ઓલિમ્પિયન ગોલ્ફર અદિતી અશોક સિદ્ધિના નવા શિખરે
આકાશ દરેક પંખી માટે એક ખુલ્લા પડકાર સમાન છે. આકાશ જેમ અસિમિત અને અનંત છે, તેવી જ રીતે સફળતાના શિખરો પણ દરેકને વધુ આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતાં રહે છે. ભૂતકાળમાં કોઈએ મેળવેલી સિદ્ધિથી આગળ નીકળી જવાની ઈચ્છા જ નવા વિક્રમોનું સર્જન કરે છે અને તેના સહારે જ નવા ઈતિહાસનું આલેખન થતું રહે છે.
ભારતીય રમત જગતની ક્ષિતિજો ધીરે ધીરે વિસ્તરી રહી છે. યુવા ખેલાડીઓ હવે ઘરઆંગણે ઓછી જાણીતી રમતોમાં પણ પોતાના કૌશલ્ય થકી વિશ્વના એલિટ ખેલાડીઓની વચ્ચે સ્થાન મેળવતા થયા છે. એક સમયે માત્ર હાઈપ્રોફાઈલ વ્યક્તિઓની રમત તરીકે ઓળખાતા ગોલ્ફમાં હવે મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. ભારતીય ગોલ્ફની પાસે જીવ મિલ્ખા સિંઘ, અનિર્બાન લાહિરી, રાહુલ ગાંગજી તેમજ અર્જુન અટવાલ અને શુભાંકર શર્માએ આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ ધરાવતા પુરુષ ખેલાડીઓ છે. જોકે આ બધા વચ્ચે 24 વર્ષની બેંગ્લોરિયન યુવતી અદિતી અશોકે નવો ઈતિહાસ આલેખ્યો છે, પણ તેના તરફ જૂજ રમત ચાહકોનું ધ્યાન ગયું છે.
મહિલા ગોલ્ફના ઈતિહાસના અનેક રેકોર્ડમાં અદિતી અશોકના નામની સાથે ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર તરીકેનું ગૌરવ જોડાયેલું છે. ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિયન ગોલ્ફર બનવાની સાથે અદિતીએ એશિયન યુથ ગેમ્સ, યુથ ઓલિમ્પિક ગેમ્સ તેમજ એશિયન ગેમ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા ગોલ્ફર તરીકે રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અંકિત કરાવ્યું હતુ. મહિલા ગોલ્ફમાં નવી સિઝનની શરુઆત થઈ રહી છે, ત્યારે જ અદિતીએ નવું જોમ દેખાડતા લેડિસ યુરોપીયન ગોલ્ફ ટુર (એલઈટી)ની મેજિકલ કેન્યા ઓપન ટાઈટલ જીતી લીધું હતુ.
અદિતીએ આ સાથે ગુમાવેલી લય તો પાછી મેળવી જ છે, સાથે સાથે છ વર્ષ બાદ પહેલું એલઈટી ટાઈટલ હાંસલ કરીને ચાલુ વર્ષે શ્રેષ્ઠ દેખાવનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે. તેની સફળતાની સૌથી મહત્વની બાબત એ હતી કે તેણે નવ શોટના અંતરથી ટાઈટલ જીત્યું છે, જેને એક તરફી અને અત્યંત પ્રભાવશાળી વિજયની શ્રેણીમાં મુકવામાં આવી રહ્યો છે. પાવરફૂલ લોંગ સ્ટ્રોક્સ માટે જાણીતી અદિતીનું ફિનિશિંગ અત્યંત શાનદાર છે અને આ જ બાબત તેને અન્ય ગોલ્ફરો કરતાં અલગ તારવી રહી છે. તેમાંય અનુભવને સહારે ઘડાયેલી અદિતીની રમતમાં અલગ જ પ્રકારનો નિખાર જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે આગવી નામના મેળવનારી અદિતી અશોકની ગોલ્ફર તરીકેની સફરનો પ્રારંભ અનાયાસે જ થયો હતો. તેના પિતા અશોક ગુડલામની રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે તેની માતા માહેશ્વરી રેડિયો જોકી તરીકે કામ કરતી. અશોક અગાઉ ગોલ્ફર રહી ચૂક્યા હતા. જોકે તેમણે ક્યારેય તેમની પુત્રીને ગોલ્ફર બનવા માટે દબાણ કર્યુ નહતુ. ઉલ્ટાનું ગોલ્ફની રમતે જ અદિતીને પોતાના તરફ ખેંચી હતી.
બેંગાલુરુમાં કર્ણાટકા ગોલ્ફ એસોસિએશનના ગોલ્ફ કોર્સની નજીકની રેસ્ટોંરામા અશોક અને માહેશ્વરી વિકએન્ડમાં ઘણીવાર મોનિંગવોક બાદ નાસ્તો કરવા જતા. તેઓ રુટિન પ્રમાણે રેસ્ટોંરામાં ગયા, ત્યારે નાનકડી અદિતી પણ સાથે હતી. તેણે કેટલાક ખેલાડીઓને ગોલ્ફ રમતા જોય અને પિતાને પૂછ્યું કે, આ લોકો શું રમી રહ્યા છે ? અદિતીના સવાલના જવાબમાં તેના પિતાએ સવાલ કર્યો, તારે રમવા જવું છે ? બસ, આમ જ ગોલ્ફ કોર્સમાં અદિતીએ પાંચ વર્ષની ઉંમરે પહેલીવાર ડગ માંડ્યા. ત્યાર પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું જ નથી.
નાનકડી અદિતીના વ્યક્તિત્વને નિખારવામાં પણ ગોલ્ફની ભૂમિકા મહત્વની રહી છે. ગોલ્ફ એ માત્ર પાવર પ્લેની રમત નથી. ખેલાડીમાં ધીરજની સાથે સંતુલિત માત્રામાં પાવરનો ઉપયોગ કરવાની આવડત હોવી જોઈએ. જે ખેલાડી પોતાના પાવરને નિયંત્રિત કરવાની સાથે આયોજનબદ્ધ રીતે આગળ વધે તેને જ સફળતા મળે. વહેતા પવનની ઝડપ અને દિશાનો પ્રભાવ પણ સ્ટ્રોક પર પડતો હોય છે. જેના કારણે દિમાગ ઠંડુ રાખનારા અને મક્કમ ગતિથી આગળ વધનારા માટેની રમત તરીકે ગોલ્ફ ઓળખાય છે.
કર્ણાટકમાં ગોલ્ફના બેઝિક્સ શીખ્યા બાદ અદિતીએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરતાં તેને 12 વર્ષની ઉંમરે એશિયા પેસેફિક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. ત્યાર બાદ તેણે 14 વર્ષની ઉંમરે તો નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ જીતીને દેશના ઉભરતા ગોલ્ફરોમાં પણ ટોચનો ક્રમ મેળવી લીધો. અદિતીના કેડ્ડી તરીકે એટલે કે ગોલ્ફરની સાથે તેની સ્ટીક્સ લઈને ફરતા વ્યક્તિની ભૂમિકા મોટાભાગે તેના માતા-પિતાએ જ ભજવી છે.
ભારતની જુનિયર ગોલ્ફર તરીકે હેટ્રિક સર્જનારી અદિતીની ગોલ્ફર તરીકેનો ભાગ્યોદય જાણે કે 16 વર્ષની ઉંમરે થયો. એશિયન યુથ ગેમ્સ રમી ચૂકેલી અદિતીને 2014માં યુથ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં ભાગ લેવાની તક મળી. બહુરાષ્ટ્રીય રમતોત્સવના અનુભવથી તેની રમત વધુ પરિપક્વ બની. તેમાંય બ્રિટનમાં એમેચ્યોર ટુર્નામેન્ટ જીત્યા બાદ 17 વર્ષની વયે તેણે પ્રોફેશનલ ગોલ્ફર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.
માતા-પિતાના સહકારને કારણે પ્રોફેશનલ ગોલ્ફર બની ચૂકેલી અદિતીએ હવે તેના કરતાં મોટી ઉંમરની ખેલાડીઓની સાથે સ્પર્ધામાં સફળતા મેળવવા માંડી. તેમાંય 2016માં બ્રાઝિલના રિયો ડી જાનેરામાં રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિક યોજાયા તેમાં પહેલવહેલી વખત મહિલા ગોલ્ફની રમતને સામેલ કરવામાં આવી હતી. તેમાં દુનિયાની સૌથી યુવા ખેલાડી તરીકેનો રેકોર્ડ ભારતની 18 વર્ષની અદિતીએ નોંધાવ્યો હતો. આ સાથે તે ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની સૌપ્રથમ મહિલા ગોલ્ફર પણ બની હતી. જોકે કારકિર્દીના પહેલા ઓલિમ્પિકમાં તેણે તેની હાજરીનો અહેસાસ ટોચના દેશોની ગોલ્ફરોને કરાવ્યો.
રિયો ઓલિમ્પિક બાદ યુરોપીયન ગોલ્ફ ટુરમાં તેણે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો અને સાતત્ય સાથે એલિટ ખેલાડીઓમાં ટકી રહેવામાં સફળતા મેળવી.
કોરોનાની મહામારીના મુશ્કેલ સમયમાં પણ તેણે તેની પ્રેક્ટિસ જારી રાખી. મહામારીનો ચેપ તેને પણ લાગ્યો. જોકે, તેણે ગંભીર અસર ન થઈ અને ઝડપથી તે રિકવર પણ થઈ ગઈ. આખરે ટોક્યોમાં 2020માં યોજાનારા ઓલિમ્પિક એક વર્ષ બાદ યોજાયા તેમાં અદિતીએ કમાલ કરતાં એક તબક્કે લીડર તરીકે ટોચનું સ્થાન હાંસલ કરી લીધું. ભારતને ગોલ્ફમાં ઓલિમ્પિકનો મેડલ મળશે તે નક્કી જ લાગી રહ્યું હતુ. જોકે આખરી અને નિર્ણાયક દિવસે અદિતી તેનો શાનદાર દેખાવ જાળવી શકી નહતી. પૂરઝડપે વહેતા પવનને કારણે તેની રમતને અસર થઈ અને તે થોડા માટે મેડલ ચૂકી ગઈ હતી. ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરતાં ભારતમાં અદિતીને તેના પર્ફોમન્સ અને સિદ્ધિના પ્રમાણમાં પ્રસિદ્ધિ મળી ના શકી. જોકે અદિતી તેનાથી નિરાશ થઈ નથી. તેની ઓલિમ્પિક મેડલ જીતીને દેશ અને દુનિયામાં ડંકો વગાડવાની ખ્વાઈશ હજુ અકબંધ છે અને તેના માટે તે તૈયારી કરવાની સાથે પેરિસ ઓલિમ્પિકની રાહ જોઈ રહી છે. કેન્યા ઓપનમાં મેળવેલી પ્રભાવશાળી સફળતા એ વાતનું પ્રમાણ છે કે અદિતી તેની પ્રતિભાને હજુ વધુ ઊંચાઈએ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો