બેલ્જીયમના અશ્વેત ખેલાડી લુકાકુુએ ફૂટબોલને સહારે હરિફોની સાથે પરિસ્થિતિઓને હરાવી
કુશળતાની સામે ભલભલી સમસ્યાઓને પાણી ભરવું પડે છે. વ્યક્તિ જેમ જેમ પોતાની કુશળતામાં વધારો કરતો જાય છે, તેમ તેમ જિંદગીની રાહ આસાન બનવા લાગે છે કારણ કે પડકાર કરતાં પ્રતિભા હંમેશા વિરાટ સ્વરુપ ધારણ કરી ચૂકી હોય છે. આ જ કારણે દુનિયાને બદલવા કરતાં જો પોતાના વ્યક્તિત્વ કે કૌશલ્યના નિખારમાં સમય આપવામાં આવે તો અસાધારણ પરિણામ હાંસલ કરી શકાય છે. ઈટાલીયન કલબ ઈન્ટર મિલાન તરફથી રમી રહેલો બેલ્જીયમનો ફૂટબોલર રોમેલુુ લુકાકુ તેનું જીવતું ઉદાહરણ છે.
અત્યંત મર્યાદિત સગવડો અને જીવનની પાયાની જરુરિયાતો વિના પણ શ્રેષ્ઠતાને હાંસલ કરવાના સંઘર્ષને સહારે લુકાકુએ ગુમનામીના અંધારાથી લઈને દુનિયાના ટોચના ફૂટબોલરોની હરોળમાં આગવું સ્થાન મેળવી લીધું છે. તુર્કીના ઈસ્તંબુુલમાં આજે મધરાત બાદ રમાનારી ફાઈનલમાં ઈંગ્લેન્ડની કલબ માંચેસ્ટર સિટી સામે ઈટાલીની ઈન્ટર મિલાનનો મુકાબલો ખેલાવાનો છે. ત્યારે ત્રીસ વર્ષીય લુુકાકુ 13 વર્ષ પછી ફરીવખત યુરોપીયન ચેમ્પિયન બનવાના ઈટાલીયન કલબના સ્વપ્નને સાકાર કરવા માટે ઉતરશે. આખા વિશ્વનું ધ્યાન ખેંચનારી આ ફાઈનલમાં ઈન્ટર મિલાનનો સ્ટ્રાઈકર રોમેલુ લુકાકુ નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
બાસ્કેટબોલના ખેેલાડી જેવી છ ફૂટ અને ત્રણ ઈંચની ઊંચાઈ ધરાવતા રોમેલુનું વજન એક હેવિવેઈટ બોક્સર જેટલું છે. તેની પડછંદ કાયા અને મજબુત બાંધો જોતા પહેલી નજરે તો તે કોઈ વર્લ્ડ ચેમ્પિયન મુક્કેબાજ જેવો લાગે. જોકે, લુકાકુના દેખાવ અને તેની રમત પર તેના આદર્શ એવા બ્રાઝિલના ધુરંધર ફૂટબોલર રોનાલ્ડો નાઝારીયોનો જબરજસ્ત પ્રભાવ છે. 20મી સદીના ઉત્તરાર્ધના પાંચ વર્ષોથી લઈને 21મી સદીના પહેલા દશક સુુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ઝંઝાવાત સર્જનારા રોનાલ્ડો નઝારિયોના પગલેે ફૂટબોલના મેદાનમાં ડગ માંડનારા અનેક ફૂટબોલરોમાં લુકાકુનો પણ સમાવેશ થાય છેે.
સાઉથ આફ્રિકામાં આવેલા ઝૈર દેશમાં (હાલનો ટોગો દેશ, જે આફ્રિકાનો સૌથી નાનો દેશ છે) વસતા રોજર અને એડોલ્ફીનની જિંદગી હાડમારી ભરી હતી. ત્યાં સરમુખત્યાર મોબુુસુ સેસે સેેકોનું રાજ હતું. નાણાંકીય સુધારાના પગલેે તેણે પ્રજાજનો પર એટલો બોજ નાંખી દીધેલો કેે બે ટંક ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડતો. આ કારણે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું ને રોજરે પત્ની સાથે બેલ્જીયમમાં રહેેતા તેના કાકાનો સંપર્ક કર્યો તે ઝૈર છોડીને ભાગ્યો. ઝૈર પર વર્ષો પૂર્વે બેલ્જીયમનું રાજ હતુ અને આ જ કારણે ત્યાંથી બેલ્જીયમ જવું આસાન હતુ. આ જ કારણે રોજર-એડોલ્ફીનને બેલ્જીયમની રાજધાની એડોલ્ફીનમા શરણ મળી. તેઓ એડોલ્ફીન પહોંચ્યાના એક વર્ષ બાદ પહેલા સંતાન તરીકે રોમેલુ લુકાકનો જન્મ થયો. તેના એક વર્ષ બાદ જોર્ડનનું આગમન થયું અને પરિવારમાં ચોથો સભ્ય ઉમેરાયો.
લુકાકનું બાળપણ અત્યંત ગરીબી અને સંઘર્ષની વચ્ચે પસાર થયું. એન્ટવર્પમાં શ્વેત બાળકોની વચ્ચે લુકાકુ અલગ જ તરી આવતો. તેને ઊંચાઈ અને મજબૂત બાંધો પણ વારસામાં મળ્યો હતો અને આ જ કારણે શાળાજીવન દરમિયાન મોટાભાગે દરેક તોફાન કે મસ્તીમાં શકમંદ તરીકે પહેલા તેનું જ નામ આવતું. સહાધ્યાયીઓ પણ છાશવારે તેેનું વંશીય અપમાન કરતાં અને તેની મજાક ઉડાડવાની એક પણ તક જતી ન કરતાં. આ બધા વચ્ચે પણ લુકાકુએ અડગ દિલના ગુપ્ત બળથી પોતાની જાતને ટકાવી રાખી. બહુધા આવી પરિસ્થિતિનો સામનો કરનારા બાળકો ગુનાના રસ્તે વળી જતા હોય છે, પણ લુકાકુએ તેનું ધ્યાન ફૂટબોલ પર કેન્દ્રીત કર્યું.
વર્ગ ખંડમાં અને રોજિંદી જિંદગીમાં જે ઊંચાઈ અને મજબુત બાંધો તેના માટે મુશ્કેલીનું કારણ બનતા તે જ ફૂટબોલના મેદાનમાં તેના માટે આશીર્વાદરુપ બનવા માંડ્યા અને સ્થાનિક ફૂટબોલમાં તેણે કમાલનો દેખાવ કર્યો. તેના પિતા રોજર પણ ફૂટબોલર હોવાથી તેને કોચિંગમાં ખાસ મુશ્કેલી ન પડી, પણ ઘરની તંગ આર્થિક પરિસ્થિતિએ તેના બાળસહજ સ્વપ્નો પર વજ્રાઘાત કર્યો. ઘરમાં બે ટંક ભોજનનો પ્રશ્ન હતો, ત્યાં વીજળી કે ટીવી તો હોય જ ક્યાંથી ?
શાળામાં તેમજ ફૂટબોલની પ્રેક્ટિસમાં બાળકો ચેમ્પિયન્સ લીગની અને ફૂટબોલ મેચીસની ચર્ચા કરતાંં, ત્યારે લુકાકુની આંખો ચમકી ઉઠતી. તે સ્કૂૂલના કમ્પ્યૂટર પર મેચના રેકોર્ડિંગ પણ જોતો. રોનાલ્ડોની સાથે સાથે લુકાકુના ડ્રીમ પ્લેયર્સમાં ડિડિયર ડ્રોગ્બા અને નિકોલસ એનેલ્કાનો પણ સમાવેશ થતો. લેફ્ટ ફૂટ પ્લેયર તરીકેનું વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા લુકાકુને કિશોરાવસ્થામાં જ બેલ્જીયમની પ્રો લીગની કલબ એન્ડરલેચે કરારબદ્ધ કરી લીધો હતો. પિતાની ઓછી આવકના કારણે પાણીવાળું દૂધ અને બ્રેેડ ખાઈને ગુજારો કરનારો લુકાકુએ તેની પાવરપેેક ગેમને સહારે ગોલ પર ગોલ ફટકારતાં સનસનાટી મચાવી દીધી. તેની કુશળતા જોઈને આકર્ષયેલી ચેલ્સી કલબે તેને 18 વર્ષની ઉંમરે 1.2 કરોડ યુરોના કોન્ટ્રાક્ટની ઓફર કરી, જેને તેણે સ્વીકારી લીધી.
આક્રમક સ્ટ્રાઈકર અને પાવરરફૂલ વિંગર તરીકેની કુશળતા ધરાવતા લુકાકુની ઈંગ્લિશ ફૂટબોલની સફરની શરુઆત ઉત્સાહજનક રહી નહતી અને બીજા જ વર્ષે 2012માં વેસ્ટ બ્રોમ્વિચ એલ્બીઓન કલબને લોન પર આપી દેવાયો, જ્યાં તેણે ઈંગ્લિશ ફૂટબોલ લીગનો પહેલો ગોલ ફટકાર્યો. ઈંગ્લિશ ફૂટબોલમાં નવ વર્ષની કારકિર્દી દરમિયાન તેને એવર્ટન તેમજ માંચેસ્ટર યુનાઈટેડમાં પણ તક મળી. તેણે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં કુલ 113 જેટલા ગોલ ફટકાર્યા હતા. આ પછી ઈન્ટર મિલાનમાં એક સિઝન રહ્યા બાદ ચેલ્સીએ તેને ફરી કરારબદ્ધ કર્યો. જોકે તે ચેલ્સી તરફથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહી અને આખરે તે લોન પર ફરી ઈન્ટર મિલાનમાં જ જોડાયો.
કલબ ફૂટબોલર તરીકેની કારકિર્દી દરમિયાન કરોડોની કમાણી કરનારા લુકાકુએ એડન હેઝાર્ડ અને ડી બ્રુયન જેવા બેલ્જીયમની ગોલ્ડન જનરેશનના ફૂટબોલરોની સાથે મળીને ટીમને 2018ના ફિફા વર્લ્ડકપમાં પહેલીવાર બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત તેણે યુરો કપમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. બેલ્જીયમ તરફથી 100થી વધુુ મેચ રમી ચૂકેલા લુકાકુએ નામે સૌથી વધુ 72 આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારવાનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ નોંધાવી દીધો છે.
બેલ્જીયમના ઈતિહાસના ઓલ ટાઈમ ગ્રેટ સ્કોરર તરીકેની સિદ્ધિ સહિતના રેકોર્ડ ધરાવતા લુકાકુનું અનોખું ગોલ સેલિબ્રેશન પણ ભારે લોકપ્રિય બન્યું છેે. ગોલ ફટકાર્યા બાદ હાથ ઉંચા કરીને આકાશ તરફ જોવાના તેના અંદાજની નકલ ઘણા યુવા ખેલાડીઓ પણ કરતાં હોય છે. તેણે આ અનોખા ગોલ સેલિબ્રેશનના રહસ્ય પરથી પરદો ઉંચકતા કહ્યું કે, મારો દરેક ગોલ હું મારા નાનાને અર્પણ કરું છું. જેઓ મારા સૌથી પહેેલા ફેન હતા. જોકે હું 12 વર્ષનો હતો, ત્યારે તેઓ આ ફાની દુનિયા છોડી ગયા. તેઓએ મારી પાસેથી વચન લીધું હતુુ કે, તારી માતાનું હંમેેશા ધ્યાન રાખજે. આ જ કારણે હું ગોલ ફટકાર્યા બાદ મારા નાનાને યાદ કરું છું.
એક જ જીવનકાળમાં ગરીબીની અંધારી ગલીઓથી લઈને છેક ધન-વૈભવ અને પ્રસિદ્ધિના શીખર સુધીની સફર ખેડનારા લુકાકુને હવે પહેલીવાર ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીતવાની આશા છે. જોશ અને ઝનુનની ભરેલી માંચેસ્ટર સિટી કલબની સામે ઈન્ટર મિલાનનો ઈટાલીયન જાદુ કેવો રંગ લાવશેે તેનો ઈંતજાર ચાહકોને છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો