીધું. બ્રાઝિલનું ફૂટબોલને જેમ ગઝાલોએ ઊંચકી લીધું તેવી જ રીતે ફ્રેન્ઝ બેેકેનબાવરે જર્મનીના ફૂટબોલને ગૌરવપૂર્ણ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. બેેકેનબાવરની વિશેષતા એ છે કે, તેમણે ફૂટબોલમાં ડિફેન્ડરને એટલે કે રક્ષા પંક્તિનું આગવું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે.
સામાન્યતઃ ફૂટબોલમાં સફળતાનો આંક માત્ર ખેલાડીએ ફટકારેલા ગોલને જ ગણવામાં આવે છે, ત્યારે બેકેનબાવરે તેમના વિશિષ્ટ કૌશલ્યને સહારે એક જમાનામાં આગવું પ્રભુત્વ તો જમાવ્યું જ, સાથેે સાથે વિશ્વના મહાન ખેેલાડીઓની હરોળમાં પણ સ્થાન મેળવ્યું, જે તેમની મુઠી ઉંચેરી પ્રતિભાનું પ્રમાણ છે. વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરને દર વર્ષે અપાતો પ્રતિષ્ઠિત બાલોન ડી ઓર એવોર્ડ બેકેનબાવરે 1972 અને 1976માં જીત્યો હતો. આ એવોર્ડના ઈતિહાસમાં બેકેેનબાવર એકમાત્ર એવા ડિફે્ન્ડર છે કે, જેઓ બે વખત આ સન્માનને હાંસલ કરી ચૂક્યા છે.
ફૂટબોલમાં ડિફેન્ડર્સ લાઈનની પાછળ અને ગોલકિપરની આગળ એક ખેલાડી તરીકેની વિશિષ્ટ ભૂમિકાને વિકસાવવામાં બેકેનબાવરનો મુખ્ય ફાળો રહ્યો છે. તેઓએ ખેલાડી તરીકે પશ્ચિમ જર્મનીને 1974માં વિશ્વ વિજેતા બનાવ્યું અને તેના 16 વર્ષ બાદ 1990માં કોચ તરીકે ટીમને પશ્ચિમ જર્મનીને ફૂટબોલમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક ફૂટબોલર અને કોચ તરીકે બે-બે વર્લ્ડ કપની ફાઈનલના હિસ્સેદાર બની ચૂક્યા છે.
જર્મનીના મ્યુનિખમાં 11 સપ્ટેમ્બર, 1945ના રોજ એક સાધારણ પરિવારમાં બેકેનબાવરનો જન્મ થયો હતો. વિશ્વયુદ્ધ પુરુ થયા બાદ જન્મેલા બેકેનબાવર કિશોરાવસ્થામાં હતા, ત્યારે પશ્ચિમ જર્મનીએ 1954ના ફિફા વર્લ્ડ કપને જીતી લીધો. યુદ્ધની ભયાવહ ભૂતાવળ બાદ પશ્ચિમ જર્મનીની આ સફળતાએ બાળકો અને યુવાનો પર ઘેરી અસર કરી અને બેકેનબાવરે તેમના પિતાની નારાજગી છતાં ફૂટબોલર તરીકેની કારકિર્દી શરુ કરવા તરફ ડગ માંડ્યા.
પાંચ ફૂટ અને 11 ઈંચ ઉંચાઈ ધરાવતા બેકેનબાવરે કલબ ફૂટબોલ માટે બાયર્ન મ્યુનિખ પર પસંદગી ઉતારી અને યુથ કેરિયર બાદ સીનિયર લેવલે પણ આ જ કલબનો સાથ ના છોડ્યો. બેકેનબાવરે બાયર્ન મ્યુનિખની સફળતાને પગલે તેમણે રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું. પશ્ચિમ જર્મનીની રક્ષા પંક્તિની અભેદ્ય દિવાલ ગણાતા બેકેનબાવરે તેમની કારકિર્દીમાં ત્રણ વર્લ્ડ કપમાં ભાગ લીધો અને ત્રણેયમાં પશ્ચિમ જર્મનીને ટોપ થ્રીમાં સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ફૂટબોલ ચાહકોમાં તેઓ ડેઈર કૈસર તરીકે ઓળખાતા. જર્મનીના આ શબ્દનો અર્થ કે જેેનો અર્થ ધ એમ્પરર (સમ્રાટ) એવો થાય છે. માત્ર 21 વર્ષની ઉંમરે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવનારા બેકેનબાવરે 1966ના વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો. જોકે તેમની ટીમને ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો. તેના ચાર વર્ષ બાદ 1970ના વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીતનારી જર્મનીની ટીમમાં પણ તેઓ સામેલ હતા. જર્મનીએ આખરે ધ એમ્પરરને ટીમનું સુકાન સોંપવાનો નિર્ણય લીધો. કેપ્ટન બન્યાના બીજા જ વર્ષે 1972માં તેમણે પશ્ચિમ જર્મનીને યુરોપીયન ચેમ્પિયન બનાવ્યું અને ત્યાર બાદ 1974માં વિશ્વવિજેતાનું ગૌરવ હાંસલ કર્યું. ફૂટબોલ ઈતિહાસમાં પશ્ચિમ જર્મની એવી પહેલી ટીમ બની કે, જેણે યુરો કપ બાદ તરત વિશ્વકપ જીત્યો હતો.
યુરો કપ ચેમ્પિયન તરીકેનો તાજ જાળવવાથી પશ્ચિમ જર્મની ફાઈનલમાં ચૂકી ગયું અને ત્યાર બાદ 31 વર્ષની વયે તેઓએ અમેરિકામાં કલબ ફૂટબોલ રમવા નિવૃત્તિ લઈ લીધી. જ્યાં તેઓ પેલે તેમજ મેરેડોના જેવા ખેલાડીઓ સામે પણ રમ્યા હતા. દરમિયાનમાં 1984માં તેઓને જર્મનની ટીમના કોચ તરીકેની નિયુક્તિ મળી અને બે વર્ષ બાદ તેઓએ વર્લ્ડ કપમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી, જ્યાં મેરાડોનાના જાદુ સામે જર્મનીની ટીમને હતાશા હાથ લાગી. જોકે તેના ચાર વર્ષ બાદ તેમણે 1990માં પશ્ચિમ જર્મનીને ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. રસપ્રદ રેકોર્ડ એ હતો કે, આ અગાઉ જ્યારે જર્મની વિશ્વવિજેતા બન્યું, ત્યારે બેકેનબાવર ફૂટબોલર તરીકે ટીમમાં હતા.
ખેલાડી અને કોચ તરીકેની સફળ કારકિર્દીને પગલે તેઓએ વહિવટ પર પણ હાથ અજમાવ્યો અને ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફામાં પણ સ્થાન મેળવ્યું. જોકે, ફૂટબોલના વહિવટકાર તરીકેની તેમની કારકિર્દી વિવાદોથી ખરડાયેલી રહી. જર્મનીને 2006ના વર્લ્ડ કપની યજમાની અપાવવા માટે બેેકેનબાવરે ફિફાને જંગી રકમની લાંચ આપી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. વધુમાં ફિફાના પ્રમુખ તરીકે સેપ બ્લાટ્ટરના કાર્યકાળમાં થયેલા કૌભાંડોમાં ફ્રાન્સના લેજન્ડ પ્લાટિનીની સાથે બેકેનબાવરનું નામ પણ ચર્ચામાં આવ્યું હતુ. તેઓએ 2010માં સાઉથ આફ્રિકાને, 2018માં રશિયાને અને 2022માં કતરને ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની સોંપવા માટે જંગી રકમની લાંચ લીધી હોવાના કેટલાક પૂરાવા પણ રજુ થયા હતા. જોકે આ મામલે તેમને કોઈ સજા થઈ નહતી. અલબત્ત, ઢળતી ઉંમરે લાંચરુશ્વતના આરોપને કારણે તેમની જાહેર જિંદગી પર એવા ડાઘ લાગ્યા હતા કે, તેઓ ત્યાર બાદ સમારંભોમાં જવાનું ટાળતા.
જર્મન ફૂટબોલે તેમને સદીના મહાન ખેલાડી તરીકે બિરદાવ્યા હતા. જોકે માત્ર 78 વર્ષની વયે તેમના અવસાનના સમાચારથી ફૂટબોલ જગતે આંચકો અનુભવ્યો હતો. મારિયો ગઝાલો અને ફ્રેન્ઝ બેેકેનબાવરની વિદાયને કારણે એક ખેલાડી અને કોચ તરીકે ફૂટબોલ વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ ધરાવતા એકમાત્ર દિગ્ગજ ફ્રાન્સના ડિડિયર ડેસ્ચેમ્પ્સ જ હવે હયાત છે. ચિરવિદાય છતાં ગઝાલો અને બેકેેનબાવરની સિદ્ધિઓ આવનારી પેઢીઓ માટે એક પડકાર બનીને ઉભી છે અને તેના થકી તેઓ ફૂટબોલ જગતમાં કાયમ માટે અમર બની ગયા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો