સાનિયા મિર્ઝા : ભારતીય ટેનિસ ક્વિન
દરેક નવી શરુઆતનો પ્રારંભ સંઘર્ષથી જ થાય છેે. સફળતાનો રાજમાર્ગ તૈયાર થઈ ગયા બાદ દૂર-સુદૂરની સફર ખેડવી રમત વાત બની રહે છે, પણ સાવ અજાણી ભૂમિ પર કેડી કંડારવા માટેનો પહેલવહેલો પ્રવાસ લોહીલુહાણ પગ અને અનિશ્ચિતતાના અજંપાથી ભરેલો હોય છે. જ્યાં સુધી કોઈ પોતાની જાતને દાવ પર લગાવીને દર્દનાક અહેસાસમાંથી પસાર થતું નથી,ત્યાં સુધી કોઈ પણ ક્ષેેત્રમાં સફળતાની નવી રાહને તૈયાર થતી નથી. આ જ કારણે નવી શરુઆત કરવામાં હંમેશા કંટકો અને પથ્થરોનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે અને દરેક ક્ષેત્રમાં નવી પહેલ કરનારનો અનુભવ આવો જ રહે છે અને જેે તેેને સહન કરવાની તાકાત બતાવે છેે, તેને જ પાયોનિયર તરીકેની ઓળખ મળી રહે છે.
ટેનિસ વિશ્વમાં ભારતીય મહિલા ખેલાડી તરીકે અનેક કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે યુવા મહિલા ખેલાડીઓને બંધનો તોડીને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડનારી સાનિયા મિર્ઝાની બે દાયકાની કારકિર્દી પર તેણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. સાનિયાની ટેનિસ કોર્ટમાંથી થયેલી વિદાયને કારણે વૈશ્વિક સ્તરે ભારતીય મહિલા ટેનિસમાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ડબલ્સ પ્લેેયર તરીકે સીમાચિહ્નરુપ સફળતા હાંસલ કરનારી સાનિયા મિર્ઝાની કારકિર્દી અને જિંદગી અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થઈને એવા મુકામ પર પહોંચી છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ટેનિસના મેજર રેકોર્ડ્સમાં તેણે ઈન્ડિયાની ફ્લેગબેરર તરીકે અમીટ સ્થાન હાંસલ કર્યું છે.
મહિલા પ્રોફેશનલ ટેનિસની સર્વોચ્ચ સંસ્થા - ડબલ્યુટીએના ડબલ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવીને ભારતની પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ હોય કે પછી ચારેય ગ્રાન્ડ સ્લેમમાં ડબલ્સ ટાઈટલ જીતવાની વિરલ સિદ્ધિ હોય - દરેક જગ્યાએ સાનિયાએ પોતાનું નામ અંકિત કરાવ્યું છે. મહિલા ટેનિસમાં સિંગલ્સ રેન્કિંગમાં પણ સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચવાનો રેકોર્ડ પણ સાનિયા મિર્ઝાના નામે અંકિત છે. તેણે ઓગસ્ટ, 2007માં ડબલ્યુટીએના વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં 27મું સ્થાન હાંસલ કર્યું હતુ.
બહુુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેણે પોતાની પ્રતિભાનો આગવો ચમકારો દેખાડ્યો છે. માત્ર 16 વર્ષની વયે સાનિયાએ બુસાન એશિયન ગેમ્સ-2006માં લિએન્ડર પેસની જોડીદાર તરીકે કાંસ્ય સફળતા મેળવી હતી. આ પછી તેણે એશિયન ગેમ્સમાં બે સુવર્ણની સાથે કારકિર્દીમાં કુલ આઠ મેડલ્સ જીતીને અનોખો ઈતિહાસ આલેેખી દીધો છે. તેના જેટલા એશિયન ગેમ્સના મેડલ્સ ભારતની અન્ય કોઈ મહિલા ખેલાડી પાસે નથી. આ ઉપરાંત આફ્રોએશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સના મેડલ્સથી તેની કારકિર્દી ઝગમગતી રહી છે. પોતાની રમતના સારા અને નબળા પાસાને બખૂબી જાણનારી સાનિયા તેના પાર્ટનરની સાથે પોતાની ગેમને અસરકારક રીતે ઢાળી દેતી. જેના કારણે ડબલ્સમાં તેણે કારકિર્દી દરમિયાન 82 જુદી-જુદી ખેલાડીની સાથે જોડી જમાવતા 43 ટાઈટલ્સ જીત્યા હતા. જેમાંથી 3 વિમેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ હતા. જ્યારે મિક્સ ડબલ્સમાં તે કારકિર્દીમાં જુદા-જુદા 16 પ્લેયર્સની સાથે રમવા ઉતરી હતી અને તેણે ત્રણ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યા હતા. સતત વ્યસ્ત પ્રવાસ કાર્યક્રમની સાથે સાથેે અંગત જિંદગીના ચડાવ-ઉતાર, ફિટનેસની સમસ્યા છતાં સતત આગળ વધતી રહેલી સાનિયા મિર્ઝાએ ભારતીય રમત વિશ્વમાં આગવું સ્થાન હાંસલ કરી લીધું છે.
સાનિયાના માતા-પિતા નસીમા અને ઈમરાન મુંબઈમાં સ્થાયી થયા હતા. તેમના પરિવારમાં પ્રથમ સંતાન તરીકે 15મી નવેમ્બર, 1986ના રોજ સાનિયાનો જન્મ થયો. જેના થોડા સમય બાદ જ તેઓએ હૈદરાબાદ સ્થળાંતર કરવાનું નક્કી કર્યું. ઈમરાનને ક્રિકેટનો જબરો શોખ, પણ ખેલાડી તરીકે બધુ આગળ વધી ના શક્યા. આ પછી તેમણે ટેનિસ પર હાથ અજમાવેલો. રમત પ્રત્યેના લગાવને કારણે જ તેમણેે સ્પોર્ટસ મેગેઝીન પણ શરુ કરેલું. જોકે તેના પગલે આગળ જતાં તેમણે પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને દંપત્તિએ આ જ વ્યવસાયને આગળ ધપાવ્યો. સ્પોર્ટસની સાથે લગાવ ધરાવતા ઈમરાન ઈચ્છતા હતા કે, તેમની પુત્રી પણ ખેલાડી બને. આ જ કારણે સાનિયાની ટેનિસની સફર શરુ થઈ હતી.
નાનકડી સાનિયાને જોઈને એક કોચેે તો તેેને ટેનિસ શીખવવાની પણ ના પાડી દીધી હતી. જોકે પિતાના આગ્રહને કારણે સાનિયાને ટેનિસની એકેડમીમાં પ્રવેશ મળ્યો અને થોડા જ વર્ષોમાં તેની પાવરહિટીંગ ગેમને કારણે સ્થાનિક લેવલે સફળતા મેળવવા માંડી. પિતાની મહેનત અને સાનિયાની પ્રતિભાને જોઈને તેમને શરુઆતના સંઘર્ષ બાદ સ્પોન્સરશીપ પણ મળવા માંડી. 14 વર્ષની ઉંમરે સાનિયા અન્ય ભારતીય ખેલાડીઓ સાથે ઈસ્લામાબાદમાં જુનિયર ટુર્નામેન્ટ રમવા પહોંચી હતી, ત્યારે જ કંદહાર વિમાન અપહરણની ઘટના બની હતી અને સાનિયા તેમજ તેની ટીમ બને તેટલી ઝડપથી મેચીસ પુરી કરીને સ્વદેશ પરત ફરી હતી. જેમાં પણ તનાવ વચ્ચે તેણે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
માત્ર 15 વર્ષની વયે આઈટીએફ સર્કિટમાં ડગ માંડ્યા બાદ તેણે લિએન્ડર પેસની સાથે બુસાન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતુ. ત્યાર બાદ 2003માં તેણે જુનિયર ગર્લ્સ ડબલ્સ વિમ્બલ્ડન ટાઈટલ હાંસલ કર્યું હતુ અને યુએસ ઓપનમાં પણ જુનિયર લેવલે સફળતા મેળવ્યા બાદ તેણે સિનિયરો સાથે સ્પર્ધામાં ઉતરવાનુ શરુ કર્યું. પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકેના બે વર્ષના ટૂંકા ગાળાામાં તેણે નોંધપાત્ર દેખાવ કરતાં ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું. ઓસ્ટ્રેલિયન ઓપન તેમજ યુએસ ઓપન જેવી ગ્રાન્ડ સ્લેમમાં નોંધપાત્ર દેખાવની સાથે તેણે ટોચની ખેલાડીઓને હંફાવી હતી અને આ જ કારણે 2005માં તેને ડબલ્યુુટીએની આશાસ્પદ ખેલાડી તરીકે પણ સન્માન મળ્યું હતુુ.
આંતરરાષ્ટ્રરીય ટેનિસમાં સાતત્યભર્યો દેખાવ કરનારા સાનિયા હૈદરાબાદમાં ચેમ્પિયન બની તેની સાથે ડબલ્યુટીએ ટાઈટલ જીતનારી પહેલી ભારતીીય મહિલા પણ બની. આ દરમિયાન 2006ની દોહા એશિયન ગેમ્સમાં તેણે લિએન્ડર સાથેે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો. જ્યારે સિંગલ્સમાં અને ટીમ ઈવેન્ટમાં સિલ્વર સફળતા હાંસલ કરતાં રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું. આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુરના પડકારો વચ્ચે ટકી રહેલી સાનિયાને 2007માં ઘુંટણની ઈજા પર સર્જરી કરાવવી પડી.
કારકિર્દીને જોખમરુપ ઈજામાંથી બહાર આવ્યા બાદ સાનિયાએ સિંગલ્સને બદલે ડબલ્સની કારકિર્દી પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. તેની સર્વિસ તેમજ ફૂટ મુવમેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ખેલાડીની તુુલનામાં નબળી હતી અને હવે તેને સુધારવા જેેટલો સમય નહતો. આ જ કારણે તેણે પોતાની મર્યાદામાં રહીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેણે ડબલ્સને પ્રાધાન્ય આપ્યું. જોકે સિંગલ્સમાં પણ તેણે પસંદગીની ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું જારી રાખ્યું. તેણે મહેશ ભૂપતિ સાથે 2009માં સૌપ્રથમ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું અને આ જ કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો. આ દરમિયાન જ તેણે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની સાથે લગ્ન કર્યા. જેને બંને દેશમાં મીડિયામાં બહોળી પ્રસિદ્ધિ મળી.
લગ્ન બાદ જ સાનિયાએ ટેનિસ રમવાનું જારી રાખ્યું અને 2010માં જ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં મેડલ્સ જીત્યા હતા. ડબલ્સમાં મળી રહેલી સફળતાને પગલે તેણે આખરે 2012માં સિંગલ્સ ટેનિસમાંથી નિવૃત્તિિ જાહેર કરી દીધી અને ફૂલ ટાઈમ ડબલ્સ પ્લેયર તરીકેની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરુ કર્યું. વિમેન્સ ડબલ્સમાં અમેરિકાની બેથાની મેટેક-સેન્ડ્સ અને ઝિમ્બાબ્વેની કારા બ્લેકની સાથે જોડી જમાવીને સફળતા મેળવનારી સાનિયાએ 2015માં સ્વિત્ઝર્લેન્ડની ધુુરંધર ખેલાડી માર્ટિના હિંગીસની સાથે પાર્ટનરશીપમાં ઉતરવાનું નક્કી કર્યું અને તેની કારકિર્દી તેના શ્રેષ્ઠ તબક્કામાં પ્રવેશી.
સાનિયાના પાવરફૂલ ફોરહેન્ડ અને માર્ટિનાના અસરકારક બેન્કહેેન્ડની કમાલની સામે દુનિયાની અન્ય ખેલાડીઓ ટકી શકતી નહતી. તેમાંય 2015ની વિમ્બલ્ડનની ફાઈનલમાં ત્રીજા સેટમાં 2-5થી પાછળ પડ્યા બાદ જે પ્રકારે સાનિયા-માર્ટિનાએ કમબેક કરતાં ટાઈટલ જીત્યું, તે મેચ અંગે તો ફેડરરે પણ ટ્વીટ કરી હતી. જે મેચ ઈતિહાસના ગ્રેટસ્ટ કમબેકમાં સ્થાન ધરાવે છે. આ પછી તેમણે યુએસ ઓપન અને ઓ્સ્ટ્રેલિયન ઓપન પણ જીતી લીધી અને સળંગ 41 મેચ જીતીને ટેનિસ ઈતિહાસમાં ડબલ્સમાં સૌથી લાંબી વિજયકૂચમાં ટોપ ટુમાં સ્થાન મેળવી લીધું. આ જ સમયે સાનિયાએ ડબલ્સમાં નિર્વિવાદ નંબર વન તરીકેનો દબદબો પણ પ્રસ્થાપિત કર્યો. તેણે 2016ના રિયો ઓલિમ્પિકમાં રોહન બોપન્ના સાથે સેમિ ફાઈનલ સુધીની સફર ખેડી હતી પણ તે થોડા માટેે ઓલિમ્પિક મેડલ ચૂકી ગઈ હતી.
જોકે તબક્કાવાર સાનિયા-હિંગીસનો જાદુ ઓસર્યો અને બંનેએ 2016માં છુટા પડવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ સાનિયાએ રાષ્ટ્રીય અને પ્રોફેશનલ ખેલાડી તરીકેની કારકિર્દીની સાથે પરિવારની સાથે સમય વિતાવવા પર ધ્યાન આપવા માંડ્યું. વર્ષ 2018માં માતા બન્યા બાદ બે વર્ષે ટેનિસમાં પુનરાગમન કર્યું અને સફળતા પણ મેળવી. તેના પારિવારિક સંબંધો અંગેના અહેવાલો મીડિયામાં ચમકતા રહ્યા, પણ તેણે મૌન રહીને રમવાનું જારી રાખ્યું. આખરે 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સમાં બોપન્નાની સાથે ફાઈનલ સુધીની સફર ખેડતા તેણે જ્યાં ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી શરુ કરી હતી,ત્યાં જ તેનો અંત આણ્યો. ત્યાર બાદ દુબઈમાં કારકિર્દી છેલ્લી મેચ અમેરિકાની મેડિસન કી સાથે રમતાં તે પહેલી જ મેચમાં હારતા તેની અસાધારણ કારકિર્દીનો સાધારણ અંત આવ્યો હતો.
બે દાયકાની કારકિર્દી દરમિયાન ભારતીય અને વિશ્વ ટેનિસમાં પોતાનો આગવો પ્રભાવ પાડનારી સાનિયા મિર્ઝા નિવૃત્તિ બાદ પણ રમતની સાથેે જોડાયેલી જોવા મળશે તે નક્કી છે. ઓલિમ્પિકમાં મેડલ ન જીતી શકવાનો વસવસો તેને છેક છેલ્લે સુધી રહ્યો હતો. જોકે ભારતીય મહિલા રમતવીરોને પ્રોત્સાહન અને પ્રેેરણા પૂરી પાડનારી સાનિયાની કારકિર્દી યુવા ખેલાડીઓ માટે નવો પડકાર સર્જતી રહેશે.


_4_0_0.jpg)

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો