મો બર્ગે : બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના બેસબોલ ખેલાડીએ ગુપ્તચર તરીકે અણધાર્યા કામ પાર પાડ્યા
રમતમાં એ તાકાત છે કે, તે ખેેલાડીના જીવનમાં આમૂલ પરિવર્તન આણી શકેે છેે. ખેલાડી બનવા માત્રથી વ્યક્તિને નિર્ણાયક ભૂમિકા ભજવવાની તક સાંપડે છે. તે તાળીઓ પાડનારા અને માત્ર બીજાનો જુસ્સો વધારનારા ટોળામાંથી અલગ થઈ જાય છે. આ જ કારણેે તેનામાં નેતૃત્વની સાથે સાથે તનાવની વચ્ચે પણ કૌશલ્યપૂર્વકની વિશેષતાનો ગુણ વિકાસ પામે છે. રોજિંદા જીવનમાં પણ બિન-ખેલાડી અને ખેલાડી હોય કે પછી એક સમયે ખેલાડી રહી ચૂક્યા હોય તેવા વ્યક્તિની કાર્યકુશળતામાં આભ-જમીનનો ફેરફાર જોવા મળતો હોય છે. આ જ કારણેે ખેલાડીઓ માત્ર ખેલના મેદાનમાં જ નહીં પણ જિંદગીમાં પણ અસાધારણ સિદ્ધિઓને હાંસલ કરી બતાવતા હોય છેે. આવી જ એ વિરલ ખેલ-પ્રતિભા મો બર્ગે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના ગુપ્તચર તરીકે પોતાનો જીવ જોખમમાં મૂકીને અસાધારણ અને અવિશ્વસનીય એવી સફળતા મેળવતા પોતાના દેશની સેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
યુક્રેનીયન મૂળના અમેરિકી બેસબોલ ખેલાડી મો બર્ગે રમતના મેદાનમાં તો જબરજસ્ત સફળતા હાંસલ કરી જ હતી. તેની સાથે-સાથે તેણે બીજા વિશ્વયુ્દ્ધ (1939-1945) દરમિયાન અમેરિકાના ગુપ્તચર તરીકે પણ દેશની સેવા કરી હતી. રમતનું મેદાન એ ખેલાડીમાં એક સૈનિકના પ્રારંભિક ગુણોનો વિકાસ કરેે છે અને આ જ બાબતના ઉદાહરણ તરીકે, અડધી સદી પહેલા વિદાય થઈ ચૂકેલા મો બર્ગને યાદ કરવામાં આવે છે. રહસ્ય અને રોમાંચથી ભરેલી કાલ્પનિક નવલકથાના નાયક જેવી જિંદગી જીવી ચૂકેલા મો બર્ગની કહાની હોલીવૂડ માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહી છે.
20મી સદીના ઉદયકાળમાં જ ન્યૂયોર્ક શહેેરમાં વસતા યુક્રેનિયન મૂળના બર્નાર્ડ અને રોઝના પરિવારમાં જન્મેલા મો બર્ગનું ખરુ નામ તો મોરિસ હતુ, પણ બાળપણમાં જ સાથી ખેલાડીઓ તેને મો તરીકેનું હૂલામણું નામ આપી દીધેલું અને આ જ નામ આજીવન તેની ઓળખ બની રહ્યું. ઘરની નજીક આવેલા બેસબોલના સ્ટેડિયમ તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાયેેલા મો બર્ગને રોઝવિલમાં રમતનું પ્રાથમિક શિક્ષણ મળ્યું. તેણે બેસબોલમાં કેચર તરીકેની વિશેષતાને વિકસીત કરી. જે પીચર એટલે કે થ્રો કરનારા ખેલાડીની સામે ઉભા રહેતા ફટકાબાજની પાછળ ઉભો રહેતો હોય છે અને શોટ ફટકારી રહેલા ખેલાડીને કેવી રીતે આઉટ કરવો તેનો સાંકેતિક ઈશારો પીચરને કરતો હોય છે. આ ઉપરાંત પાવરફૂલ થ્રોને ઝીલવાની તેમજ ઝડપથી બોલને થ્રો કરવાની કુશળતા પણ તેનામાં હોવી અત્યંત જરુરી છે.
બેસબોલના ખેલાડી તરીકેની કુશળતાની સાથે સાથે મો બર્ગને વાંચનનો જબરજસ્ત શોખ હતો. તે જ્યારે મેદાન પર ન હોય ત્યારે ગ્રંથાલયમાં અચૂક જોવા મળે. સામાન્ય રીતે રમતવીરોને પુસ્તકોની સાથે દોસ્તી ભાગ્યે જ હોય છે અને મો પણ આવો જ એક અપવાદ હતો. શાળાજીવન પુરું કર્યા બાદ મો એ ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધુ, પણ ભાગ્ય તેને પ્રિન્સટન યુનિવર્સિટી લઈ ગયું અને અહીંથી જ તેની અમેરિકાની મેજર લીગની કારકિર્દીનો પ્રારંભ થયો. આ યુનિવર્સિટીમા મો એ વિનયન પ્રવાહમાં લેટિન, ગ્રીક, ફ્રેન્ચ, સ્પેનિશ, ઈટાલિયન, જર્મન અને સંસ્કૃત ભાષામાં અભ્યાસ પણ શરુ કર્યો.
સૌથી પહેલા મો ને અમેરિકન બેસબોલ લીગમાં બ્રૂકલીન રોબિન્સે કરારબદ્ધ કર્યો. બે વર્ષ સુધી રોબિન્સના કેચર તરીકે નામના મેળવનારા મો એ તેની કારકિર્દીમાં શિકાગો વ્હાઈટ સોક્ષ, ક્લેવલેન્ડ ઈન્ડિયન, વોશિંગ્ટન સેનેટર અને બોસ્ટન રેડ સોક્ષ જેવી ટીમો તરફથી 16 વર્ષ સુધી તેની પ્રતિભાનો ચમકારો દેખાડ્યો. જોકે, તેની પ્રતિભા બેસબોલમાં એક સરેરાશ ખેલાડી તરીકેની રહી હતી. આમ છતાં ટીમમાં તેનું સ્થાન મહત્વનું હતુ અને તેેની કુશળતાએ જ ટીમને નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. જોકે, ખેલાડી તરીકેની કુશળતાની સાથે પુસ્તકોની દોસ્તીએ મો ના બૌધ્ધિક સ્તરને સાધારણ ખેલાડી કરતાં આગવી ઊંચાઈએ પહોંચાડી હતી. તેનામાં રાષ્ટ્રભાવના પણ ઠાંસી-ઠાંસીને ભરી હતી.
અમેરિકાની મેજર લીગ બેસબોલના ઓલસ્ટાર ખેલાડીઓની એક ટીમે 1932માં જાપાનનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં મો બર્ગ પણ સામેલ હતો. બે વર્ષ બાદ ફરી ઓલ સ્ટાર ટીમ ટોકિયાની મુલાકાતે પહોંચી ત્યારે પણ બર્ગને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં બેબ રુથ અને લોઉ ગેહરિક જેવા ધુરંધરો પણ બર્ગની સાથે હતા. બીજા વિશ્વયુદ્ધના પડઘમ વાગવા લાગ્યા હતા અને જાપાન અમેરિકાના દુઃશ્મન દેશોનો સાથ આપે તેવી પૂરેપૂરી શક્યતા હતી. આ સમયે બેસબોલ ટીમની સાથે જાપાન પહોંચેલા મો બર્ગે અમેરિકી રાજદૂતની પુત્રીની ખબર કાઢવાના બહાને ટોકિયોની હોસ્પિટલમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં ધાબા પર ચઢીને ચારેબાજુની ભૌગોલિક સ્થિતિનો વિડિયો ઉતારી લીધો. તે સમયે જાપાનમાં વિદેશીઓ તસવીરો ખેંચી શકતા નહતા. જોકે, મો એ તેના કપડામાં કેમેરો છુપાવીને આ તસવીરો લીધી. જે સ્વદેશ પરત ફર્યા બાદ અમેરિકન ગુપ્તચર સંસ્થાને પુરી પાડી.
અમેરિકાની જાસુસી સંસ્થા કે જે આજે સીઆઈએ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન) તરીકે ઓળખાય છે, તે દ્વિતિય વિશ્વયુદ્ધ પહેલા અને દરમિયાન ઓએસએસ (ઓફિસ ઓફ સ્ટેટેજીક સર્વિસ)ના નામે ઓળખાતી. એક બેસબોલના ખેલાડીની દેશના હિતમાં પોતાનો જીવ જોખમમાં મુકીને ઝડપેલી તસવીરો જોઈએ ઓએસએસના વિલિયમ ડોનોવલ કે જે વાઈલ્ડ બિલ તરીકે ઓળખાતા તેઓ ખુબ જ પ્રભાવિત થયા. તેમણે મો વિશે વધુ માહિતી મેળવી, ત્યારે તેમને તેની બહુભાષીય કુશળતાનો પણ ખ્યાલ આવ્યો અને આ જ કારણેે તેમણે તેને ઓએસએસમાં ગુપ્તચર તરીકે જોડાવાની ઓફર કરી, જેને મો એ તરત સ્વીકારી લીધી.
મો બર્ગે ધીરે ધીરે વધુ ભાષાઓ પર પકડ મેળવવા માડી અને એક તબક્કે તેણે જુદી-જુદી 12 ભાષામાં વાત કરવાની કુશળતા મેળવી લીધી. જર્મન વિજ્ઞાનીઓ અણુ બોમ્બ બનાવવામાં કેટલા આગળ વધ્યા છે, તે જાણવાની ભારે ઈંતેજારી અમેરિકાને હતી અને તેમણે આ મિશનમાં કામે લગાડેલા અનેક ગુપ્તચરોમાં મો બર્ગ પણ સામેલ હતો. જેણે ધીરે ધીરે ભૌતિક શાસ્ત્રમાં રસ લેવાનું શરુ કર્યું અને ત્યાર બાદ અમેરિકન વિજ્ઞાનીઓની મદદથી યુરોપમાં છુટા-છવાયા કામ કરી રહેેલા કેટલાય વિજ્ઞાનીઓને અમેરિકાના પ્રોજેક્ટોમાં જોડાવા માટે રાજી કરી લીધા હતા. જેમાં એક જાણીતું નામ એન્ટોનિયો ફેરીનું પણ હતુ. ઈટાલીના વિજ્ઞાનીએ મો બર્ગે અમેરિકાના સુપરસોનિક વિમાનના પ્રોજેક્ટમાં સામેલ કરવામાં સફળતા મેળવી, ત્યારે તત્કાલીન વડાપ્રધાન વિન્સેન્ટ ચર્ચીલે મો બર્ગની સિદ્ધિને બેસબોલની ભાષામાં આવકારતા કહ્યું હતુ કે, આઈ સી ધેટ મો ઈઝ સ્ટીલ કેચિંગ વેરી વેલ. (હું જોઈ શકું છું કે મો હજુ સારી રીતે કેચ કરી શકે છે)
બર્ગની જાસુસ તરીકેની કારકિર્દીમાં સૌથી મહત્વનું કામ જર્મન વિજ્ઞાની વોર્નર હૈન્સબર્ગ અંગે સોંપવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનનોમાં પણ બે ભાગ હતા. કેટલાક નાઝીના સમર્થકો હતા, તો કેટલાક ઉદારમતવાદીઓ પણ હતા. આ બંનેમાં ભેદ કરવો અમેરિકા સહિતના દેેશો માટે કપરું કામ હતુ. હૈન્સબર્ગ એક વ્યાખ્યાન આપવા માટે સ્વિત્ઝર્લેન્ડ આવ્યા હતા અને મો બર્ગ ત્યાં વિદ્યાર્થી બનીને પહોંચ્યો હતો. તેને વડાપ્રધાન પાસેથી સીધો આદેશ મળેલો કેે વ્યાખ્યાન દરમિયાન જો તેને લાગે કે, આ જર્મન વિજ્ઞાની અણુબોમ્બ બનાવવાની નજીક છે, તો તેને તરત જ ઠાર મારવો.
જર્મન ગુપ્તચરોથી ઘેરાયેલા હૈન્સબર્ગ સાથે વાત કરવી મો બર્ગ માટે પડકારજનક હતુુ, પણ તે જુદી-જુદી ભાષા કુશળતાથી બોલી શકતો અને આ જ કારણે જર્મનો તેેની અમેરિકન તરીકેની ઓળખ જાણી ના શક્યા. તેણે હૈન્સબર્ગની વ્યાખ્યાનમાળામાં ભાગ લીધો. જોકે તેને ત્યારે લાગ્યું કે, જર્મની પાસે હજુ અણુબોમ્બની ટેેક્નોલોજી નથી અને જ કારણે તેણે તેમને જવા દીધા. આખરે વિશ્વયુદ્ધ પુરુ થયું તે પછી હૈન્સબર્ગે અમેરિકા અને મિત્રદેશોની મદદ કરી અને જર્મનીની લેબોરેટરીઓની વિગતો પુરી પાડી. વિશ્વયુદ્ધની સમાપ્તની બાદ મો બર્ગે પણ રાજીનામું આપી દીધું અને કોઈ પણ નોકરીમાં ના જોડાવાનો નિર્ણય લીધો.વિશ્વયુદ્ધમાં પ્રશંસનીય કામગીરી બદલ મો બર્ગને મેડલ ઓફ ફ્રીડમ આપવાની જાહેરાત થઈ. જોકે રહસ્યમય કારણોસર તેણે તે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને આજીવન તેનું કારણ કોઈને જાહેર ના કર્યું.
ગુપ્તચર તરીકેની તેની વિશિષ્ટ સિદ્ધિઓ અને અસાધારણ જ્ઞાનને કારણેે તેને યુનિવર્સિટી સહિત ઘણી જગ્યાએ વ્યાખ્યાનો માટે બોલાવવામાં આવતો. આજીવન લગ્નના બંધનમાં ન બંધાયેલા મો બર્ગેે પોતાની ઉત્તરાવસ્થા સેમ્યુઅલ સાથે ગાળી, જે વ્યવસાયે તબીબ હતો. જોકે તેની સાથે ઝઘડો થતાં તે બહેન એથલની પાસે ન્યૂ જર્સીના બેલેવિલમાં પહોંચી ગયો, જ્યાં તેણેે અંતિમ શ્વાસ લીધા. એક બેેઝબોલ ખેલાડીમાંથી ગુપ્તચર બનીને અણધાર્યા ટાસ્ક પુરા કરનારા મો બર્ગની જિંદગી આજે પણ રમતવીરો અને જાસુસો માટે પ્રેરણારુપ બની રહી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો