બેડમિંટનના ગોલ્ડન બોઈઝ ચિરાગ અને સાત્વિક ભારતીય સંસ્કૃતિના સમન્વયનું જીવંત પ્રતીક
સહિષ્ણુતા અને નાવીન્યનો સ્વીકાર એ ભારતીય પ્રજાનું વિશિષ્ટ લક્ષણ છે. આ જ કારણે દુનિયાની વિવિધ સંસ્કૃતિના સંગમ તરીકેની ઓળખ તો ભારત વર્ષોથી ધરાવે છે. તેની સાથે સાથે વિશ્વમાં ચોતરફ અલગ-અલગ રુપ-રંગ અને પરિસ્થિતિના ઢાળમાં ઢળી જવા છતાં પોતાની વિશેષતાને જાળવી રાખનારા ભારતીયો સાહજિક ઓળખાઈ જાય છે. નીદા ફાઝલીના શબ્દોની જેમ કુછ તુમ ભી બદલ કર દેખો, કુછ હમ ભી બદલ કર દેખેં નો અભિગમ જ શ્રેષ્ઠતાની નજીક લઈ જવામાં ઉપયોગી બની છે.
ખાસ કરીને જ્યારે સામુહિક પ્રયાસ થકી સિદ્ધિ હાંસલ કરવાની હોય, ત્યારે દરેક પોતાની ભૂમિકાને અસરકારક રીતે ભજવેે એ જરુરી હોય છેે. પોતાના વ્યક્તિગત લક્ષ્યને જ્યારે સહિયારા પ્રયાસના પ્રવાહમાં એકરુપ કરી દેવામાં આવે ત્યારે જ ચમત્કારો સર્જાતા હોય છે. એક સમયે ટેનિસની રમતમાં જે પ્રકારે લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની જોડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અણધારી સફળતાનો સિલસિલો સર્જતા ખળભળાટ મચાવ્યો હતો, તેવી જ સફળતા હાલ સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેેટ્ટીની જોડી બેડમિંટનની દુનિયામાં મેળવી રહી છે.
ભારતીય બેડમિંટને છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય પટલ પર પોતાની તેજસ્વીતાના અજવાળા પાથર્યા છે અને આ જ રોશનીને વધુ તેજ બનાવવાનો શ્રેય ચિરાગ અને સાત્વિકની જોડીને જાય છે. ભારતને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સૌપ્રથમ ચંદ્રક તરીકે સુવર્ણ અપાવવાથી માંડીને એશિયન તેમજ કોમનવેલ્થ રમતોત્સવમાં ચેમ્પિયન બનવા સુધી દોરી જવામાં ચિરાગ-સાત્વિકની જુગલ જોડીનો ફાળો મહત્વનો બની રહ્યો છે. બેડમિંટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને પુરુષ ડબલ્સમાં પહેલવહેલો કાંસ્યચંદ્રક પણ ચિરાગ-સાત્વિકે પહેેરાવ્યો છેે.
હજુ થોડા સમય પહેેલા જ ચિરાગ-સાત્વિકે થાઈલેન્ડ ઓપન જીતવાની સાથે બેડમિંટનમાં એલિટ ગણાતી સુપર 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીતનારા પહેલા ભારતીય તરીકે રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અંકિત કરાવી લીધું છે. આ સાથે તેઓને વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમ પણ આપવામાં આવ્યો છે, જે પણ ભારતીય બેેડમિંટન માટે એક સીમાચિહ્ન સમાને છે. આક્રમક રમત અને મજબુત ડિફેન્સના આધાર પર ભલ-ભલા હરિફોને હંફાવી રહેેલા ચિરાગ અને સાત્વિકની સફળતાએ બેડમિંટનમાં પાવરહાઉસ તરીકેની ભારતની પ્રતિષ્ઠાને સુદ્રઢ કરી છે, તેની સાથે સાથે મેન્સ ડબલ્સની સ્પર્ધાને વધુ સમૃદ્ધ બનાવતા યુવા ખેલાડીઓને પ્રેરણા પણ પુરી પાડી છે.
છ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતા ચિરાગ અને સાત્વિકે છેલ્લા દોઢ વર્ષમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન ધરાવતી લગભગ તમામ જોડીઓને હરાવી છે. બંને ખેલાડીઓ જમણેરી હોવાની સાથે આક્રમક સ્ટ્રોક પ્લેયર્સ રહ્યા છે, ત્યારે બેડમિંટનની ડબલ્સની સ્પર્ધામાં આગળ રમતા ખેલાડી પર ડ્રોપ શોર્ટ પર શટલ કાૅકને ઉઠાવીને સામેના કોર્ટમાં મોકલવાની જવાબદારી હોય છે. આ ઉપરાંત તે રેલીસમાં અચાનક જ આક્રમણ કરીને પોઈન્ટને પોતાના પક્ષમાં પણ કરી શકે છે. જોકે બેકકોર્ટમાં જે પ્રકારે ખેલાડી જમ્પ લગાવીને સ્મેશ મારે છે, તેવી તક નેટ ઉપર કે નેટની નજીક રહેલા ખેલાડીને ઓછી મળે છે અને આ જ કારણે ઘણા ખેેલાડીઓ ડબલ્સમાે નેટની નજીક રમવાનું પસંદ કરતાં નથી.
ચિરાગ અને સાત્વિકની જોડીની વિશેષતા એ છે કે, બંને અલગ જ પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછર્યા છે. બંનેની ભાષા ્અને રહેણી-કહેણીમાં પણ ઘણું અંતર છે, આમ છતાં બેડમિંટન કોર્ટ પર તેઓ વચ્ચેની સમજણ અને એકબીજાને અનકૂળ બનીને રમવાની કુશળતા તો જોડીયા ભાઈઓને પણ શરમાવે તેવી છે. જોકે મરાઠી માનુષ ચિરાગ શેટ્ટી અને તેલુગુ પરિવારના પુત્ર સાત્વિકસાઈરાજની જોડી કેવી રીતે બની તેનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે. બંનેમાં ચિરાગ મોટો છે. 25 વર્ષનો આ મુંબઈકર શેટ્ટી પરિવારમાં બેડમિંટનનું રેકેટ હાથમાં પકડનારો સૌપહલો ખેલાડી છે. જ્યારે આંધ્રપ્રદેેશના અમલાપુરમમાં જન્મેલો 22 વર્ષના સાત્વિકે તેના પિતા અને મોટાભાગના પગલે બેેડમિંટન કોર્ટમાં પ્રવેશ મેળવ્યો હતો.
દેેશની આર્થિક રાજધાની અને મેટ્રો સિટી તરીકેનો વૈભવ ધરાવતી માયાનગરીમાં ઉછરેલા ચિરાગની સાથે તેલુગુ પરિવાર અને મિત્રવર્તુળમાં જ રહેેવા ટેવાયેલા સાત્વિકની જોડી બનાવવી એ વિચાર પહેલી નજરે તો કોઈને પણ ગમે તેવો નહતો. ચિરાગને તેલુગુ નહતુુ આવડતું અને સાત્વિકને હિન્દી-અંગ્રેજીમાં તકલીફ પડતી. જોકે વર્ષ 2015માં ભારતીય બેડમિંટન ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહેલા તાન કિમ હેરને પહેેલવહેલો આ વિચાર આવ્યો. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં પોતાની ઝળહળતી કારકિર્દીને સહારે જાણીતા બનેલા તાન કિમ હેરને લાગ્યું કે, આક્રમક બેડમિંટન રમતાં આ બંને ખેલાડી જો જોડી જમાવે તો ઘણા ઊંચા શિખરોને સર કરી શકે તેમ છે.
ઉત્તર અને દક્ષિણના મિલન અંગેનો તાન કિમ હેરનો પ્રસ્તાવ તો પહેેલી જ નજરે કોઈને ગમે તેવો નહતો. ભાષા અને રહેણી-કહેણીમાં અતિવિષમતા ધરાવતા બંને યુવા ખેલાડીઓને જોડી જમાવવા માટે તેમની રમતમાં સુધારો કરવાનું જોખમ ખેડવાનું હતુ. આ પ્રયોગ જો નિષ્ફળ થયો તો શું ? એ વિચાર ચિંતા જન્માવે તેવો હતો. વળી, બંંને ખેલાડીઓના વ્યક્તિગત કોચ પણ તેમની બેડમિંટન ભાગીદારીના વિરોધમાં હતા. જોકે બંને ખેલાડીઓએ તેમના ઘણા અંતરંગ વર્તુળોને નારાજ કરીને સાથે રમવાનો નિર્ણય લીધો, ત્યારે બધાને લાગતું કે, આ જોડી બહુ લાંબુ નહીં ખેંચે. શરુઆતમાં બન્યું પણ એવું જ. બંને એકબીજાની ભાષા સમજતા નહતા એટલે વાતચીત કરવામાં કે પોતાની વાત બીજાને સમજાવવામાં મુશ્કેલી પડતી. કોચ તાન કિમ હેરે તેમને પ્રવાસ દરમિયાન રુમ-મેટ બનવાની સલાહ આપી અને ભારે પરેશાનીઓ વચ્ચે તેમની સફર શરુ થઈ.
શરુઆતની ટુર્નામેન્ટ તો ટીકાકારોની ભવિષ્યવાણીને સાચી ઠેરવતી. જોકે બંને ખેલાડીઓમાંથી કોઈએ પાછી પાની ના કરી. બેક કોર્ટથી પાવરફૂટ શોટ ફટકારવા માટે પાવધરા એવા બંને ખેલાડીમાંથી નેટની નજીક કોણ રમે તે પ્રશ્નનો ઉકેલ પણ મલેશિયન કોચ હેરે આપ્યો અને ચિરાગને તેની ઝડપના કારણે આગળ રમવાની સૂચના મળી, જેને તેેણે સ્વીકારી લીધી. થોડો સમય બાદ હેર તો જાપાનની ટીમ સાથે જોડાઈ ગયા, પણ તેમણે જમાવેલી ચિરાગ-સાત્વિકની જોડીએ ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધવા માંડી. જોડી જમાવ્યાના એક વર્ષ પછી તેમણે બેડમિંટનની ઈન્ટરનેશનલ સિરિઝમાં ચાર ટાઈટલ જીતીને ખળભળાટ મચાવ્યો.
જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ચિરાગ અને સાત્વિકની દોસ્તી જામતી ગઈ અને તેની સાથે તેમની રમતમાં પણ નિખાર આવવા લાગ્યો. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં તેમને સૌપ્રથમ મેજર સફળતા 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મળી, જ્યાં તેમણે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ પછી તે જ વર્ષે હૈદરાબાદ ઓપન અને સઈદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં મળેલી જીતના કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો. ભારતીય બેડમિંટનમાં વિદેશી કોચીસની આવન-જાવન અને પુલેલા ગોપીચંદના માર્ગદર્શને કારણે ચિરાગ-સાત્વિકે તેમની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય પડકારો માટે સજ્જ કરી.
સાત્વિક-ચિરાગે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વૈશ્વિક બેડમિંટનમાં પ્રભાવશાળી દેખાવ કરતાં ભારતીય બેડમિંટન જગતને ગૌરવ અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જોકે હજુ તેમની સામે વિશાળ પડકારો પણ ઉભા છે. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સાથે સાથે સુદીરમાન કપ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ ટુર ફાઈનલ્સ જેવી કેટલીક એલિટ અને અત્યંત તીવ્ર સ્પર્ધા ધરાવતી ટુર્નામેન્ટ્સ છે કે, જેમાં ટોચ પર પહોંચવાનો પડકાર સાત્વિક-ચિરાગની સામે છે. જોકે સમય તેમની તરફેણમાં છે. બંને યુવા ખેલાડીઓ આવનારા દિવસોમાં ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો