અંધારી આલમના ઓછાયા વચ્ચે પણ હૈતીની મહિલા ફૂટબોલ ટીમની હરણફાળ
જંગ જીતવાની જીગરમાં હામ હોવી જોઈએ, શૂરવીરતા કંઈ કોઈ શસ્ત્રોમાં નથી હોતી. કવિ અગનના શબ્દો એ બાબતને સ્પષ્ટ કરે છે કે, માત્ર સંસાધનો અને સગવડો જ સફળતાને સુનિશ્ચિત કરતી નથી. તમામ પ્રકારની સગવડો, અઢળક નાણા અને આધુનિક ટેક્નોલોજી વગેરે જેવા સંસાધનો પણ કાંડાના કૌવત વિના પાંગળા છે. રમતના મેદાનમાં ખરુ ખમીર તો ખેલાડીની અંદર પડેલું હોય છે. તમામ પ્રકારની હાઈટેક ટેક્નોલોજીની મદદ કે સુપર ફૂડ એ ખેલાડીને બહેતર બનાવી શકે છે, પણ માત્ર તેના જ સફળતા સફળતાના શિખર સુધી પહોંચી શકાતું નથી. ખેલાડીના જોશ, ઝનૂન અને જઝ્બા સાથેનો જોરદાર પ્રયાસ જ અનોખો ઈતિહાસ આલેેખે છે અને ત્યારે સંપન્ન દેશોના ખેલાડીઓ પણ ટાંચા સંંસાધનોને સહારે આગળ આવેલા ખેલાડીઓ સામે વામણા પુરવાર થતાં હોય છે. આવી જ સફળતા કેરેબિયન વિસ્તારમાં આવેલા એક નાનકડા એવા હૈૈતી દેેશની મહિલા ફૂટબોલરોએ મેળવી છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફા દ્વારા દર ચાર વર્ષે યોજાતા મહિલા ફૂટબોલરો માટેના મહાકુંભ એટલે કે ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન થાય છે, જેેમાં પહેેલીવાર કેરેબિયન દરિયા કાંઠેે વસેેલા ટાપુઓના સમૂહમાં સ્થાન ધરાવતા હૈતી નામના નાનકડા દેેશની મહિલા ટીમે પણ સ્થાન મેળવી લીધું છે. આર્થિક અને સામાજીક રીતે યુરોપીયન દેશો કરતાં ક્યાંય પાછળ રહેલા હૈતીની મહિલા ફૂટબોલરોની સફળતાને આંતરરાષ્ટ્રીય રમત જગત ભારે આશ્ચર્યની સાથે આવકારી રહ્યું છે. મહિલા ફૂટબોલ વર્લ્ડકપમાં હૈૈતીએ પોતાના દમ પર મેળવેલું સ્થાન ખરેખર તો તેની મહિલા ફૂટબોલરોના જબરજસ્ત સંઘર્ષ અને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ સ્વપ્નને સાકાર કરવાના ઝનૂનનું પ્રતીક છે.
વિશ્વના નકશામાં ટપકા જેવડા હૈતી વિસ્તાર અને વસ્તીની રીતે તો ગુજરાત કરતાં પણ નાનું છે. વળી, આર્થિક અને સલામતીની રીતે તો તેની હાલત અત્યંત બદરત છે. ત્યાંની પોલીસ જ કબૂલ કરે છે કે, અમારા દેશના 60 ટકા વિસ્તાર પર જુદી-જુદી ગેંગનું સામ્રાજ્ય છે. લૂંટ, અપહરણ અને હત્યા સહિતના ગુનાહિત કૃત્યોના પડછાયા ચારેબાજુ પ્રસરેેલા છે. હૈતીની આર્થિક હાલત એટલી ખરાબ છેે કે, હજુુ ઘણાની પાસે વીજળી જેવી પાયાની સુવિધા નથી કે, તેને ખરીદવાના નાણાં નથી. હજુુ બે વર્ષ પહેલા જ હૈતીના રાષ્ટ્રપ્રમુખની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ભૂકંપ અને તોફાની વાવાઝોડા હૈતીને સતત ધમરોળતા જ રહે છે. હવે જ્યારે પરિસ્થિતિ આટલી વિકટ હોય, ત્યારે ફૂટબોલની સુવિધાની તો વાત જ ક્યાંથી કરી શકાય ?
અનેક હાડમારીઓના ફટકા સહન કરતી હૈતીની પ્રજાએ તેના આનંદ માટે ફૂટબોલનો સહારો લીધો છે. ગલીઓમાં અને રસ્તાઓ પર રમાતું ફૂટબોલ તેની આગવી ઓળખ બન્યું છે અને આ જ ફૂટબોલને સહારે આજે તેમની મહિલા ટીમે વર્લ્ડકપમાં ક્વોલિફાય થવા સુધીની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. અસલામત વાતાવરણને કારણે હૈતીને તેની ઘરઆંગણાની ફૂટબોલ મેચની યજમાની પડોશી દેશ ડોમિનિકા રિપબ્લીકમાં યોજવી પડે છે. જોકે આંતરિક પરેશાનીથી ઘેરાયેલા હૈતીનો હાથ અમેરિકા અને ફ્રાન્સે ઝાલ્યો છે અને આ જ કારણે ત્યાંથી અનેક શરણાર્થીઓને આ બંને દેશોએ સ્વીકાર્યા છે. આ જ કારણે હૈતીના ફૂટબોલને વેગ મળ્યો.
ગરીબાઈ, ભૂખમરો, અસ્થિરતા અને ગેંગવોરના કારણેે કલુષિત થયેલા વાતાવરણમાં બાળકો અને યુવાનો સહજતાથી ગ્લેમરભર્યા દેખાતા ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે. આ બાળકો અને કિશોરોને ફરી વૈશ્વિક મુખ્ય પ્રવાહમાં વાળવા માટે સંયુક્ત રાષ્ટ્રના માર્ગદર્શનમાં ફ્રાન્સ અને અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ફૂટબોલની સ્કૂલો ચાલે છે. જ્યાં ફૂટબોલની તાલીમની સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા તેમજ યુરોપ-અમેરિકાની કલબોનો કોન્ટ્રાક્ટ પણ ઓફર કરવામાં આવે છે. છેલ્લા એક દશકથી ચાલી રહેલી આ પ્રવૃત્તિના ફળ સ્વરુપે જ હૈતીની મહિલા ટીમે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પોતાની હાજરીનો અહેસાર કરાવ્યો છેે. રસપ્રદ બાબત એ છે કે, તદ્દન ભિન્ન પૃષ્ઠભૂમિમાંથી આવેલી ખેલાડીઓ વચ્ચે સંવાદ સ્થાપવાનું કામ સૌથી પડકારજનક છે. ઘણી ખેલાડીઓ માત્ર અંગ્રેજી જ બોલે છે, તો કેટલાકને ફ્રેન્ચ અને બાકીનાને હૈતીની લોકભાષા ક્રેઓલ જ આવડે છે. જોકે, ફૂટબોલની સમજ અને હૈતીયન હોવાનો અહેસાસ આ ટીમને ભિન્નતા છતાં એક બનાવીને રાખે છેે. છેલ્લા કેટલાક સમયથી એક સાથે રહેવાના કારણેે હવે ખેલાડીઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે અને તેનો પ્રભાવ તેમની રમતમાં પણ જોવા મળે છે.
હૈૈતીની મહિલા ફૂટબોલની 23 ખેલાડીઓની ટીમમાંથી 15 ખેલાડી ફ્રાન્સમાં સ્થાયી થઈ છે અને ત્યાંથી જ ફૂટબોલ રમે છેે. જ્યારે બાકીની સાત ખેલાડી અમેરિકાની કલબ સાથે જોડાયેલી છે. એકમાત્ર સ્થેરિકોવ જોસેફ જ એવી ખેેલાડી છે, કે જે હાલમાં હૈૈતીમાં જ ફૂટબોલ રમે છે. ટીમના કોચ નિકોલસ ડેલેપીન પણ ફ્રાન્સની ગ્રેનોબ્લ કલબની સાથે જોડાયેલા છેે અને તેમના માર્ગદર્શનમાં જ ખેલાડીઓએ વર્લ્ડકપમાં ક્વોલિફાય થવાનું દુઃસાધ્ય લાગતું સ્વપ્ન સાકાર કર્યું છે. ફ્રાન્સ અને અમેરિકા તરફથી રમતી તમામ ખેલાડીઓ હૈતયન મૂળની છે, તેઓ ખુદ કે તેમના પિતા હૈતીમાં જન્મેલા છેે, પણ સમયાંતરે વધુુ સારી જિંદગીની તલાશમાં તેઓ અન્ય દેશમાં સ્થાયી થયા છેે અને હવે આ યુવા ફૂટબોલરો વર્લ્ડકપમાં રમીને ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રેન્કિંગમાં છેક 55માં ક્રમે સ્થાન ધરાવતી હૈતીની મહિલા ટીમની ડ્રીમ રન ફેબ્રુઆરીમાં જ શરુ થઈ. ન્યુઝીલેન્ડમાં રમાયેલા આંતર-ખંડીય વર્લ્ડકપ ક્વોલિફિકેશન મુકાબલામાં હૈતીને આફ્રિકન ટીમ સેનેગલ અને દક્ષિણ અમેરિકી ટીમ ચિલીની સાથે સ્થાન આપવામાં આવ્યું. નેરિલીયા મોન્ડેસરની આગેવાની હેઠળની ટીમે સેનેગલને 4-0થી અને ખરાખરીના મુકાબલામાં તેમના કરતાં હાયર રેન્ક ધરાવતા ચિલીને મેલ્ચી ડુમોરનાયના બે મહત્વના ગોલની મદદથી 2-1થી હરાવીને મહિલા વર્લ્ડકપમાં પહેલવહેલી વખત સ્થાન મેળવતા દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતુ.
વર્લ્ડકપમાં ભાગ લેનારી હૈતીની ટીમમાં સૌથી સિનિયર ખેેલાડી રોઝલોર્ડ બોર્જેલા છે, જે ફ્રાન્સની ડિજોન કલબ તરફથી રમે છે અને 25 મેચમાં 20 ગોલ ફટકારી ચૂકી છે. આ ઉપરાંત ટીમનો મદાર નેરેલિયા, બાચેલા લુઈસ તેમજ ગોલકિપર થેઅસ પર પણ ટકેલો છેે. હૈતી મહિલા વર્લ્ડકપ 2023માં ભાગ લેનારી એકમાત્ર એવી ટીમ છે કે, જેની પાસે કોઈ સ્પોન્સર્સ નથી. તેમને દેેશ તરફથી ફૂટબોલ રમવાનો એક પૈસો પણ મળતો નથી છતાં આ યુવા મહિલા ખેલાડીઓ વિવિધ પ્રકારની વિષમતા છતાં ફૂટબોલની રમત થકી તેમની જિંદગીને આગળ ધપાવી રહી છે અને તેમની સફળતા હૈૈતીના અનેક બાળકો અને કિશોરોની જિંદગીમાં અજવાળા પાથરી રહ્યો છે.
હૈતીની કેપ્ટન નેરિલીયા મોન્ડેસર કહે છે કે, અમને સૌથી વધુુ ખુશી એ વાત છે કે, આ સફળતાથી અમારા દેશના હજ્જારો બાળકોને એક નવી રાહ મળી છે. તેમના અંધકારમય બાળપણમાં ફૂટબોલ થકી એક નવી રોશનીનો ચમકારો થયો છે અને આ જ બાબત તેમને બંદુક પકડવાને બદલે ફૂટબોલર બનવાની રાહ પર આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે. હવે વર્લ્ડકપમાં પરિણામ ગમે તે આવે પણ હૈતીની મહિલા ફૂટબોલરોએ ફરી એક વખત એ વાતને સાબિત કરી દીધી છે કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો