અમન સહરાવત : એશિયન કુસ્તીમાં ભારતનો એકમાત્ર સુવર્ણ સિતારો


'
સફર મેં ધૂપ ભી હોગી, ચલ સકો તો ચલો ; સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો...' નીદા ફાઝલીની જાણીતી પંક્તિઓ કઠોર વાસ્તવિકતાના ચિત્રણની સાથે હોંસલાને પડકાર ફેંકે છે. મુશ્કેલીઓ અને વિઘ્નો જ વ્યક્તિને તેની કાબેલિયતનો અને પ્રતિભાના વિસ્તારનો અહેસાસ કરાવે છે અને આ જ બાબત સફળતાને વધુ આનંદદાયક તો બનાવે જ છે, પણ તેની સાથે સાથે તે અન્યો માટે દીવાંદાડીની ગરજ પણ સારે છે. આવી જ સફળતા કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતના એકમાત્ર સુવર્ણ સિતારા તરીકે બહાર આવેલો 19 વર્ષનો અમન સહરાવત ખરેખર ભારતીય કુસ્તીના સહેરા સમાન છે.

કુસ્તી ભારતની પરંપરાગત રમત રહી છે. જોકે, વૈશ્વિક સ્પર્ધાઓમાં સફળતાના દ્રષ્ટીકોણથી જોતા ભારત હજુ તેની ક્ષમતા પ્રમાણેના ચંદ્રકો હાંસલ કરી શકતું નથી તેવું સ્પષ્ટ થાય છે. એશિયાન કુસ્તી ચેમ્પિયનશિપમાં છેલ્લા બે વર્ષથી ભારતને એક માત્ર સુવર્ણ ચંદ્રક મળી રહ્યો છે અને તે પણ ફ્રિસ્ટાઈલ કુસ્તીની 57 કિલોગ્રામ વજનવર્ગની સ્પર્ધામાં તો છેલ્લા ચાર વર્ષથી ભારતે દબદબો જમાવ્યો છે. સળંગ ત્રણ વખતથી ચેમ્પિયન બનનારો રવિ દહિયા ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાંસલ કરી ચૂક્યો છે અને આ વખતે પણ તે સુવર્ણ સિદ્ધિ માટેનો પ્રબળ દાવેદાર હતો. જોકે, કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સરન સિંહ સામે મહિલા પહેલવાનોના જાતીય શોષણ અને તાનાશાહીના આરોપોની સાથે થઈ રહેલા ધરણા પ્રદર્શનમાં રવિ પણ જોડાયો અને તેણે એશિયન કુસ્તીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને યુવા પહેલવાન અમન સહેરાવતનું નસીબ ચમક્યું.

કઝાખસ્તાનના અસ્તાનામાં યોજાયેલી એશિયન કુસ્તીની 19મી આવૃત્તિમાં ભાગ લેવા ગયેલા 30માંથી ભારતનો એકમાત્ર પહેલવાન સુવર્ણ ચંદ્રકને હાંસલ કરી શક્યો અને તે અમન સેહરાવત છે. અમને 57 કિગ્રા વજન વર્ગમાં જાપાન, ચીન અને તુર્કીના પહેલવાનોને પછડાટ આપીને સફળતા મેળવી અને તેમાંય ખરાખરીના મુકાબલામાં સરસાઈ મેળવવા દરમિયાન તે ઘાયલ પણ થયો, છતાં તેણે મેદાન ના છોડ્યું અને આખરે સુવર્ણ ચંદ્રક જીતીને જ બહાર આવ્યો.

હરિયાણાના ઝજ્જર જિલ્લાના ભરોડ ગામમાં જન્મેલા અમન સેહરાવતને કુસ્તીની તાલીમ અને માર્ગદર્શન દેશની જાણીતા કુસ્તીની નર્સરી તરીકે ઓળખાતા નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં મળ્યા. બેવડા ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા પહેલવાન સુશીલ કુમાર તેમજ રવિ દહિયાની સાથે બજરંગ પુનિયા અને વિશ્વ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા દીપક પુનિયા જેવા ધુરંધર કુસ્તીબાજોની વચ્ચે તૈયાર થયેલા અમનને આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયારી માટે પહેલેથી પાયાની બાબતોનો ખ્યાલ મળ્યો. મુકાબલાની તૈયારી કરવાથી લઈને અણીના સમયે જ્યારે કોઈ પણ દાવ ચાલતો ન હોય, ત્યારે શું કરવું એ બધુ તેને ત્યાં જ શીખવા મળ્યું. જેના કારણે શરુઆતથી જ તેનું ઘડતર પહેલેથી આંતરરાષ્ટ્રીય સ્તરના પહેલવાન તરીકે થયું અને તેનો જ લાભ તેને મળી રહ્યો છે.

ભારતીય કુસ્તીના આ ઉભરતા સિતારાની ચમક હવે આખા એશિયાએ જોઈ લીધી છે. તેની સુવર્ણ સિદ્ધિ અને જીતથી ખુશાલીથી ભરેલા સ્મિતની પાછળ સંઘર્ષોનો એક લાંબો ઈતિહાસ છુપાયેલો છે. જે તેના આપ્તજનો સુધી જ સિમિત છે.

હરિયાણાના એક સાધારણ પરિવારમાં જન્મેલા અમન સેહરાવત માટે જિંદગી શરુઆતથી જ એક જંગ સમાન રહી હતી. બાળપણમાં જ તેના માતા-પિતાનું દેહાંત થયુ અને અમનના કુમળા ખભા પર તેની ખુદની સાથે નાનકડી બહેનની જવાબદારી પણ આવી પડી. સેહરાવત પરિવાર બહોળો હતો, પણ આર્થિક રીતે સધ્ધર નહતો. બધાની સામે પોતપોતાની સમસ્યાઓ અને પડકારો હતા. અમન અને તેની બહેનની જવાબદારી તેના કાકાએ ઉપાડી લીધી, પણ એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતિને લીધે બધાની મુશ્કેલી વધી પડી.

આ દરમિયાન અમનનો એક પિતરાઈ તેને અખાડામાં લઈ આવ્યો. તેની શરુઆત તો ગામના અખાડાથી જ થઈ હતી. જ્યાં તે પહેલા તો સમય પસાર કરવા માટે જ જતો. પરિવારના સભ્યોને લાગતું કે, અમનનું ધ્યાન અખાડાને કારણે બીજે વળે અને તેનું દુઃખ ઓછું થાય. અમનને પણ ધીરે-ધીરે અખાડો ગમવા લાગ્યો. પોતાના કરતાં મોટી ઉંમરના પહેલવાનોને કસરત કરતાં જોઈને તેનો ઉત્સાહ વધતો. ઘણીવાર તેમની સાથે બાથ ભીડાવવાની કોશીશ કરતો.

આમ કરતાં કરતાં જ તે કુસ્તીના દાવપેચ શીખવા લાગ્યો અને ધીરે-ધીરે તેની પ્રતિભાનો ચમકારો દેખાવા લાગ્યો. તેનો વિકાસ જોતા વધુ તાલીમ માટે તેને નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં મોકલવામાં આવ્યો. અમનની કુસ્તીની સફરમાં લલિત કુમારર અને પ્રવિણ કુમાર જેવા કોચની ભૂમિકા મહત્વની રહી છે. તેમણે જ અમનની પ્રતિભાને નિખારવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.

છત્રસાલ સ્ટેડિયમમાં કલાકોના કલાકો સુધી કુસ્તીની મેટ પર મહેનત કરનારા અમનની કારકિર્દીનો પહેલો ચમકારો 2018માં જોવા મળ્યો. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે તેના વયજૂથના પહેલવાનોમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં ટોચનું સ્થાન મેળવ્યું અને વર્લ્ડ કેડેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. જે તેનો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ બની રહ્યો. આ સાથે તેની પ્રતિભાને સ્થાનિક સ્તરે આગવી ઓળખ મળી. આ પછી યોજાયેલી એશિયન એજ ગ્રૂપ સ્પર્ધામં તેણે સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો.


આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ તેની પ્રતિભા પર દેશના ટોચના કોચીસની નજર પડી અને સરકારની યોજનાઓનો પણ તેને લાભ મળવાનો શરુ થયો. આ પછી તેણે કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો અને ત્યાર બાદ અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર તેમજ અંડર-23 એશિયન ચેમ્પિયનશિપના ગોલ્ડને કારણે તે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો. ઉચ્ચ સ્તરની તાલીમની સાથે સાથે પોષણયુક્ત આહાર અને નિષ્ણાતોના માર્ગદર્શનને કારણે તેના ફૂટવર્કમાં અને ગ્રીપમાં ખાસ્સો સુધારો થયો છે અને આ કારણે તેની સામે ટકી શકવું હરિફ પહેલવાનો માટે મુશ્કેલ બની રહ્યું છે.

પોતાની પ્રતિભાને વધુને વધુ નિખાર આપીને આગળ વધી રહેલા અમને ગત વર્ષે જ 18 વર્ષની વયે અંડર-23ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો અને તે આવી સિદ્ધિ મેળવનારો ભારતનો સૌપ્રથમ પહેલવાન બન્યો હતો. આ જ કારણે તેને રેલવે વિભાગમાં નોકરી પણ મળી. જેના કારણે તેની આર્થિક સમસ્યા પણ ઘણી હળવી બની.

હવે તે અન્ય કોઈ ચિંતા વિના માત્રને માત્ર કુસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. રવિ દહિયા જેવા ટોચના પહેલવાનના વજનવર્ગમાં હોવા છતાં તેણે પ્રયાસો જારી રાખ્યા અને  આ વખતે પરિસ્થિતિ જ એવી સર્જાઈ કે દહિયાએ ખસી જવાનો નિર્ણય લીધો અને અમનની નસીબની આડેનું પાંદડું જાણે દૂર થઈ ગયું.

એશિયન ચેમ્પિયનશિપની સુવર્ણ સફળતાની સાથે અમને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ટિકિટ મેળવી લીધી છે. જોકે વર્લ્ડ ચેમ્પિયનમાં 57 કિગ્રા વજનવર્ગના ફ્રિસ્ટાઈલ મુકાબલા માટે કયા પહેલવાનને મોકલવો તેનો નિર્ણય હવે ભારતીય ફેડરેશને કરવાનો છે. જે હાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અમનની સફળતાએ ભારતીય કુસ્તીને વધુ સમૃદ્ધ બનાવી છે. દેશની પાસે આજની પેઢી જ નહીં આવતીકાલની પેઢીના પણ એવા કુસ્તીબાજો છે કે, જે વિશ્વવિજેતા બનવાની ક્ષમતા ધરાવે છે.

એક સમયે સાવ અસહાય અસ્વથામાં ફેંકાયેલા અમન સેહરાવતે પોતાના જઝ્બા અને ઝનૂનને સહારે કુસ્તીમાં એશિયન ચેમ્પિયન બનવા સુધીની સફર ખેડીને દુનિયાને ચકિત કરી દીધી છે. તેણે પણ ફરી એ જ વાત સાબિત કરી દીધી છે કે, જ્યાં સુધી પરિસ્થિતિને તાબે થવાને બદલે તેની સામે બાથ ભીડવામાં ના આવે ત્યાં સુધી સફળત હાંસલ થઈ શકતી નથી. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી