ડિંગ લિરેન : ચેેસની દુનિયાનો નવો વિશ્વવિજેતા


બુદ્ધિ ચાતુર્યને પ્રાચીન કાળથી જ શારીરિક બળથી ચઢિયાતુ માનવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં રુઢ થયેલી હિન્દીની કહેવત અક્કલ બડી કે ભેંસ ? નો જવાબ જ પ્રત્યુત્તરકારની મનોસ્થિતિના મૂલ્યાંકન માટે પુરતી છે. બે મહાન સામ્રાજ્યો વચ્ચેની લડાઈ હોય કે પછી બે ટીમ વચ્ચેનો રમતના મેદાન પરનો મુકાબલો. દરેકમાં આયોજનની ભૂમિકા મહત્વની છે અને તેનો ઘડવૈયાને જ આખરે વિજયનો શ્રેય મળે છે. ભારત જ નહીં, વિશ્વની લગભગ દરેક સંસ્કૃતિના મૂળમાં શતરંજ કે ચેસની રમતની રમત કોઈને કોઈ સ્વરુપે જોવા મળી છે. જોકે કાળક્રમે નિયમોમાં ઘણા પરિવર્તન આવ્યા છે, તેમ છતાં આજની રંગબેરંગી દુનિયામાં પણ બૌધ્ધિકોને તો બ્લેક એન્ડ વ્હાઈટ મહોરાં અને ચોખંડા ધરાવતી રમત સૌથી વધુ આકર્ષે છે.

વિશ્વભરમાં આગવું આકર્ષણ ધરાવતા ચેસને તાજેતરમાં જ નવો વિશ્વવિજેતા મળ્યો છે. ચીનના 30 વર્ષના ડિંગ લિરેને કારકિર્દીમાં પહેલી જ વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ક્લાસિક ફોરમેટનના ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કર્યું હતુ અને પહેલી જ વારમાં વિશ્વવિજેતા તરીકેનો તાજ હાંસલ કરવાની ઐતિહાસિક સફળતા હાંસલ કરી લીધી છે. કઝાખસ્તાનના અસ્તાનામાં રમાયેલે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતા લિરેન અને રશિયાના ઈયાન નિપોમ્નીશી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. રશિયા અને બેલારુસે યુક્રેન પર કરેલા હૂમલાને પગલે અન્ય રમતોની જેમ ચેસમાં પણ આ બંને દેશોના ખેલાડીઓ પર પ્રતિબંધ છે, જેના કારણે નિપોમ્નીશીએ તટસ્થ દેશના ખેલાડી તરીકે રશિયાને બદલે ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા - ફિડેના ફ્લેગ હેઠળ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 

રેન્કિંગ અને અનુભવની રીતે નિપોમ્નીશી જ ચઢિયાતો હતો અને તે જ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ મનાતો હતો. તેનું પણ કારણ હતુ. નિપોમ્નીશી બે વર્ષ પહેેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમ્યો હતો અને રનર્સઅપ બન્યો હતો. જ્યારે ચાલુ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનને પડકારનારા ખેલાડીની પસંદગી માટે કેન્ડિડટ માસ્ટર્સ ટુર્નામેન્ટ રમાય છે, તેમાં પણ તે ચેમ્પિયન બન્યો હતો. વળી ચેસના વર્લ્ડ રેન્કિંગમાં પણ તે બીજા ક્રમે હતો. તેની સામે લિરેનની દાવેદારી મજબુત નહતી. ચીની ખેલાડી રેન્કિંગમાં ત્રીજા સ્થાને હોવાની સાથે સાથે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા માટે ક્વોલિફાય થયો હતો. જે ચીનના ચેસ ઈતિહાસની સૌપ્રથમ ઘટના હતી. જોકે, કઝાખસ્તાનના અસ્તાનામાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 14 મુકાબલા દરમિયાન એક સમયે હારની નજીક ફેંકાઈ ચૂકેલા લિરેને નિપોમ્નીશીની ભૂલનો ફાયદો ઉઠાવતા વળતો પ્રહાર કરતાં બરોબરી હાંસલ કરી હતી અને આખરે કુલ મળીને 18મી અને ટાઈબ્રેકરની ચોથી તેમજ આખરી રેપિડ બાજીમાં લિરેને જાદુ ચલાવતા વર્લ્ડ ચેમ્પિયનશિપ હાંસલ કરી લીધી હતી. 


વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના શરુઆતના તબક્કામાં ભારે તનાવ અને હતાશાનો અનુભવ કરનારા લિરેન પર નિપોમ્નીશીએ પ્રભુત્વ જમાવ્યું હતુ. તેમાંય બીજી વર્લ્ડ ચેમ્પિયનશિપની ગેમ પછી લિરેનને પૂર્વતૈયારી માટે રમેલી કેટલીક ગેમ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. પેપર ફૂટી જવા જેવી આ ઘટના લિરેન માટે આઘાતજનક હતી પણ નિપોમ્નીશીને તેનો ફાયદો ના મળી શક્યો. જ્યારે લિરેનના સ્પર્ધામાં ટકી રહેવાના મિજાજને કારણે જેમ જેમ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ આગળ વધતી ગઈ તેમ તેમ તેની રમતમાં નિખાર આવતો ગયો અને આખરેે તેણે પાસું પલ્ટી નાંખતા વિશ્વના 17માં વિશ્વવિજેતા બનવાની સાથેે ચીનના પહેલા ચેસ વર્લ્ડ ચેમ્પિયન તરીકેનું અનોખું  બિરુદ હાસંલ કરી દીધું છે. જ્યારે નિપોમ્નીશીના હાથમાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપનો તાજ જાણે છીનવાઈ ગયો છેે. ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તો નોર્વેનો મેગ્નસ કાર્લસન એટલો પ્રભાવશાળી હતો કે, નિપોમ્નીશી માટે ટાઈટલની તકો ખુબ જ ઓછી હતી, પણ આ વખતે તો તે જ ટાઈટલનો એકમાત્ર દાવેદાર હતો. 

ચેસની દુનિયામાં ચીનના પહેલા ખેેલાડી તરીકે લિરેને અનેક અવનવા રેકોર્ડ સર્જ્યા છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચેલેન્જરની પસંદગી માટે યોજાતી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થનારો સૌપ્રથમ ચીની ખેલાડી છે. આ ઉપરાંત 2017માં તે ચેસના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચનારો અને રજત સફળતા મેળવનારો તેના દેશનો પહેલો ખેલાડી બન્યો હતો. આટલું જ નહીં, તેણે 2019ના સિંકફિલ્ડ કપના પ્લે ઓફમાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે લિરેન વર્ષ 2007 પછી પ્લેઓફમાં કાર્લસનને હરાવનારો વિશ્વનો પહેલો ચેસ ખેલાડી બન્યો હતો.

મેન્સ ચેસ વર્લ્ડમાં સાવ નહીવત્ કહી શકાય તેવી પાશ્ચાદ્ભૂ ધરાવતા ચીનના ઝ્હેજિંગ પ્રોવિઝનમાં આવેલા વેન્ઝહોઉમાં 24મી ઓક્ટોબર, 1992માં જન્મેલા લિરેનના માતા યે ક્ષિયાઓપઈંગ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા. જ્યારે તેના પિતા ડિંગ વેન્જુંગ ઈલેેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા. ક્ષિયાઓપઈંગ અને તેની સખીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે,  બાળકોને ચેસ જેવી બુુધ્ધિ-કૌશલ્યની રમતમાં મુકીએ. જેથી તેમનો માનસિક વિકાસ વધુ સારી રીતે થાય અને તેનાથી તેમની જિંદગી પણ વધુ આયોજનબદ્ધ બને. બસ આટલા જ વિચારની સાથે તેમણે લિરેનને ચેસના કોચિંગમાં મૂક્યો, ત્યારે તેની ઉંમર માંડ ચાર વર્ષની હતી. 

ખુબ જ નાની ઉંમરે ચેસની દુનિયાામાં ડગ માંડનારા લિરેનની પ્રતિભાનો ચમકારો થોડા જ સમયમાં દેેખાવા લાગ્યો. ચીનની શાળાઓમાં શિયાળું અને ઉનાળું વેકેશન દરમિયાન યોજાતી ચેસની સ્પર્ધાઓમાં લિરેનની પ્રતિભાનો ચમકારો દેખાવા માંડ્યો હતો. તેણે જુદી-જુદી એજ ગ્રૂપમાં ટાઈટલ હાંસલ કર્યા હતા. તે સમવયસ્ક બાળકોથી જુદો તરી આવતો. તેને વિડિયો ગેમ રમવી પસંદ નહતી. તેના બદલે તે બાસ્કેટબોલ અને ફૂટબોલ જેવી રમતો રમતો કે પછી પુસ્તકો વાંચવામાં સમય આપતો. 

20 વર્ષની વયે ચીનના નેશનલ ચેમ્પિયન તરીકેનો રેકોર્ડ સર્જ્યા બાદ તેણે ચેસ ઓલિમ્પિયાડમાં પણ પ્રભાવશાળી દેખાવ કરતાં વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ચેસમાં તબક્કાવાર પોતાની આગવી ઓળખ ઉભી કરી રહેેલો લિરેન 2015માં ફિડે રેન્કિંગમાં ટોપ-10માં પ્રવેશનારો પહેેલો ચીની ખેલાડી બન્યો હતો. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેેન્જરની પસંદગી માટેની યોજાતી કેન્ડિડેેટ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થનારો પહેલો ચીની ખેલાડી બન્યો હતો.


લિરેનની ચેસની વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલા સુધીની સફરમાં તેને ભાગ્યનો ડગલે ને પગલેે સાથ મળ્યો હતો. કોરોનાના કારણે ચીન પર વિશ્વભરના દેશોએ નિયંત્રણો લગાવ્યા હતાા. જેના કારણે તેને કેન્ડિડેટ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવા જેટલી મેચીસ રમવા મળી નહતી. જોકે ચીનના ચેસ એસોસિએશને તેના માટે ખાસ ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું હતુ. આમ છતાં તે થોડા માટે કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થઈ શક્યો નહતો. જોકે અહીં જ ભાગ્યનો સાથ તેને મળ્યો. કેન્ડિડેટ ટુ્ર્નામેન્ટમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલા રશિયાના સર્જેઈ કાર્જાકિને તેના દેશ દ્વારા યુક્રેન કરવામાં આવેલા હૂમલાના સમર્થનમાં ટ્વીટ કરી. જેનાથી નારાજ ફિડેએ તેને સસ્પેન્ડ કર્યો અને તેના સ્થાને ડિંગ લિરેનને કેન્ડિડેટ માસ્ટર્સમાં સ્થાન આપવામાં આવ્યું.

છેક છેેલ્લા ક્રમે કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં પ્રવેશેલા ડિંગ લિરેને શાનદાર દેખાવ કરતાં બીજું સ્થાન હાંસલ કર્યું. જ્યારે ટોચના ક્રમે રશિયાનો નિપોમ્નીશી રહ્યો હતો. નિયમ પ્રમાણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચેલેન્જર (કેન્ડિડેટ ટુર્નામેન્ટનો વિજેતા) વચ્ચે રમાતી હોય છે. જોકે છેલ્લા 10 વર્ષથી ક્લાસિક ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ જાળવનારા નોર્વેના ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસને આ વખતે સ્પર્ધામાં ઉતરવાનો ઈનકાર કરી દીધો. જેના કારણે ચેસમાં પહેલીવાર કેન્ડિડેટ ટુર્નામેન્ટના ચેમ્પિયન અને રનર્સઅપ વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપનો મુકાબલો ખેલાયો જેમાં લિરેને બાજી મારી હતી. 

ખુબ જ સાધારણ જીવનશૈલી ધરાવતા લિરેને ક્યારેય વૈભવી સગવડોની પાછળ દોટ મુકી નથી. તેણે એક મુલાકાતમાં કહ્યું હતુુ કે, મને કોઈ મોંઘીદાટ ચીજવસ્તુઓ વસાવવાની આદત જ નથી. હું સાદગીમાં માનુ છું. ક્યારેય સારી રેસ્ટોંરામાં જઈએ એ બાબત અલગ છે પણ આ સિવાય ખોટા ખર્ચા કરવામાં હું માનતો નથી. પિતાના અતિ આગ્રહને કારણે હાલમાં કાયદા સ્નાતકનો અભ્યાસ કરી રહેલા લિરેને ચેસની દુનિયામાં પોતાની અમીટ છાપ છોડી છે. જોકે, તેની સામે હવે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવવાનો મોટો પડકાર પણ છે. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી