એશિયન ક્રિકેટરના વંશીય અપમાનનો વિવાદ ઈંગ્લેન્ડના ક્રિકેટને ઘમરોળી રહ્યો છે
- પાકિસ્તાની મૂળના ક્રિકેટર રફિકે ઈંગ્લિશ ક્રિકેટની પ્રતિષ્ઠિત કાઉન્ટી યોર્કશાયરમાં તેની સાથે કરવામાં આવેલા વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનની અંગે કરેલા આક્ષેપો અંગે અઢી વર્ષે સુનાવણી શરુ થઈ છે
- યોર્કશાયર અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રફિકની ફરિયાદ બે વર્ષ દબાવી રાખી પણ 2020માં વિઝડનના રિપોર્ટમાં થયેેલા ખુલાસાને ઈંગ્લિશ મીડિયાએ એટલો ગજવ્યો કે સાંસદોના દબાણ હેઠળ આ અંગે સત્તાવાર તપાસ શરુ થઈ
સત્યમેવ જયતે - મુંડકોપનિષદ્ માંથી લેવામાં આવેલું દેવનાગરી ભાષાનું આ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે, પણ તેની સત્યતા વિશ્વવ્યાપક છે. સૂર્યને ઢાંકી શકતો નથી તેમજ સત્યના પ્રકાશને અટકાવી શકાતો નથી. ક્યારેક એવું પણ બને કે સત્યના પ્રકાશને જોવા કે ત્યાં સુધી પહોંચવામાં સમયનો કેટલોક પ્રવાહ વહી જાય પણ પરિણામ તો ભારતના ઋષિ-મુનીઓએ સ્પષ્ટ કરી દીધેલું છે. આ વાત એટલે યાદ આવી કે, ઈંગ્લેન્ડના ક્રિકેેટમાં એશિયનોના વંશિય અપમાન અને અમાનવીય વર્તનનો એક કિસ્સો હાલ ખળભળાટ મચાવી રહ્યો છે.
છેલ્લા અઢી વર્ષથી ઈંગ્લેન્ડના મીડિયામાં અને ક્રિકેટ જગતમાં ચર્ચાના ચગડોળેે ચઢેલો આ મામલામાં લાંબી તપાસ પ્રક્રિયાની આંટીઘુંટી પુરી કરીને હવે છેક અંતિમ પડાવમાં પહોંચ્યો છે. પાકિસ્તાની મૂળના અઝીમ રફિક નામના ભૂતપૂૂર્વ ખેલાડીએ તેની એક સમયની કાઉન્ટી યોર્કશાયરની સામે વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનની ફરિયાદ 2018માં નોંધાવી હતી. જેમાં ખુદ યોર્કશાયર અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડની ભૂમિકા સામે તો સવાલ ઉઠ્યા છે, સાથે સાથે ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વાૅન તેમજ ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો ગેેરી બલાન્સ, ટીમ બ્રેસ્નેન, જોન બ્લેન, રિચાર્ડ પાયરથ, મેથ્યૂ હોગાર્ડ અને એન્ડ્રુ ગૅલની સંડોવણી પણ બહાર આવી છે.
રેસિઝમ એટલેે કે રમતોમાં વંશવાદ સામે લડવામાં અગ્રેસર હોવાના ઈંગ્લેન્ડના દાવાને પોકળ સાબિત કરતા રફિક વિ. યોર્કશાયરનો મામલો અત્યંત ગંભીર અને જટીલ છે. જોકે તેેનાથી એક એ વાત સ્પષ્ટ થઈ છે કે, ન્યાયની રાહ મુશ્કેલ હોય છે, પણ અશક્ય નથી. ઉગ્ર વિરોધ, બહિષ્કાર તેમજ ધમકીઓ છતાં પોતાના આરોપો પર અડગ રહેેનારા આઝીમ રફિકના શબ્દો એ એશિયામાંથી વધુ સારી તકોની તલાશમાં ઈંગ્લેન્ડને અપનાવનાર અનેક એશિયનોની મૌન વ્યથાની જ અભિવ્યક્તિ છે.
પાકિસ્તાન છોડીને યુવા વયે ઈંગ્લેન્ડનાં સ્થાયી થયેલા અઝીમ રફિકે જુનિયર ક્રિકેટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે તેમજ યોર્કશાયરના પણ સૌથી યુવા વયના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી હતી. જોકે, વંશિય વિવાદનો મામલો છેક 2018માં સામે આવ્યો. રફિકે આરોપ મૂક્યો કે, વર્ષ 2008 થી 2014 સુધી અને ત્યાર બાદ 2016 થી 2018 દરમિયાન યોર્કશાયર તરફથી રમતાં તેને ગોરા ક્રિકેટરોએ વંશિય ભેદભાવ અને અપમાનજનક વર્તનનો શિકાર બનાવ્યો. ઈંગ્લેન્ડમાં દરેક સ્તરે વંશિય ભેદભાવ સામે ફરિયાદ કરવાની વ્યવસ્થા છે અને તે અંતર્ગત જ તેણે આ ફરિયાદ કરી. જોકે, તે સમયના યોર્કશાયરના ચેરમેન રોજર હુુટન અને તેમના સાથીઓએ આ ફરિયાદને દબાવી રાખી. હુુટને તો મોડેથી શરુ થયેલી તપાસમાં એવો પણ ખુલાસો કર્યો કે, ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે જ અમને આ મામલે નિષ્ક્રિયતા દાખવવાનો ઈશારો કર્યો હતો.
રફિકે ફરિયાદમાં લખ્યું હતુુ કે, મારા સાથી ખેલાડીઓ મને તુચ્છકારેે બોલાવતા. મારી સાથે વાત કરવાનું ટાળતા. ડ્રેસિંગરુમમાં પણ સતત મારા પર વંશિય કોમેટ્સનો મારો ચલાવવામાં આવતો. જેના કારણે મને ઘણીવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા. હું દારુ પીતો નહતો પણ મને ટીમ કલ્ચરના ભાગરુપેે તેમાં જોડાવાની ફરજ પણ પાડવામાં આવતી. તેણે તેની ફરિયાદમાં સાથી ખેલાડીઓ અને કોચના નામ પણ આપ્યા હતા. જોકે બે વર્ષ આ ફરિયાદ જેમની તેેમ પડી રહી. આ દરમિયાનમાં કોરોના વાઈરસ આખી દુનિયા પર છવાઈ ગયો. મુશ્કેલીના આ સમયમાં રફિક અને તેના પરિવારે ભૂખ્યાને ભોજન અને મદદ પુરા પાડ્યા.
તેના આ માનવતાના કાર્યોની નોંધ લઈને 2020માં વિઝડનનો એક પત્રકાર તેને મળવા ગયો. ત્યારે તેનો આશય ક્રિકેટરના માનવીય અભિગમને દુુનિયાની સામે રજુુ કરવાનો હતો. જોકે, આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ રફિક ભાંગી પડ્યો. તેણે તેની સાથે થયેલા અન્યાયની વાત કરી. ક્રિકેેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડનના રિપોર્ટમાં રફિકને યોર્કશાયર અને ઈંગ્લેન્ડના બોર્ડે કરેલા અન્યાય તેમજ ગોરા સાથીઓએ કરેલા અપમાનનો ચોંકાવનારો રિપોર્ટ છપાયો અને ખળભળાટ મચી ગયો. ઈંગ્લેન્ડ અને યુરોપના મીડિયાએ આ રિપોર્ટના પગલે ઘરઆંગણાના ક્રિકેટમાં એશિયનો સાથે થયેલા અન્યાય અંગેના અહેવાલોની આખી સિરીઝ ચલાવી અને આ જ કારણે યોર્કશાયર અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર બ્રિટનના સાંસદોએ તપાસ કરવા માટે દબાણ સર્જ્યું અને આખરે 2018માં થયેેલી ફરિયાદની તપાસ 2020માં શરુ થઈ.
યોર્કશાયરે એક કાયદાની એક સ્વતંત્ર ફર્મ પાસેે રફિકના આક્ષેપોની તપાસ કરાવી, પણ આશ્ચર્યની વચ્ચે તેનો રિપોર્ટ જ રિલીઝ ના કર્યો. એટલે કે સુધી કેે, ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડને પણ આ વંશિય ભેદભાવની તપાસનો રિપોર્ટ ના મોકલ્યો. કુલડીમાં જ ગોળ ભાંગવાનો યોર્કશાયરનો નિર્ણય ઈંગ્લેન્ડમાં કોઈના ગળેે ના ઉતર્યો. રફિકે તો તેને દોષીઓને બચાવવાના નાટક સમાન ગણાવ્યો હતો. આખરે સાંસદો અને મીડિયાના દબાણ હેઠળ યોર્કશાયરને રિપોર્ટના કેટલાક અંશો જાહેર કરવા પડ્યા.જેમાં તેમણે રફિકે મુકેલા 43માંથી સાત ફરિયાદને સ્વીકારવામાં આવી હતી. આખો રિપોર્ટ એ પ્રકારે તૈયાર કરાયો હતો કે, જેના તારણો રફિકને ન્યાય આપવાને બદલે કાઉન્ટીની પ્રતિષ્ઠાને બચાવવા માટે હોય તેવું સ્પષ્ટ જોઈ શકાતું હતુુ. આ બાબત એટલી ગંભીર બની ગઈ હતી કે, ઈંગ્લેન્ડની સરકારને આ અંને સ્પષ્ટ અને આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપવો પડ્યો.
દરમિયાનમાં યોર્કશાયરની ભારે બદનામી થઈ અને એક પછી એક સ્પોન્સરર્સ કાઉન્ટીનો સાથ છોડીને જવા લાગ્યા. ઈંગ્લેન્ડના બોર્ડે બલાન્સના રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન પર પ્રતિબંધ મૂક્યો. જ્યારે યોર્કશાયરને આંતરરાષ્ટ્રીય કે મેજર મેચીસ ન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું. યોર્કશાયરના ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને તેમજ કેટલાક કોચીસ, ફિઝિયો અને ઓફિશિઅલ્સને વિદાય લેવી પડી. આ મામલેે યોર્કશાયરમાંથી દૂૂર કરાયેલા કે ફરજીયાત વિદાય મેળવનારાની સંખ્યા ડઝન જેટલી થવા જાય છે. હુટોનની વિદાય બાદ મૂળ ગુુજરાતી લોર્ડ કમલેશ પટેલે યોર્કશાયરની ચેરમેનશિપ સંભાળી અને પહેલું કામ રફિકની માફી માંગવાનું કર્યું.
રફિકે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વાૅન પર 2009ની એક ઘટનાને યાદ કરતાં આરોપ મૂક્યો કે, તેણે અમને કહ્યું હતુ કે, તમેે તો મોટી સંખ્યામાં અહીં આવી ચડો છે. અમારે તમારા (લોકો) માટે કંઈક કરવું પડશે. વાૅને તો પહેલા જ ધડાકેે આવી કોમેન્ટ કરી જ ન હોવાનો દાવો કર્યો. જોકે રફિકના સમર્થનમાં અન્ય ખેલાડી પણ આગળ આવ્યા.
સાથી ખેલાડી ગેરી બલાન્સે રફિકના વંશિય અપમાનના આરોપને સ્વીકારતાં બચાવ કર્યો કે, અમારી વચ્ચે તે સમયે દોસ્તી હતી અને આ જ કારણેે અમે એકબીજા માટે ગમે તેવા શબ્દો પ્રયોજતા હતા. ઈંગ્લેન્ડમાં ભવિષ્ય ધુંધળું બનતા બલાન્સેે ઈંગ્લેન્ડ છોડીને ઝિમ્બાબ્વેની રાહ અપાવી લીધી છે. જોકે બ્રેેસ્નેન, હોગાર્ડ સહિતના અન્યોએ આરોપોને નકારી કાઢ્યા અને તેે અંગે પોતાનો બચાવ કરવાની પણ તૈયારી ન દર્શાવી. જોકે માઈકલ વાૅને તેના પરના આરોપને નકારતા કાયદાકીય માર્ગ અપાવ્યો હતો.
એક તરફ ઈંગ્લેન્ડમાં રફિકને વ્હીસલબ્લોઅર તરીકે ઓળખાવાયો પણ અંદરખાને તેને કનડગત પણ થતી રહી અને ધમકી પણ મળતી રહી. તેણે ઈંગ્લેન્ડની સંસંદીય કમિટિની સામે હાજર થઈને તેના આક્ષેપોના પુરાવા આપવાની સાથે વિસ્તારપૂર્વક આપવીતી કહી. તેણે એક તબક્કે એમ પણ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં રમવા આવતા એશિયન ક્રિકેટરોને કોઈને કોઈ સ્તરે વંશિય કોમેટ્સનો અને ભેદભાવનો સામનો કરવો જ પડતો હોય છે. જોકે મોટાભાગના ખેલાડીઓ કોન્ટ્રાક્ટ રદ થવાના તેમજ બહિષ્કારના ભયનેે કારણે મૌન રહેવાનું પસંદ કરે છે. યોર્કશાયરમાં વંશિય ભેદભાવ એ સાહજીક બાબત છે, તેને કાઉન્ટીના સત્તાધીશોથી માંડીને ખેલાડી સુદ્ધા જાણે પોતાનો અધિકાર જ માની લે છે.
લાંબી તપાસ પ્રક્રિયા અને ચડાવ-ઉતાર બાદ હવે રફિકના આરોપો અંગે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની શિસ્ત સમિતિ તેની આખરી તબક્કાની સુનાવણી કરી રહી છે. જેના પરિણામ પર ઈંગ્લેન્ડ જ નહી પણ સમગ્ર દુનિયાની નજર છે. આ બધામાં સૌથી મહત્વની બાબત એ છેે કે, ઈંગ્લેન્ડમાં એક વિદેશી મૂળના ખેલાડીએ કેટલાક વર્ષો પહેલા થયેલા અન્યાયની કરેલી ફરિયાદ અંગે રાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે કાર્યવાહી કરવામાંં આવી રહી છે, તે સરાહનીય બાબત છેે. આ કેસના પગલે કાઉન્ટીમાં વંશિય અપમાન અંગે ફરિયાદ માટે હેલ્પ લાઈન શરુ કરવામાં આવી છે અને ખેલાડીઓને પ્રાથમિક તબક્કેથી મેચ ફિક્સિંગ તેમજ ડોપિંગની સાથે સાથે વંશિય ભેદભાવથી દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો