ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના સિદ્ધિના નવા શિખરે


પ્રયત્ન જો અથાગ અને એકધારા હોય તો તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. અપેક્ષા એ એવી ટાઈમ ફ્રેમ છે, કે જેમાં અપેક્ષિત પરિણામ ન મળે એટલે નિરાશા અને હતાશા જન્મે છે. જેઓને સફળતા માટે પોતાનાના મનના કહ્યા મુજબ ટાઈમફ્રેમ નક્કી કરતાં નથી અને ફળના ઈંતજારમાં બેસી રહેવાને બદલે માત્ર કર્મ કર્યેે રાખે છે, તેમને અદ્વિતિય અને અદ્ભૂત કહી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છેે. કબીર સાહેબે ફળની અપેક્ષા વિના કર્મની પ્રાધાન્યતાને અસરકારક રીતેે રજુ કરતાં કહ્યું છે કે, ધીરે ધીરે સે મના, ધીરે સે સબ હોત ; માલી સીંચે સો ઘડા, ઋત આયેે ફલ હોત. સો ઘડા પાણીનું સિંચન કર્યા બાદ પણ ફળ ત્યારે જ મળે છેે, જ્યારે તેની મૌસમ આવે છે. 

વિશ્વ ટેનિસમાં છેલ્લા બે દાયકાથી ભારતનું નામ રોશન કરી રહેલા 43 વર્ષના રોહન બોપન્નાની કારકિર્દી હવે અસ્તાચળેે છે, ત્યારે તેનો ઝળહળાટ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટેનિસના ટોચના ડબલ્સ ખેલાડીઓમાં સ્થાન ધરાવતો રોહન બોપન્ના તેની કારકિર્દીમાં એક મિક્સ ડબલ્સ ટાઈટલ જીતી ચૂક્યો છે. તાજેતરમાં જ તેણે ગ્રાન્ડ સ્લેમ કરતાં એક પગથિયું નીચેની ગણાતી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ ઈન્ડિયન વેલ્સમાં મેન્સ ડબલ્સ ટાઈટલ જીતીને અનોખો ઈતિહાસ રચી દીધો હતો. 43 વર્ષનો બોપન્ના માસ્ટર્સ 1000 સિરીઝ ટાઈટલ જીતનારો વિશ્વનો સૌથી વયસ્ક ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂૂસ એબ્ડેન સાથે રોહને ઈન્ડિયન વેલ્સ અગાઉ દુબઈ ઓપન ચેમ્પિયનશિપ પણ જીતી લીધી હતી.

રોહનની કારકિર્દી તેના પૂરોગામી ખેલાડીઓ લિએન્ડર પેસ અને મહેશ ભુપતિ જેટલી ચમકદાર રહી નથી, પણ ભારતના વર્તમાન ટેનિસ સ્ટાર્સ અને નજીકના ભવિષ્ય તરફ નજર નાંખીએ તો રોહનની સિદ્ધિઓ તેને સ્વાભાવિક રીતે જ વિરાટ પ્રતિભાની હરોળમાં સ્થાન અપાવી દે તેવી તો છે જ. તેણે કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 24 ડબલ્સ ટાઈટલ જીત્યા છે, જેમાં એક મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ તેમજ પાંચ એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટાઈટલ્સ સામેલ છે. તેણે કારકિર્દીમાં કુલ મળીને 56 ટુુર્નામેન્ટની ફાઈનલ રમી ચૂક્યો છે. જોકે ફાઈનલમાં સફળતાની સરેરાશ એ રોહનની પ્રતિભાનો માપદંડ નથી. ડબલ્સ એ એક પ્રકારની ટીમની રમત છે અને તેમાં સફળતા અને નિષ્ફળતા - બે ખેલાડીઓમાં બરોબરીમાં વહેંચાય છે. 

ભારતીય ટેનિસમાં હવે પેસ અને ભુપતિનો યુગ આથમી ચૂક્યો છે. તેના અનુગામી તરીકે સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાનું નામ સ્વાભાવિક રીતે જ આવે. સાનિયા હવે નિવૃત્ત થઈ ચૂકી છે, ત્યારે રોહન બોપન્ના હાલ આંતરરાષ્ટ્રીય સ્તરના એલિટ ટેનિસમાં ભારતના લાસ્ટ મેન સ્ટેન્ડિંગ જેવી સ્થિતિ ધરાવે છે. એટીપીના મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં 11મો ક્રમાંક ધરાવતો રોહન ભારતનો સર્વોચ્ચ રેન્ક ધરાવતો ખેલાડી છે. બોપન્ના પછી એટીપી રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતો ડબલ્સ પ્લેયર યુકી ભામ્બરી છે, જે છેેક 75માં સ્થાને છે. જ્યારે મહિલાઓની ડબલ્સની ઈવેન્ટમાં નિવૃત્ત થઈ ગયેલી સાનિયા મિર્ઝા 35મા સ્થાને સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ભારતીય છે, તેના પછીની ટોપ રેન્ક ઈન્ડિયન પ્લેયર અંકિતા રૈના 146મો ક્રમ ધરાવે છે.


વર્ષોની મહેનત અને પરિશ્ચમ થકી રોહન બોપન્નાએ ભારતીય અને વિશ્વ ટેનિસમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને તેની સફળતા ભારતમાં યુવા ખેલાડીઓને પ્રેરણા આપતી રહી છે. દક્ષિણ ભારતમાં આવેલા હિલસ્ટેશન એવા કૂર્ગમાં જન્મેલા રોહન બોપન્નાની ભારતના ટોચની હરોળના ટેનિસ ખેેલાડી તરીકેની સફર ભારે સંઘર્ષ અને  અનિશ્ચિતતાઓની ખડકાળ રાહમાંથી પસાર થઈ છે. કુદરતી સૌંદર્યના ભંડાર તરીકે ઓળખાતા કૂૂર્ગમાં કોફીનો વિશાળ બગીચો ધરાવતા એમ.જી. બોપન્ના અને મલિકાના પરિવારમાં બીજા સંતાન તરીકે રોહનનો જન્મ થયો, ત્યારે 1980ની વંસત વિદાય લઈ રહી હતી અને ગ્રીષ્મનો તડકો કૂણાંમાંથી વધુ આકરો બનવા જઈ રહ્યો હતો. 

પિતાના કોફીના વિશાળ બગીચામાં પ્રકૃતિની વચ્ચે ઉછરેલા રોહનને બાળપણથી જ રમત ગમતમાં રસ. શાળા જીવનમાં તે હોકી અને ફૂટબોલ સહિતની લગભગ બધી રમતો પર હાથ અજમાવતો. એમ.જી. બોપન્નાના કોફીના બગીચાની નજીક જ એક સરસ મજાનો ટેનિસ કોર્ટ આવેલો હતો. આ જ કારણે રોહનને ટેનિસનું ઘેલું લાગેલું. વળી, તેના માતા-પિતા પણ સાંજ પડે ત્યાં જતાં અને ટેનિસ રમવાની સાથે મિત્રોની સાથે મુલાકાત પણ કરતાં. આ ટેનિસ કોર્ટ જ આગળ જતાં રોહનની કર્મભૂમિ બનવાનો હતો. 

સંપન્ન પરિવારમાં જન્મેલા રોહનને તમામ સુખ-સગવડો મળ્યા, પણ 19 વર્ષની ઉંમરે જ્યારે તેણે ટેનિસમાં કારકિર્દી ઘડવાનો નિર્ણય લીધો ત્યારે તેની આગળની રાહ અત્યંત ધૂૂંધળી હતી. બોપન્નાની મોટી બહેન પૂણેેમાં સ્થાયી થઈ હતી અને આ જ કારણે માતા-પિતાએ તેને ટેનિસની તાલીમ માટે પૂણે મોકલવાનો નિર્ણય લીધો. પૂૂણેમાં રોહનને ફિટનેસ ટ્રેનિંગ અને કોચિંગ માટે કુલ મળીને 16 કિલોમીટર સાઈક્લિંગ કરવું પડતુ. તે સમયે પેેસ અને ભૂપતિની જોડી આગળ વધી રહી હતી અને યુવા ખેલાડીઓની આંખોમાં તેમના જેવા બનવાના સ્વપ્ન હતા. 

સ્વિડનના ક્લાસિક પ્લેયર સ્ટીફન એડબર્ગની રમતમાંથી પ્રેરણા મેળવનારા રોહનને જુનિયર ટેનિસમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભા દર્શાવવાની તક મળી. આખરે વર્ષ 2002માં પહેલીવાર ભારતીય ડેવિસ કપ ટીમમાં ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલામાં સ્થાન મળ્યું હતુ અને તે પછીના વર્ષે તો તેણે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે પદાર્પણ કરી લીધું. યોગ્ય માર્ગદર્શનના અભાવમાં તેણે ફિટનેસ ટ્રેનર તેમજ ફિઝિયો તરફ વધુ ધ્યાન ન આપ્યું અને આ જ કારણેે શરુઆતના વર્ષોમાં તેને ઈજાઓ સતાવતી રહી.

આંતરરાષ્ટ્રીય ટેનિસના થોડા જ વર્ષોના અનુભવ બાદ તેેને સમજાયું કે સિંગલ્સમાં સંઘર્ષ કરતા રહેવાને બદલે ડબલ્સ તરફ ધ્યાન આપવાની વધુ જરુર છે અને તે જ સફળતાનો રાજમાર્ગ બની શકે છે. આ કારણે તે તબક્કાવાર સિંગલ્સ રમવાનું ઘટાડીને ડબલ્સ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. બોપન્નાની કારકિર્દીને નિખારવામાં તેમજ તેને વખતોવખત માર્ગદર્શન અને આર્થિક સહાય મળે તેનું વિશેષ ધ્યાન મહેશ ભૂપતિએ રાખ્યું હતુુ. જેના કારણે ભારતીય ટેનિસમાં ખેલાતા રાજકારણમાં તેણે ભૂપતિનો સાથ આપ્યો.


જુનિયર લેવલે પાકિસ્તાનના આસિમ કુુરેશી સાથે જોડી જમાવીને સફળતા મેળવનારા બોપન્નાએ ડબલ્સની કારકિર્દીના પ્રારંભે પણ કુરેશીને જ સાથે રાખ્યો. ઈન્ડો-પાક એક્સપ્રેસ તરીકે ઓળખાાતી બોપન્ના-કુરેશીની જોડીએ નોંધપાત્ર સફળતા મેળવી. તેઓ 2010ની યુએસ ઓપનની ફાઈનલમા પણ પ્રવેશ્યા, જ્યાંં અમેરિકાના બ્રાયન બ્રધર્સે તેમને ટાઈટલથી વંચિત રાખ્યા હતા. જોકે એટીપી ટૂરની સફળતાને પગલે બોપન્ના ટોચના ડબલ્સ પ્લેેયર્સમાં સ્થાન ધરાવતો હતો. આ દરમિયાન જ 2012માં લંડનમાં ઓલિમ્પિક રમાવાના હતા. જે અગાઉ રોહન બોપન્ના તેના માટે મેન્ટર સમાન ભૂપતિ સાથે રમતો હતો. જોકે ભારતીય ટેનિસ ફેડરેશન તેને ભૂપતિને બદલે પેસ જોડે જોડી જમાવવાની ફરજ પાડી, તો તેણે ખસી જવાનો નિર્ણય લીધો.

રોહન અને મહેશ ભૂપતિની જોડીએ 2012માં જ પેેરિસ માસ્ટર્સ જીતી અને એટીપી ફાઈનલ્સની ફાઈનલ સુધીની સફર ખેડી હતી. ડબલ્સ પ્લેયર તરીકેે સફળતા મેળવનારા બોપન્નાની સર્વિસ તેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે અને ઉત્તરોત્તર તેમાં સુુધારો થતો રહ્યો છે. આખરે તેેને 2016ના રિયો ઓલિમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે મિક્સ ડબલ્સમાં જોડી બનાવીને ઉતરવાની તક મળી.તેઓ છેક બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યા પણ થોડા માટેે ટાઈટલથી વંચિત રહી ગયા હતા. જોકે રિયો ઓલિમ્પિક પછીના વર્ષે તેણે કેનેડાની ડેબોરાહ સાથે મળીને ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સ ટાઈટલ જીત્યું, જે તેની કારકિર્દીનું એકમાત્ર ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ બની રહ્યું છે. ત્યાર બાદ તે બેે વખત મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પ્રવેશ્યો હતો, પણ ટાઈટલ જીતી શક્યો નહતો. 

ચાલુ વર્ષે તેેણે ઓસ્ટ્રેલિયાના એબ્ડેેન સાથે જમાવેલી જોડી કમાલ કરી રહી છે. તેઓ અત્યાર સુુધી ત્રણ ડબલ્સ ઈવેન્ટની ફાઈનલ રમી ચૂક્યા છે, જેમાંથી બે જીત્યા છે. બોપન્નાની રમતમાં ધીરે ધીરે નિખાર આવી રહ્યો છેે, તેની સાથે સાથે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટેનિસના પડકારો માટે તૈયાર કરવામાં તે વધુ ધ્યાન આપી રહ્યો છેે. બોપન્ના કહે છે કેે, મને કારકિર્દી શરુ કર્યા બાદ ફિઝિકલ ટ્રેનરની મહત્તા સમજાઈ હતી. હું ઈચ્છું છું કે, યુવા ખેલાડીઓને પહેેલેથી જ વૈજ્ઞાનિક ઢબે શ્રેષ્ઠ કોચિંગ મળે, જેથી તેઓના આગળ વધવામાં કોઈ મુશ્કેલી ના રહે. 

હાલ જે પ્રકારના ફોર્મ અને ફિટનેસ સાથે બોપન્ના રમી રહ્યો છેે, તે જોતા આગામી બે-ત્રણ વર્ષ તો તેની કારકિર્દી આગળ વધશે તેમ મનાય છે. આ દરમિયાન ભારતીય ટેનિસને નવા સિતારા આપવાનો તેનો ભગીરથ પ્રયાસ પણ જારી છે. તેે જોતા ભારતીય ટેનિસની આવતીકાલ વધુ ઉજ્જવળ રહેશે તેમાં કોઈ બેમત નથી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી