ઉત્તર કોરિયાનો પ્રતિભાશાળી ફૂટબોલર રાતોરાત ગાયબ થઈ ગયો
ચારેબાજુ સીસીટીવીથી માંડીને મોબાઈલ કેમેરાના લેન્સનું સામ્રાજ્ય પ્રસરી ચૂક્યું છે, ત્યારે ભાગ્યે જ કોઈ ઘટના કે સેલિબ્રીટીઝ તેનાથી પોતાની ઓળખને છુપાવી શકે છે. તેમાંય ઈન્ટરનેટના દરિયામાં તરત વિશાળકાય જહાજો જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર તો દેશ-દુનિયાથી માંડીને જાણીતા અને અજાણ્યાઓની પ્રોફાઈલ્સ અને વિડિયોનો અવિરત પ્રવાહ વહ્યા કરતો હોય છેે. એક સમયે દુનિયા માટે જે કલ્પનાનો વિષય હતું, તે ગ્લોબલ વિલેજ આજે પ્રત્યેક વિશ્વનાગરિકને માટે સહજ સુલભ બન્યું છે. જોકે હજુુ પણ કેટલાક એવા દેશો છે કે,જ્યાંના સત્તાધીશો તેમની પ્રજાને વૈશ્વિક પ્રવાહમાં ભળવા દેવા માંગતા નથી, તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, જો તેઓને દુનિયામાં અન્ય દેશોના નાગરિકોની સ્વતંત્રતાનો પવન અડી જાય તો એક નવો નજજુવાળ સર્જાય અને વર્ષોથી રાજ કરનારાના મૂળિયા હલી જાય.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરના ઢગલાબંધ નિયંત્રણો ધરાવતા દેશોમાં નોર્થ કોરિયા મોખરે છે. તાનાશાહ કિમ જોંગ ઉનના શાસન હેઠળના નોર્થ કોરિયામાં નાગરિકોની આઝાદી એ શાૅ-કેસમાં મુકેલા પુતળા જેવી - બહારની દુનિયાને દેખાડવા પુરતી છે, પણ અંદરખાને પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે અને તેનો અહેસાસ ઈટાલીમાં નોર્થ કોરિયન ફૂટબોલર હાન ક્વાંગ સોંગની સાથે રહેનારા ફૂટબોલરો અને કોચિસને ખુબ જ સારી પેઠે છે.
યુરોપીયન ફૂટબોલ એટલે દુુનિયાભરના દેશો અને જાતિઓનો શંભુમેળો. જોકે ત્યાં પણ નોર્થ કોરિયાનો ખેલાડી હાન ક્વાંગ સોંગ ભારે આકર્ષણ અને ઈંતેજારીનું કેન્દ્ર બનેલો.બાળપણથી જ ચહેરા પર સ્મિત રેલાવવાની પાડવામાં આવેલી આદત અને પ્રત્યેક શબ્દ જોખી-જોખીને બોલવાની ટેવને કારણ ઘણા વર્ષો સુધી સાથે હાન ક્વાંગ સોંગની સાથે રહેવા છતાં ઈટાલીની કાગ્લીએરી તેમજ પેરુજીયાના ખેલાડીઓ અને કોચીસ પણ તેના પરિવારથી તેમજ નોર્થ કોરિયામાં તેના બાળપણના જીવન વિશે સાવ અજાણ છે, જેે બાબત જ ભારે આશ્ચર્ય જન્માવે તેવી છે.
સોંગ નોર્થ કોરિયાનો એવો પહેલો ફૂટબોલ ખેલાડી હતો, કે જેને યુરોપીયન લીગમાં પ્રોફેશનલ પ્લેયર તરીકેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેની ઝડપી રમત અને તેના આક્રમક મિજાજને જોતા ઈટાલીની ટોચની ફૂટબોલ લીગની કલબ યૂવેન્ટસે પણ જંગી રકમનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે યૂવેન્ટ્સમાં જોડાનારો સૌપ્રથમ એશિયન ખેલાડી બન્યો. જોકે આશ્ચર્યની બાબત એ રહી કે, યુવેન્ટસે સોંગને કરારબદ્ધ કર્યો તેની સાથે જ તેને કતરની કલબ અલ-દુહાઈલને વેચી દીધો. યૂવેન્ટસ જેેવી ટોચની કલબનો આ નિર્ણયની સામે ઘણા પ્રશ્નો પણ સર્જાયા. જોકે, એક આખી સિઝન તે કતરની પ્રોફેશનલ લીગમાં રમતો રહ્યો. અલબત્ત, નોર્થ કોરિયાએ કરેલા પરમાણુ પરિક્ષણને પગલે સંયુક્ત રાષ્ટ્ર સંઘે યુરોપ સહિત દુનિયાભરમાં વસતા તમામ નોર્થ કોરિયનોને એક પણ રુપિયો ન ચૂકવવાનો આદેશ કર્યો. સંયુક્ત રાષ્ટ્રને શંકા હતી કે, નોર્થ કોરિયાની સરકાર વિદેશોમાં વસતા નાગરિકોની કમાણીનો ઉપયોગ તેમના પરમાણુ પરિક્ષણમાં કરી રહ્યા છે.
યુએનના આદેશને પગલે સોંગે કતારની કલબ અલ-દુહાઈલને તેમજ તેની બેન્કને લેખિતમાં સૂચના આપી કે, તેેના ખાતામાંથી કોઈ રકમ નોર્થ કોરિયામાં ટ્રાન્સફર કરવી નહી. જોકે, યુએને ભીંસ વધારતાં કતરમાં તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો. વળી, આ દરમિયાન કોરોના ફાટી નિકળતાં નોર્થ કોરિયાએ તેની સરહદો સીલ કરી દીધી. જેના કારણે સોંગની પાસે ઈટાલી પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નહતો. છેલ્લે 2021માં તેણે કતરના દોહાથી ઈટાલીના રોમનો પ્રવાસ કર્યો હોવાનો સત્તાવાર દસ્તાવેજ છે, પણ ત્યાર બાદ હજુ તેનો કોઈ પત્તો ખાધો નથી. ઘણા માને છે કે, રિકોનિસન્સ ઓફ જનરલ બ્યૂરો કે જે નોર્થ કોરિયાની ગુપ્તચર સંસ્થા છેે, તેઓ જ સોંગને ઈટાલીથી પાછો નોર્થ કોરિયા લઈ ગયા છે અને ત્યાં સરકારની વિરુદ્ધ કામ કરવાના આરોપસર તેને મજૂરીની સજા ફટકારવામાં આવી છેે. સોંગ જીવે છેે કે, નહીં તેનું પણ કોઈ પ્રમાણ હજુ સુધી મળ્યું નથી. વળી, સોંગના ક્ષેમકુશળ અંગે તપાસ કરવા સુદ્ધાંની ફુરસદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ કે પછી તેની કોઈ કલબને મળી નથી.
નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં સાધારણ પરિવારમાં જન્મેલા સોંગની ફૂટબોલર તરીકેની પ્રતિભાનો વિકાસ પણ રસપ્રદ છે. સોંગ પણ નોર્થ કોરિયાના અન્ય રાષ્ટ્રપ્રેમીઓને જેમ સૈન્યનો જવાન બનીને કે પછી રાતદિવસ માત્ર રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ ઉનના ગુણગાન ગાતું એક રમકડું બનીને રહી જાત, પણ કુદરતે તેના માટે કંઈક અલગ વિચારી રાખ્યું હતુ. સોંંગ જ્યારે 13 વર્ષનો હતો, ત્યારે જ કિમ જોંગ ઉને સત્તા સંભાળી. કિમ જોંગ ઉન જાણતા હતા કે, નોર્થ કોરિયા રાતોરાત તો આર્થિક-સામાજીક રીતે યુરોપીયન અગ્રણી દેશોની હરોળમાં પહોંચી શકે તેમ નથી. પોતાના લોકોને વિકાસનો અહેસાસ કરાવવા માટેે તેમણે સ્પોર્ટસને પોતાની માપપટ્ટી બનાવવાનું નક્કી કર્યું અને પ્યોંગયાંગમાં જ યુવા ખેલાડીઓ માટેની એક ફૂટબોલ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉભી કરી, જેમાં સોંગ સહિતના ઘણા ખેલાડીઓને સામેલ કર્યા.
વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરવા કિમ જોંગ ઉને ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફા - ના કેટલાક ઓફિશિઅલ્સને પ્યોંગયાંગની મુલાકાતે બોલાવ્યા અને તેમના દેશના યુવા ખેેલાડીઓને તાલીમ માટે યુરોપની એકેડમીમાં સ્થાન આપવા માટે રજુઆત કરી. આ પ્રોગ્રામ હેઠળ જ સોંગને સ્પેનના બાર્સેલોનાની માર્સેટ એકેડમીમાં તાલીમ માટે મોકલવામાં આવનારા 15 ખેલાડીઓમાં સ્થાન મળ્યું. એકાદ વર્ષ સ્પેનમાં રહ્યા બાદ તે નોર્થ કોરિયા પાછો ફર્યો અને ચોબાયોંગ એફસીમાં પાછો ફર્યો. માત્ર 16 વર્ષની ઉંમરે જ સોંગે તેની ફૂટબોલર તરીકેની કુશળતા દેખાડતા ચિલીમાં 2015માં રમાયેલા ફિફા અંડર-17 વર્લ્ડકપમાં નોંધપાત્ર દેેખાવ કરી બતાવ્યો હતો. આ દરમિયાન જ નોર્થ કોરિયાના કિમ જોંગ ઉનના ખાસ મિત્ર અને ઈટાલીયન સેનેટર એન્ટોનિયો રૅઝી વચ્ચે એક મિટિંગ થઈ, જેના ફળ સ્વરુપે નોર્થ કોરિયાના ખેલાડીઓને મૌરા કોસ્ટોરેનાની આઈએસએમ ફૂટબોલર એકેડમીમાં ટ્રેનિંગ માટે મોકલવાનું નક્કી થયું. આ પસંદ થયેલા ખેલાડીઓમાં સોંગ અને ચો પણ હતા.
સખ્ત જીવનશૈલીમાં ઘડાયેલા સોંગ અને ચો ઝડપથી ઈટાલીયન શૈલીમાં ઢળી ગયા. કેગ્લીઆરીમાં સોંગના એક સમયના સાથી નિકોલસ પેનિંગ્ટને કહ્યું કેે, હું ઘણીવખત તેને નોર્થ કોરિયા વિશે, તેના પરિવારના વિશે પૂછતો, પણ તે કશુ બોલતો જ નહીં. તેના ચહેરા પર ગમગીની અને આંખોમાં ડર સ્પષ્ટ જોઈ શકાતો. આથી, હું તેને કશુ પૂછવાનું ટાળતો. સોંગની પ્રતિભાથી પ્રભાવિત થયેેલા કપ વિજેતા માર્કો મેટેરાઝીએ પણ તેને મદદ કરી. તે કાગ્લીએરીથી પેરુજીયામાં જોડાયો,ત્યારે તેને એક રેડિયોના ટોક શાૅમાં આમંત્રણ મળ્યું. તે શાૅમાં ભાગ લેવા માટે મિલાન સ્થિત રેેડિયો સ્ટેશને પણ પહોંચી ગયો હતો. જોકે ઈન્ટરવ્યૂ શરુ થાય તે પહેલા જ પ્યોંગયાંગથી કોઈ ઉચ્ચ અધિકારીનો ફોન આવ્યો અને સોંગે કોઈ પણ કારણ આપ્યા વિના જ રેડિયો સ્ટેશન છોડી દીધું. નોર્થ કોરિયાના ખેલાડીઓ તો શું નાગરિકો પણ યુરોપ કે અન્ય દેશોના પ્રવાસે હોય, ત્યારે ટીવી-રેડિયો પર ઈન્ટરવ્યૂ આપી શકતાં નથી અને જો કોઈ આદેશનો ભંગ કરે તેને તત્કાળ સ્વદેશ બોલાવી લેવાય છે, જે પછી તેની ભાળ પણ મળતી નથી.
સોંગની પ્રતિભામાં ઈંગ્લીશ પ્રીમિયર લીગની લીવરપૂર, આર્સેનલ, માંચેસ્ટર સિટી તેમજ એવર્ટન જેવી કલબોએ રસ દાખવ્યો હતો, પણ બ્રિટીશ સરકાર કોઈ નોર્થ કોરિયનને તેની ફૂટબોલ લીગમાં ઈચ્છતી નહતી અને આખરે આ અંગેની વાટાઘાટો પ્રારંભિક તબક્કે જ રહી ગઈ હતી. જોકે ઈટાલીયન લીગમાં સફળતાની સીડીઓ ચઢી રહેલા સોંગને તેેના દેેશનું પરમાણુ પરિક્ષણ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સજા નડી ગઈ અને આ બે આખલાના યુદ્ધમાં એક પ્રતિભાશાળી ખેલાડીની કારકિર્દી ખેદાન-મેદાન થઈ ગઈ.
કેટલાક જાણકારો માને છે કે, સોંગ હજુ પણ ઈટાલીમાં જ નામ બદલીને વસવાટ કરી રહ્યો છેે. જોકે તે હવે ક્યારેય ફૂટબોલ રમી શકે તેમ નથી કે, પછી જાહેરમાં પણ આવી શકેે તેેમ નથી, નહીંતર નોર્થ કોરિયા તરત જ તેને સ્વદેશ પાછો બોલાવીને તેને આકરી સજા ફટકારી દે તેવો ભય પણ સેવાઈ રહ્યો છે. વર્ષ 2021માં દોહાથી રોમ જતાં વિમાનમાં બેઠેલો સોંગ આકાશમાં ક્યાં ઓઝલ થઈ ગયો તે કોઈ જાણતું નથી. રોમ એરપોર્ટ પર પણ તેના ઉતરવા અંગેનો કોઈ રેકોર્ડ મળી શક્યો નથી. નોર્થ કોરિયાની સિનિયર ટીમ તરફથી 10 અને કલબ ફૂટબોલમાં 70 જેટલી મેચ રમી ચૂકેલો હાન ક્વાંગ સોંગ આજે પણ ફૂટબોલ જગત અને દુનિયા માટે એક કોયડો બની રહ્યો છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો