જાપાનની રિકાકો ઈકીની લ્યુકેમિયા કેન્સરથી લઈને વિશ્વની ટોચની સ્વિમર સુધીની સફર

 


રમત હોય કે જિંદગી - બંને દરેક વેળાએ આશ્ચર્યજનક ઘટનાઓ અને પરિણામો આપવા માટે જાણીતા છે. દરેક વખતે અચાનક જ બદલાતી પરિસ્થિતિ એવા અ-ભૂતપૂર્વ પડકાર સર્જે છે
, જેનો સામનો કરવાની કુશળતા જ એક સાધારણ ખેેલાડીને ચેમ્પિયન બનવાની સિદ્ધિ સુધી પહોંચાડી શકે છે. જોકે આ માટે બદલાયેલી પરિસ્થિતિથી ગભરાઈ જવાને બદલેે તેનો સામનો પણ સાવ અનોખા પ્રકારે કરવાનો પ્રયાસ આવનારી પેઢીઓ માટે પણ એક નવી રાહની ખોજ કરી નાંખતી હોય છે. પડકારોનો સામનો કરવાનું સાહસ જ રેસ્ટમાંથી બેસ્ટને અલગ તારવીને દુનિયાની સામે રજુ કરે છે.

જાપાનની ઓલિમ્પિયન સ્વિમર રિકીકો ઈકી રમતની દુનિયામાં મક્કમ મનોબળના પ્રગટ ઉદાહરણનું જિવંત સ્વરુપ બની રહી છે. તેણેે સ્વિમિંગ પૂલમાં મેળવેલી સિદ્ધિઓ તો બેશક રમત વિશ્વમાં ત્રીજા કેે ચોથા વિશ્વના દેશો માટે પ્રેરણારુપ છે જ, પણ તેણે જિંદગીએ તેની સામે ફેંકેલા પડકારોનો જે જિંદાદિલી અને હોંસલાથી સામનો કર્યો છે, તે જોતા આખી દુનિયા તેને અહોભાવથી જોઈ રહી છે. રિકીકો લ્યુકેેમિયા જેવા જીવલેણ કેન્સરના રોગની સામે બરોબરની ઝીંક ઝીલીને તેને હરાવી ચૂકી છે અને તેણે આટલેથી સંતોષ માન્યો નથી.

તોફાની વાવાઝોડાની જેમ રિકીકોની આખી જિંદગીની બાજીને ઉલટસુલટ કરી દેનારા લ્યુકેમિયા કેન્સરમાંથી બહાર આવ્યા પછી તેણે ફરી એકડે એકથી શરુઆત કરી હતી. આ સમયે દુનિયાને ઈંતજાર હતો કે, રિકીકો ક્યારે તેની કારકિર્દી પર પૂૂર્ણવિરામ મૂકે છે, પણ જાપાનની આ સ્વિમરે હિંમત હારવાને બદલે ફરી સંઘર્ષનો માર્ગ અપનાવ્યો, ત્યારે બધાને ખુબ જ આશ્ચર્ય થયું હતુ. 

હિન્દીના જાણીતા કવિ દુષ્યંત કુમારની આકાશ મેં સુરાખ હો સકતા હૈ, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો વાળી પંક્તિ તો રિકાકોને કદાચ જીવનપર્યંત સાંભળવા નહીં મળે. પણ કહેવાય છેે ને કે કવિઓ શબ્દોના એવા સોદગર છે કે જે અનેકની મૂક સંવેદનાઓ-જ્ઝબાને વાચા આપે છે. આ જ કથનનું પ્રત્યક્ષ પ્રમાણ રિકાકો ઈકી છે. જેણે જિંદગીએ તેની સામે સર્જેલા અત્યંત મુશ્કેલ પડકારને જિંદાદિલીથી માત્ર પાર કરીને બતાવ્યો છે એટલું જ નહીં પણ ફરી શ્રેષ્ઠતાના શિખર સુધીની સફર ખેડી છે. 

કેલેન્ડરમાં 20મી સદીના અંતિમ પ્રહરી સમાન વર્ષની ચોથી જુલાઈએ ટોક્યોના ઈદોગાવા વોર્ડમાં રિકીકોનો જન્મ થયો હતો. સિંગલ મધર મિયુકીએ બે પુત્રીઓ અને પુત્રની જવાબદારી એકલા હાથે ઉપાડી લીધી. જાપાનમાં પરંપરા પ્રમાણે રિકાકો ઈકીએ ખુબ જ નાની ઉંમરથી સ્વિમિંગ શરુ કર્યું અને પાંચ વર્ષની ઉંમરેે તેની વિશિષ્ટ પ્રતિભાને જોતા તેને નિષ્ણાત કોચ પાસે તાલીમ માટે મૂકવામાં આવી અને જોતજોતામાં તેણે ફ્રિસ્ટાઈલ અને બટરફ્લાય જેવા સ્ટ્રોક્સમાં તો મહારત હાંસલ કરી લીધી.

સ્વાસ્થ્ય અંગે અત્યંત સભાન એવી જાપાનીઝ પ્રજાની સુટેવોને અનુસરીને ઉછરેલી રિકાકો ઈકીની ખેલાડી તરીકેની શિસ્તબદ્ધ જીવનશૈલીના કારણે કિશોરાવસ્થામાં રાષ્ટ્રીય સ્તરેે સફળતા મેળવવા માંડી હતી. માત્ર 14 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ તેણે જુનિયર સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતવાની શરુઆત કરી અને એક વર્ષ પછી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 50 અને 100 મીટરની બટરફ્લાય ઈવેન્ટમાં જુનિયર વિશ્વવિક્રમ તોડીને સુવર્ણસિદ્ધિ હાંસલ કરી હતી. આ જ વર્ષે તેને સિનિયર સ્વિમરોની વિશ્વ ચેમ્પિનયશિપમાં પણ ભાગ લેવાની તક મળી, જ્યાં તેને ચંદ્રક તો હાંસલ ન થયો પણ ફાઈનલ સુધીની સફરર ખેડનારી કિશોરી તરીકે જબરજસ્ત નામના મળી. 

જાપાનના રાષ્ટ્રીય સ્વિમિંગ જગતમાં માત્ર 16 જ વર્ષની ઉંમરે સુપરસ્ટાર બનીને ઉભરેલી રિકાકો ઈકીએ રેકોર્ડ સાત સ્પર્ધા માટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરીને નવો જ ઈતિહાસ આલેખી દીધો. તેણે ફ્રિસ્ટાઈલ અને બટરફ્લાયની ચાર વ્યક્તિગત અને ત્રણ  રિલેની સ્પર્ધામાં ભાગ લીધો. જેે જાપાનીઝ સ્વિમિંગના ઈતિહાસનની અપૂર્વ સિદ્ધિ હતી. ઓલિમ્પિકના અનુભવે તેને વધુ પરિપક્વ બનાવીને ત્યાર બાદ સળંગ બે વર્ષ તેણે જાપાનીઝ સ્વિમિંગને નવી ઊંચાઈએ પહોંચડતા કુલ 10 સુવર્ણ ચંદ્રકોની સાથે પાંચથી વધુ રાષ્ટ્રીય વિક્રમો પણ સ્થાપિત કરીને બતાવ્યા. 

રિકાકોએ યૌવનના ઉંબરે ડગ માંડ્યા અને ભાગ્યની દેવી જાણે તેના પર ઓવારી ગઈ. ઈન્ડોનેશિયામાં 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમમાં રિકાકો જેટલી સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્વિમિંગ પૂલમાં ડાઈવ લગાવી તે તમામમાં તે સુવર્ણ કે રજત ચંદ્રકની સાથે જ બહાર આવી. તેણે એશિયન ગેમ્સમાં નવો કીર્તિમાન સ્થાપિત કરતાં છ સુવર્ણ અને બે રજત એમ કુુલ આઠ ચંદ્રકો પોતાના નામે કર્યા. આ સાથે તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં એવી પહેલી ખેલાડી બની કે જેણે એક જ રમતોત્સવમાં આઠ ચંદ્રકો જીત્યા હોય. આ ઉપરાંત તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સૌથી અમૂલ્ય ખેલાડી તરીકેનો એવોર્ડ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની.


એશિયન ગેમ્સની અદ્વિતિય સફળતાના પગલે રિકાકો ઘરઆંગણે યોજાનારા ટોક્યો ઓલિમ્પિકમાં ખળભળાટ મચાવવા માટે ફેવરિટ મનાતી હતી. જોકે ટોક્યો ઓલિમ્પિકના એક વર્ષ પહેલા જ રિકાકોના જીવનમાં અસાધારણ અને આંચકાજનક વળાંક આવ્યો. વર્ષ
2019ની શરુઆતમાં જાપાનીઝ ટીમ સામે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સ્વિમિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહી હતી, ત્યાં અચાનક જ રિકાકોને તાવ આવ્યો. ટીમની સાથેના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી પણ હાલતમાં ખાસ સુધારો ના થતાં તેને સ્વદેશ પાછી મોકલી દેવાઈ. જ્યાં પરિક્ષણોના અંતે નિદાન થયું કે, રિકાકોને એક્યુટ લિમ્ફાટિક લ્યુકેમિયા કેન્સર (એક પ્રકારનું લોહીનું કેન્સર) છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવાનું સ્વપ્ન જોઈ રહેલી રિકાકો હોસ્પિટલના બીછાને પટકાઈ. તેને નજરની સામે મોત જ દેખાતુ. તેના સ્વપ્ન તો ચકનાચૂર થઈ જ ગયા હતા, સાથે સાથે ભવિષ્ય પણ ધુંધળુ દેખાવા લાગ્યું હતુ. જોકે આ સમયે તેની માતા મિયુકી અને મોટા બહેન અને ભાઈએ તેને સહારો આપ્યો. સિંગલ મધર તરીકે બાળકોને ઉછેરતા જમાનો જોઈ ચૂકેલી મિયુકીએ પુત્રીને સમજાવી કે ધીરજ રાખ. જો તને જ તારામાં વિશ્વાસ નહીં હોય તો બીજા કોને હશે ? માતાની વાત સાંભળીને રિકાકોને હિંમત મળી. તેણે મનમાં ગાંઠ વાળી કે હું ગમે તેવી સ્થિતિમાંથી બહાર આવીશ. તેની હકારાત્મકતા અને જિંદગીને બંને હાથે પકડી રાખવાનો જુસ્સો અને આધુનિક સારવારની અસર થવા લાગી અને તે કેન્સર સામેની લડાઈમાં પણ જીતવામાં સફળ રહી.

પોતાને સદેહે નવજીવન પ્રાપ્ત થયું હોવાના અહેસાસ સાથે તેણે નવેસરથી જ શરુઆત કરી. માતા મિયુકી પણ તેને સતત પ્રોત્સાહન પુરુ પાડતી. કેન્સરની સારવાર બાદ તેને એન્ટીકેન્સર ડ્રગ ટ્રીટમેન્ટ આપવામમાં તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું, જેના કારણ તેની સાજા થવાની પ્રક્રિયા ઉત્સાહજનક રહી. વળી, આ બધી અત્યંત જટિલ અને સારવાર લેનારના શરીરને ફટકો પહોંચાડે તેવી સારવાર કોરોનાની મહામારી વચ્ચે કરવામાં આવી. જોકે પ્રફુલ્લિત મનની અસર શરીર પર પડ્યા વિના રહેતી નથી.

રિકાકોએ તમામ સારવાર પુરી થયા બાદ ફરી સ્વિમિંગ શરુ કર્યું, ત્યારે તેનું લક્ષ્ય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનું હતુ. તબીબી ટીમના સહકાર અને માર્ગદર્શનની સાથે રિકાકોને તેના પરિવારની સાથે જાણે આખા જાપાનનું સમર્થન મળ્યું. જોકે ઓલિમ્પિક અગાઉની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે ક્વોલિફાય થઈ શકી નહતી. કુદરતનું કરવું ને તે વર્ષે કોરોનાની મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિક સ્થગિત કરવા પડ્યા. આ નિર્ણય જાણે રિકાકોને તૈયારી માટે જ લેવામાં આવ્યો હોય તેમ તેને ખુદને લાગ્યું.

બે વર્ષમાં જ સફળતાની ટોચ પરથી ગુમનામીમાં ડુબકી લગાવ્યા બાદ રિકાકો ફરી ટોચ પર પાછી ફરી હતી. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં જાપાનની રિલે ટીમ તરફથી ભાગ લીધો અને ટીમને ફાઈનલમાં પ્રવેશ અપાવવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી. આ બધુ તેણે કોઈ પ્રકારની તરફેણ વિના પોતાના દમ પર શ્રેષ્ઠ પર્ફોમન્સ આપીને હરિફોને હરાવીને હાંસલ કર્યું ત્યારે આખી દુનિયાએ તેના જુસ્સા અને મક્કમ મનોબળને સલામ કરી.

જોકે ટોક્યો ઓલિમ્પિક તેની જિંદગીની અંતિમ ટુર્નામેન્ટ બની ના રહી. તેણે કેન્સરને હરાવ્યા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના લક્ષ્યનો પીછો કરવાનો જારી રાખ્યો અને આખરે તેણે તે પણ હાંસલ કરી લીધું છે. યોગનુંયોગ જુલાઈમાં સ્વિમિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપ જાપાનમાં જ યોજાવાની છે, જેમાં મહિલાઓની 100 મીટર બટરફલાઈ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાનું તેનું સ્વપ્ન તેની આંખોમાં છે. જોકે, હજુ એક વર્ષના અંતરે આવી રહેલા પેરિસ ઓલિમ્પિક સુધી તેની પ્રતિભાને વિસ્તારવાની મહેચ્છા પણ રિકાકોને છે અને તે લક્ષ્યની પ્રાપ્તિની તૈયારીમાં ગળાડુબ પણ બની છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી