કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી
ક્રિકેટમાં બ્રેડમેન-તેંડુલકર, ફૂટબોલમાં પેલે, બોક્સિંગમાં મુહમ્મદ અલી જેવા મહાન ખેલાડીઓએ પોતાની પ્રતિભાને શ્રેષ્ઠતાની એટલી ઊંચાઈએ પહોંચાડી કે, જેના થકી તેઓ ખુદ જ તેમની રમતની ઓળખ બની ગયા. યુવા વયે રમતમાં સફળતા મેળવવાનું સ્વપ્ન જોયા બાદ તેની પાછળ મૂકેલી આંધળી દોટને કારણે જ તેઓ આટલી ઊંચાઈ સુધી પહોંચી શક્યા હતા. અમેરિકાની લોકપ્રિય રમત બાસ્કેટબોલમાં માઈકલ જોર્ડન અને મેજિક જોન્સન જેવા મહાન ખેલાડીઓની હરોળમાં હવે ધ કિંગ તરીકેની ઓળખ ધરાવતા લેબ્રોન જેમ્સે પણ સ્થાન મેળવી લીધું છે.
છેક 38 વર્ષની ઉંમરે પહોંચેલા લેબ્રોનની ટોચના બાસ્કેટબોલર તરીકેની કારકિદીએ બે દાયકાની લાંબી સફર ખેડી છે. જોકે ઓલ્ડ વાઈનની જેમ લેબ્રોનની ઉંમર જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેની કારકિર્દી અને ફિટનેસ વધુ નિખાર પામતી જાય છે. છ ફૂટ અને નવ ઈંચ ઊચાઈ ધરાવતા લેબ્રોનની પડછંદ કાયા હેવીવેઈટ બોક્સરની યાદ અપાવે તેવી છે. 100 કિલોથી પણ વધુ વજન ધરાવવા છતાં લેબ્રોનને બાસ્કેટબોલ કોર્ટમાં ઝડપથી દોડતો જુઓ તો ખ્યાલ આવે કે, વજન છતાં તેનામાં કેટલી ચપળતા રહેલી છે. તેમાં ય નોન-બોડી કોન્ટેક્ટ ગેમ તરીકે ઓળખાતા બાસ્કેટબોલમાં ફિઝિકલ પાવર અને હાઈટનું આગવું મહત્વ છે અને આ જ કારણે પૂરઝડપે રિંગ તરફ ધસી રહેલા લેબ્રોનને અટકાવવાનું સાહસ ભાગ્યે જ કોઈ કરી શકે.
બાસ્કેટબોલની અત્યંત જટિલ અને જોખમી કહી શકાય તેવી રમતમાં લેબ્રોનને કાપેલી આટલી લાંબી મજલ જ તેની મહાનતાને પુરવાર કરવા માટે પુરતી છે. ચાર વખત એનબીએ અને બે વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂકેલા લેબ્રોને ચાર વખત એનબીએ ફાઈનલ્સના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે. એનો અર્થ એ છે લેબ્રોન જે 10 એનબીએ ફાઈનલ્સ રમ્યો તેમાંથી જે ચારમાં તે શ્રેષ્ઠ દેખાવ કરી શક્યો તેમાં જ તેની ટીમ જીતી. આ ઉપરાંત 2012માં તેણે એક જ વર્ષમાં એનબીએ ફાઈનલ્સ, એનબીએ ફાઈનલ્સના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ઓલિમ્પિકના ગોલ્ડની ત્રેવડી સિદ્ધિ મેળવવાની સાથે માઈકલ જોર્ડનની બરોબરી કરી લીધી હતી. હવે તેણે એનબીએના 77 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ પોઈન્ટ્સ નોંધાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે.
અમેરિકાની હાઈપ્રોફાઈલ નેશનલ બાસ્કેટબોલ લીગમાં સૌથી વધુ 38,387 પોઈન્ટ્સ નોંધાવવાનો અબ્દુલ કરીમ જબ્બારનો 38 વર્ષથી અતૂટ રહેલો રેકોર્ડ લેબ્રોને તોડી નાંખ્યો છે. અબ્દુલ કરીમ જબ્બારની કારકિર્દી પણ બે દશક લાંબી રહી હતી, તેમણે પાંચમી એપ્રિલ, 1984માં એનબીએમાં સૌથી વધુ પોઈન્ટ્સનો રેકોર્ડ સર્જ્યો ત્યારે તો લેબ્રોનનો જન્મ પણ નહતો થયો. જોકે ત્યારથી લઈને અત્યાર સુધી આ રેકોર્ડ માટે મનાતુ કે તે ક્યારેય નહીં તુટે. જોકે, લેબ્રોને 38 વર્ષની ઉંમરે આ અસાધારણ સિદ્ધિ મેળવી બતાવી છે. યોગાનુંયોગ જબ્બાર અને લેબ્રોને લોસ એંજલસ લેકર્સ તરફથી રમતા જ આ વિક્રમી સફળતા મેળવી હતી.
રમત વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરનારા લેબ્રોન જેમ્સની નેટ વર્થ 100 કરોડ અમેરિકી ડોલરથી વધુ થવા જાય છે અને હાલ તે વાર્ષિક અંદાજે પોણા પાંચ કરોડની આવક સાથે ધિકતી કમાણી કરનારા ખેલાડીઓમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે. બાસ્કેટબોલ રમતાં લાખ્ખો બાળકોના પ્રેરણાસ્રોત સમાન લેબ્રોન જેમ્સની સફળતાની સફર કોઈ પરિકથાથી કમ નથી.
અમેરિકાના ઓહાયોમા ડિસેમ્બર, 1984ની કડકડતી ઠંડીમાં લેબ્રોનનો જન્મ થયો હતો. લેબ્રોનના જન્મ સમયે તેની માતા ગ્લોરિયા માત્ર 16 જ વર્ષની સ્કૂલગર્લ હતી. અમેરિકાના મુક્ત મિજાજી વાતાવરણ અને ટીનએજના ઉન્માદને કારણે કાચી વયે માતા બનેલી ગ્લોરિયાની જિંદગીએ ત્યારે બાદ પડખું ફેરવ્યું. અબુધ અવસ્થાના નિર્ણયોને કારણે તેને દર દર ભટકીને જિંદગી ગુજારવા માટે મજબુર થવું પડ્યું. જોકે તેણે સિંગલ મધર તરીકે લેબ્રોનને ઉછેરવાનું નક્કી કર્યું. અહીં-તહીં છુટક મજૂરી કરીને જીવન ગુજારતી ગ્લોરિયા અને તેના નાનકડા પુત્ર લેબ્રોન પર અમેરિકન ફૂટબોલના કોચ બ્રૂસ કૅલ્કેરની નજર પડી. તેઓ 10 વર્ષથી નાના અને 50 કિલોથી ઓછુ વજન ધરાવતા બાળકોની તલાશમાં હતા અને તેમણે લેબ્રોનને પસંદ કરી લીધો. લેબ્રોન અને ગ્લોરિયાની સ્થિતિ જાણ્યા બાદ કૅલ્કેરે તેમને તેમના ઘરમાં આશરો આપ્યો. તેઓએ લેબ્રોનનો તમામ ખર્ચ ઉઠાવી લીધો. જોકે થોડા સમય બાદ લેબ્રોન અને ગ્લોરિયાને તેમનું ઘર છોડવું પડ્યું
જોકે મુશ્કેલીઓ વચ્ચે દર વખતે લેબ્રોનને જાણે કોઈ અજાણી શક્તિ મદદ કરતી હોય તેમ કોઈને કોઈ હાથ પકડનારુ મળી જતું. કૅલ્કેરનું ઘર છોડ્યા બાદ લેબ્રોનને ગ્લોરિયાએ તેના એક સગાના ઘરે રહેવા મોકલી દીધો. જ્યાં તેની ફિટનેસ અને ઝડપથી અમેરિકન ફૂટબોલના યુથ કોચ ફ્રેન્ક વોરેલ પ્રભાવિત થયા અને તેમણે ગ્લોરિયાને સમજાવી કે તે લેબ્રોનને તેમના પરિવારની સાથે રહેવાની પરવાનગી આપે. પોતાના બાળકોની સાથે લેબ્રોનને પુત્રની જેમ ઉછેરનારા ફ્રેન્ક વોરેલે જ તેને બાસ્કેટબોલની રમતમાં આગળ વધવાની સલાહ આપી
નાની ઉંમરે જિંદગીના ઘણા ચડાવ-ઉતાર જોઈ ચૂકેલા લેબ્રોનનું વ્યક્તિત્વ ગંભીર હતુ અને તેની પરિપક્વતા તેની રમતમાં પણ છલકાતી જોવા મળતી. અમેરિકાના સ્કૂલ બાસ્કેટબોલમાં જ લેબ્રોને એટલી સફળતા મેળવી કે તેને 17 વર્ષે જ એનબીએના ડ્રાફ્ટમાં સામેલ કરવા માગ થઈ, પણ નિયમને કારણે એક વર્ષની રાહ જોયા બાદ લેબ્રોનને ડ્રાફ્ટ પીકમાં સૌથી પહેલું સ્થાન મળ્યું. એનબીએની ક્લેવલેન્ડ કેવેલિયર્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો, ત્યાં સુધી તેણે પોતાનો આગવો ચાહકવર્ગ ઉભો કરી દીધો હતો
એનબીએમાં ક્લેવલેન્ડને ફાઈનલમાં પહોંચાડનારા લેબ્રોને એથેંસ ઓલિમ્પિકમાં અમેરિકાને સિલ્વર મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાર વર્ષ બાદ 2008માં બેઇજિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી ટીમમાં સામેલ લેબ્રોન તેના સુવર્ણકાળમાં પહોંચી ચૂક્યો હતો. આ સિદ્ધિના બે વર્ષ બાદ તેને માયામી હિટ્સે લોન પર લીધો. જ્યાં તેણે એકલા હાથે ધૂમ મચાવતા 2012 અને 2013માં એનબીએ ચેમ્પિયનશિપ જીતીને ખળભળાટ મચાવ્યો. બંને વખત તે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ પણ જીત્યો હતો. આ દરમિયાન જ તેણે 2012ના લંડન ઓલિમ્પિકમાં અમેરિકાને ગોલ્ડ પણ અપાવ્યો.
પોતાની પ્રતિભામાં યુવા વયે ભરોસો મુકાનારી ક્લેવલેન્ડ કેવેલિયર્સને પણ લેબ્રોને નિરાશ ના કરી. 2014માં ક્લેવલેન્ડમાં પાછા ફરેલા લેબ્રોને ટીમને પહેલીવાર 2016માં એનબીએ ચેમ્પિયન બનાવીને અનોખો ઈતિહાસ રચી દીધો. જોકે ત્યાર બાદ ટીમને ટાઈટલ અપાવવામાં મળેલી નિષ્ફળતાને પગલે લેબ્રોને કલબ છોડીને ફરી લોસ એંજલસ લેકર્સમાં જોડાયો. છેલ્લા 10 વર્ષથી ફાઈનલમાં પ્રવેશવાનો ઈંતજાર કરતી લેકર્સને આશા હતી, કે લેબ્રોનના આગમનથી કોઈ ચમત્કાર સર્જાશે. જોકે લેબ્રોનને નવી ટીમ સાથે તાલ મિલાવતા સમય લાગ્યો. તેમાંય એલએ લેકર્સે ફ્રેન્ક વોગલને કોચ તરીકેની જવાબદારી સોંપી અને તેમણે લેબ્રોનની આગેવાનીમાં એક નવી ટીમ તૈયાર કરી. જેણે એનબીએમાં આગવું પ્રભુત્વ સર્જ્યું અને 2020માં તેણે એલએ લેકર્સને ચેમ્પિયન બનાવ્યું, જે તેની કારકિર્દીનું ચોથું ટાઈટલ હતુ.


જવાબ આપોકાઢી નાખો‘શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’
એજ ભૂલી ગયેલા રસ્તા ઉપર મંઝિલ ફરી મળી ગઈ.