યોનાસ વિનિગો માછીમારી કરીને કમાયેલા નાણાંથી સાઈક્લિંગની પ્રતિષ્ઠિત ટુર ડી ફ્રાન્સમા ચેમ્પિયન બન્યો


દરેકની જિંદગીની રાહમાં અણધાર્યા અને અદ્રશ્ય પડકારની એક આખી ફોજ ઉભી જ હોય છે. જ્યારે કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટેની સફર શરુ થાય છે, ત્યારે જ આ વિઘ્નો નજરની સામે દેખાવા લાગેે છે. આમ પણ ઘરમાં બેસી રહેનારને કશું હાંસલ થતું નથી અને પ્રવાસનું જ બીજું નામ અગવડ છે, જે વ્યક્તિનું ઘડતર તો કરેે જ છે, સાથે સાથેે આવનારી વિપત્તીનો સામનો કરવાની હિંમત અને કુશળતાનો પણ વિકાસ કરેે છેે. જેના કારણે બીજાને માટે અશક્ય લાગતા પડકાર પણ સરળતાથી પાર કરવાની આવડત કેળવી શકાય છે. જેમ વિઘ્ન દોડનો ખેલાડી તેની લેનમાં આવતા વિઘ્નોને પલકવારમાં પાર કરી દે, તેવી જ રીતેે જેમની નજર વિજય રેખાની પાર રાહ જોઈ રહેલા સુવર્ણચંદ્રક પર મંડાયેલી હોય, તેઓને કોઈ વિઘ્ન અટકાવી શકતું નથી. 

ફ્રાન્સ સહિત સ્પેન, બેલ્જીયમ, ઈટલી અને જર્મની એમ યુરોપના પાંચ દેેશોને આવરી લેતી અને એક સદીથી પણ લાંબો ઈતિહાસ ધરાવતી અત્યંત પડકારજનક અને પ્રતિષ્ઠિત એવી સાઈક્લિંગ રેસ - ટુર ડી ફ્રાન્સમાં ડેનમાર્કના 25 વર્ષના યોનાસ વિનિગોએ સતત બીજા વર્ષે સફળતા મેળવી. આ સાથે યોનાસ ટુર ડી ફ્રાન્સના 110 વર્ષના ઈતિહાસમાં બે વખત ટાઈટલ જીતનારા ડેનમાર્કના સૌપ્રથમ સાઈક્લિસ્ટ તરીકે રેકોર્ડ બુકમાં સુવર્ણાક્ષરે તેનું નામ અંકિત કરી દીધું છે. સફળતા હાંસલ કરવી સહેલી છે, પણ જ્યારે આખી દુનિયાની નજર તમારી પર હોય અને તમને પાછળ પાડવા માટેની ખાસ વ્યુહરચના ઘડાતી હોય, ત્યારે પણ પોતાની શ્રેષ્ઠતાને ટકાવી રાખવી એ મોટો પડકાર છે. જોકે, યોનાસ અને તેની ડચ ટીમ જમ્બો-વિસ્મોએ ફરી એક વખત ટુર ડી ફ્રાન્સના વિજય સાથે સાબિત કરી દીધું છે કે, અમે હજુ પણ દુનિયા કરતાં આગળ છીએ.

ખુલ્લા મેદાનો, વૃક્ષોથી ઘેરાયેલા આંટીઘૂંટીવાળા રસ્તાથી લઈને સ્પેનની ગ્રેટ પેરેનીસ અને ફ્રાન્સની આલ્પસ પર્વતમાળાના ચઢાવો અને ઢોળાવો પર માનવીય ક્ષમતાની આકરી કસોટી કરતી ટુર ડી ફ્રાન્સની સફળતા એ સાઈક્લિંગને આયર્ન મેન સાબિત કરવાથી કમ નથી. 21 દિવસ અને 3,500 કિલોમીટરની લાંબી સફરને જુદા-જુદા તબક્કામાં પસાર કરતા 22 ટીમના સાઈક્લિસ્ટો પર અકસ્માતથી બચવાની સાથેે ઝડપીને જાળવી રાખવાનો પડકાર હોય છે અને આ કસોટીમાં પાસ ઉતરનારા સ્પર્ધકો વચ્ચેની હરિફાઈ છેવટ સુધી ટકી રહેનાર જ ચેમ્પિયન બની શકે છે. 

યોનાસ વિનિગોએ ધીમા પણ મક્કમ પગલે છેેલ્લા ત્રણ વર્ષથી ટુર ડી ફ્રાન્સમાં આગવું પ્રભુત્વ જમાવ્યું છે. બે વર્ષ અગાઉ જ્યારે સ્લોવેનિયન રેસર ટાડે પોગાચારે બીજી વખત ટાઈટલ જીત્યું, ત્યારે જ તેણે યોનાસને ભારે સંઘર્ષ બાદ હરાવ્યો હતો. જોકે યોનાસે તે અનુભવ બાદ પોતાની કુશળતા અને ટીમની વ્યુહરચનાને સતત બહેતર બનાવતા છેલ્લા બે વર્ષથી પોગાચારને મહાત આપીને ટ્રોફી જીતવામાં સફળતા હાંસલ કરી. ગત વર્ષે તો ટુરના 21માંથી 10 રાઉન્ડ પુરા થયા બાદ યોનાસે સરસાઈ મેળવી હતી, જે છેવટ સુધી જાળવી રાખી હતી. આ વખતે તેણે પ્રભુત્વનો વિસ્તાર કરતાં પાંચ રાઉન્ડ બાદ જ રેસમાં ઓવરઓલ સરસાઈ ધરાવતા સાઈક્લિસ્ટને મળતી પીળી જર્સી મેળવી લીધી હતી, જે છેવટે તેની ચેમ્પિયન તરીકેની ઓળખ બની રહી. 

ડેનમાર્ક જ નહી, વિશ્વના સાઈક્લિંગના ઈતિહાસમાં પોતાનો આગવો પ્રભાવ પાડનારા યોનાસે તેની ખેલાડી તરીકેની પ્રતિભાને તો સખત મહેનતને સહારે ઘડી છેે, સાથે સાથે અત્યંત ખર્ચાળ એવી આ રમત માટેના ફંડની વ્યવસ્થા પણ જાતે જ નોકરી કરી છે. કારિના અને ક્લાઉસ રાસમુસેેનના મોટા પુ્ત્ર યોનાસનો જન્મ જુટલેન્ડના થાય જિલ્લાના હિલરસ્લેવ નામના દરિયાકાંઠાના નાનકડા શહેરમાં થયો હતો. જૂજ જનસંખ્યા અને મર્યાદિત વિકલ્પોની વચ્ચે ઉછરેલા યોનાસે બાળપણમાં ફૂટબોલ, હેન્ડબોલ, સ્વિમિંગ તેમજ બેડમિંટન જેવી રમતોમાં હાથ અજમાવ્યો હતો. યોનાસની સાથે તેની નાની બહેન મિશેલ પણ સ્પર્ધામાં ઉતરતી. 

યોનાસ માટે દરેક રમત માત્ર સમય પસાર કરવાનું સાધન હતુ. જેમાં થોડા સમય બાદ તેને ધીરે-ધીરે કંટાળો આવવા લાગ્યો. આ સમયે કારિના અને ક્લાઉસે તેના પુત્રને સાઈક્લિંગ તરફ વાળવાનો પ્રયાસ કર્યો. ડેનમાર્કમાં ઓવરઓલ સાઈક્લિંગનો વ્યાપ ખુબ જ હતો અને રાષ્ટ્રીય સ્તરે ટુર ઓફ ડેેનમાર્ક નામની સાઈકલ રેસ યોજાતી. ઘણી વખત સ્પર્ધાનું આયોજન પણ નવા ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સાબિત થાય છે. માત્ર 10 વર્ષની ઉંમરે ટુર ઓફ ડેનમાર્કમાં સ્પર્ધકોને સાઈક્લિંગ કરતાં જોયા બાદ યોનાસ પણ તે તરફ આકર્ષાયો અને તેને સ્થાનિક સાઈક્લિંગ કલબમાં તેને પ્રવેશ મળી ગયો. સાઈક્લિંગની સૌથી સારી બાબત એ હતી કે, યોનાસને તેમાં ખુબ જ મજા આવતી. 

થોડા વર્ષો બાદ પરિવારની સાથે ક્રોએશિયા ગયેલા યોનાસને પર્વતીય ચઢાણ પર સરળતાથી આગળ વધતો જોઈને કારિના અને ક્લાઉસ દંગ રહી ગયા. માત્ર 12 વર્ષની વયે સાઈક્લિસ્ટ તરીકેની યોનાસની આવડતને જોયા બાદ તેના માતા-પિતાએ તેની પવર્તીય સાઈક્લિંગની ટ્રેનિંગ પર વિશેેષ ધ્યાન આપ્યું. દર વેકેશનમાં કારિના તેના બાળકોને લઈને હિલસ્ટેશન પર માત્ર સાઈક્લિંગ કરાવવા જતી. આમ કરતાં કરતાં જ યોનાસ હાઈ-એટીટ્યૂૂટ સાઈક્લિંગમાં નિષ્ણાત બનવા માંડ્યો, જે પછી ખુલ્લા મેદાનમાં સાઈક્લિંગ કરવું તેના માટે રમત વાત થઈ પડી.


ડેનમાર્કમાં રાષ્ટ્રીય સ્તરે યોનાસ વિનિગાનોની પ્રતિભા ચમકવા માંડી હતી અને તેની આશાસ્પદ કારકિર્દીને જોતા ડેનમાર્કની પ્રોફેશનલ સાઈક્લિંગ ટીમ કોલો-ક્વીક કલ્ટે 19 વર્ષના નવયુવાનને કોન્ટ્રાક્ટ ઓફર કર્યા. જોકે કોન્ટ્રાક્ટની રકમ એટલી મોટી નહતી કે, જેનાથી યોનાસની જિંદગીની સાથે સાઈક્લિંગ કારકિર્દીનો ખર્ચો નીકળી શકે. દરિયાકાંઠે વસેલા થ્રીસ્ટલ શહેરમાં માછીમારીનો વ્યવસાય બહોળા પ્રમાણમાં પ્રસરેલો હતો યોનાસ પણ એક માછીમારી કરતી કંપનીમાં જોડાઈ ગયો. જ્યાં વહેલી સવારથી બપોર સુધી કામ કરતો અને ત્યાર બાદ થોડો આરામ કર્યા પછી બપોરથી મોડી સાંજ સુુધી તે સાઈક્લિંગની પ્રેક્ટિસ કરતો. માછીમારી કરતાં-કરતાં તેણે તેની કારકિર્દીને ઘડવા માટેના નાણાં પણ એકઠા કર્યા.

વળી, કોલો-ક્વીન ક્લટ ટીમ પ્રોફેશનલ સાઈક્લિંગની કેટલીક ટીમોની સાથે જોડાયેલી હતી અને તેનો લાભ પણ યોનાસ વિનેગોને મળ્યો. સંઘર્ષના આ સમયમાં જ્યારે દુનિયા તેને નહતી જાણતી તે સમયે ટ્રીના મારિયા હાન્સેનનો તેની જિંદગીમાં પ્રવેશ થયો અને થોડા સમયની દોસ્તી બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા. ટ્રીનાએ જ યોનાસના માર્કેટિંગ મેનેજરની જવાબદારી ઉઠાવી લીધી. માછીમારી કરતી કંપનીમાં જ યોનાસની સાથે માઈકલ વેલ્ગ્રેન પણ કામ કરતો અને તે પણ સાઈક્લિટ જ હતો. બંને કામમાં અને સાઈક્લિંગમાં એકબીજાને મદદ કરતાં.

એક સમયે માઈકલ વેલ્ગ્રેનના દોસ્તે તેને એક ફોન નંબર આપ્યો અને કહ્યું કે, આ ડચ ટીમ જમ્બો-વિસ્માના ઓફિશિ્અલનો નંબર છે. તેમને સારા સાઈક્લીસ્ટની તલાશ છે, તો તું ટ્રાય કર. માઈકલે આ બાબતને છુપાવવાને બદલેે તેના દોસ્ત યોનાસને પણ જણાવી અને ટ્રાયલ્સમાં યોનાસની પસંદગી થઈ. આ પછી તેણે નોકરી છોડી દીધી અને પૂર્ણકાલીન પ્રોફેશનલ સાઈક્લિસ્ટ તરીકેની કારકિર્દી શરુ કરી. જોકે તેની પહેલી જ સિઝનમાં કોરોનાની એન્ટ્રી થઈ, જેના કારણે તેને છૂટી-છવાઈ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળી. જોકે, 2021માં ફરી દુનિયાભરમાં દૈનિક જીવન તેમજ રમત સ્પર્ધાઓ રાબેતા મુજબ યોજવાની શરુ થઈ અને યોનાસની કારકિર્દીનો ખરો પ્રારંભ થયો. સ્પેનમાં એક રેસ જીત્યા બાદ તેણે ટુર ડી ફ્રાન્સમાં બીજું સ્થાન હાંસલ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું અને ત્યાર બાદ છેલ્લા બેે વર્ષમાં તેેણે બે વખત ટુુર ડી ફ્રાન્સની સાથે બે અન્ય સાઈકલ રેસના ટાઈટલ પણ હાંસલ કર્યા હતા. 

અત્યંત સાધારણ પરિસ્થિતિમાંથી ભારે સંઘર્ષ સાથે આગળ આવેલા યોનાસ વિનેગોનું નામ સમગ્ર ડેનમાર્કમાં જાણીતું બની ચૂક્યું છે. ખાસ કરીને બીજી વખત ટુર ડી ફ્રાન્સ જીતીને સ્વદેશ પરત ફરેલા યોનાસને આવકારવા માટે કોપરહેગનમાં હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યોનાસે કહ્યું કે, ટુર ડી ફ્રાન્સના ટાઈટલને જાળવવા માટેની સ્પર્ધા વધુ મુશ્કેલ હતી. સફળતાનું પુનરાવર્તન કરવાનું દબાણ ઘણીવાર પોતાની જ ક્ષમતા પર શંકા જન્માવે છે. જોકે હું ખુશ છું કે, સૌથી મુશ્કેલ સાઈકલ રેસમાં ફરીવખત મેં મારી પ્રતિભાનો પુરવો આપ્યો છે. યોનાસની સફળતાએ સાઈક્લિંગની દુનિયામાં એક નવા અધ્યાયની શરુઆત કરી છે. 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી