17 વર્ષના છોકરડા ગુકેશે ભારતીય ચેસમાં વિશ્વનાથન આનંદનું 38 વર્ષનું સામ્રાજ્ય ડોલાવી દીધું



ઈતિહાસની મહત્તા ત્યાં સુધી જ સર્વોપરી રહે છે, જ્યાં સુધી વર્તમાન તેની સિદ્ધિઓના શિખરોને સર કરી ન લે ! આ જ કારણે ભૂતકાળની ગૌરવગાથાઓ કરતાં ઉદ્યમિતાના ગુણગાનને વધુ શ્રેયકર અને ચઢિયાતા લેખવામાં આવે છે. કારણ કે તેના થકી જ સિદ્ધિના નવા શિખરોનેે અને ઐતિહાસિક સીમાચિહ્નોને હાંસલ કરી શકાય છે. આ જ કારણે રમતની દુુનિયામાં કહેવત છે કે, દરેેક રેકોર્ડ એ તૂટવા માટે જ સર્જાય છે. એક સમયે જે સફળતાને કલ્પનાતીત અને અનન્ય ગણવામાં આવતી હોય તેને સમયાંતરે જ ઓળંગીને આગળ વધી જતી વિરલ પ્રતિભાઓનું આગમન થતું જ રહે છે.  ભારતીય ચેસ જગતમાં એવી કેટલીક વિરલ અને યુવા પ્રતિભાઓએ પાંખો પસારી છે કે, જેની નોંધ આખી દુનિયાને લેવાની ફરજ પડી છે. 

વિશ્વના 206 દેશોના ખેલાડીઓ વચ્ચે ખેલાયેલા ચેસના વર્લ્ડકપમાં ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ છેક ફાઈનલ સુધીની સફર ખેડતા રજત ચંદ્રક હાંસલ કર્યો. ચેસના વર્લ્ડકપના ઈતિહાસમાં 23 વર્ષ બાદ આ પહેલીવાર ભારતનો ખેલાડી ફાઈનલ રમ્યો હોવાની ઘટના બની. રસપ્રદ બાબત એ રહી કે, છેલ્લે આ ગૌરવ ભારતના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે  જ મેળવ્યું હતુ. આનંદ ભૂતકાળમાં એક કે બે નહીં, પણ પાંચ વખત વિશ્વવિજેતાનો ખિતાબ જીતી ચૂક્યો છે. આનંદની આ સફળતાનું પુનરાવર્તન કરવાની કુશળતા વંડર કિડ તરીકેની ઓળખ ધરાવતા પ્રજ્ઞાનંધામાં જોવામાં આવી રહી છે. જોકે પ્રજ્ઞાનંધાની રજત સફળતાના ઝળહળાટની વચ્ચે ચેસ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચેલા 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડોનારુમા ગુકેેશની વિરાટ સિદ્ધિને ઝાઝુ મહત્વ મળી શક્યું નથી. 

ગુુકેશ હજું ઊંમરના એ પડાવ પર પહોંચ્યો છે કેે, જ્યાં તેને મૂંછનો દોરો હજુ ફૂટવાની શરુઆત થઈ છે, ત્યાં જ તેણે ભારતીય ચેસમાં ટોચના ખેલાડી તરીકેનું વિશ્વનાથન આનંદના 38 વર્ષના સામ્રાજ્યને ડોલાવી દીધું છે. ભારતીય ચેસમાં આ ઈતિહાસના પડખું ફેરવવા જેવી ઘટના છે. ચેસની સર્વોચ્ચ સંસ્થા કે જે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન તરીકેે કે પછી તેના ફ્રેન્ચ ભાષાના મૂળ નામના ટૂંકાક્ષરી નામ ફિડે તરીકે ઓળખાય છે, તેના વૈશ્વિક ક્રમાંકમાં ગુકેશે વિશ્વનાથન આનંદને પાછળ રાખી દીધો છે. 53 વર્ષના આનંદે આમ પણ છેલ્લા કેટલાક સમયથી જૂજ સ્પર્ધામાં ભાગ લેવાનું વલણ અપનાવ્યું છે અને ફિડેમાં તેણે ઉપપ્રમુખ તરીકેની નવી ભૂમિકા પણ સ્વીકારી છે. આ તબક્કે ગુકેશે ફિડેના વર્લ્ડ રેન્કિંગમાં લગાવેલી છલાંગે તેને દુનિયાના ટોચના 10 ખેલાડીઓમાં સ્થાન અપાવી દીધું છે. 

ફિડેના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડી તરીકેે વિશ્વનાથન આનંદે પહેલવહેલા 1985માં સ્થાન મેળવ્યું હતુ અને ત્યાર બાદ 38 વર્ષના સમયગાળામાં અનેક ખેલાડીઓ આવ્યા ને ગયા પણ કોઈ આનંદનું સિંહાસન ડોલાવી શક્યું નહતુ. જોકે, અસાધારણ બુદ્ધિ ક્ષમતાના અને વિશેષ તાલીમ તેમજ વૈશ્વિક સ્પર્ધાઓને સહારે ટીનએજર ગુકેશે તેની ઊંમરના વર્ષોના બે ગણાથી વધુ જૂના ઈતિહાસને નવેસરથી આલેખવામાં સફળતા હાંસલ કરી છે. નવા ફિડે રેન્કિંગમાં ગુકેશ આઠમા તો આનંદ નવમા ક્રમે છે, અને તેમના પછીનો ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંધા છે, જે 19મું સ્થાન ધરાવે છે. ગુકેશ અને આનંદ વચ્ચે માત્ર ચાર જ રેટિંગ પોઈન્ટનો તફાવત છે. જોકે, ગુકેશ અને પ્રજ્ઞાનંધા વચ્ચે 31 રેટિંગ પોઈન્ટનું અંતર છે. ફિડે આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી જુદી-જુદી ચેસ સ્પર્ધાના પરિણામોને આધારે ખેલાડીના રેટિંગમાં પોઈન્ટ્સ ઊમેરે છે અને તેના આધારે રેટિંગ નક્કી થાય છે. 

ગુકેશે છેલ્લા કેટલાક વર્ષોના સાતત્યભર્યા દેખાવને સહારે દુનિયાના ટોચના ખેલાડીઓને આંચકો આપતાં પોતાની પ્રતિભાને વિસ્તારી છે અને તેનું જ પ્રતિબિંબ રેન્કિંગમાં તેની આગેકૂચમાં જોઈ શકાય છે. સફળતા કોઈને પણ મફતમાં મળતી નથી. ગરીબ હોય કે તવંગર, દરેકને કોઈને કોઈ ભોગ આપવો જ પડે છે, ત્યારેે જઈને એક મુકામ હાંસલ કરી શકાય છે. 

ભારતીય ચેસની નર્સરી કહી શકાય તેવા તમિલનાડુના ચેન્નાઈમાં રહેતા એક સંપન્ન પરિવારમાં ગુકેશનો જન્મ 29મી મે 2006ના રોજ થયો. ગુકેેશના પિતા રજનીકાંત ચેન્નાઈમાં કાન, નાક અને ગળા એટલે કે ઈએનટી સર્જન તરીકે પ્રેક્ટિસ કરતાં. જ્યારે તેની માતા પદ્માકુમારી માઈક્રોબાયલોજીસ્ટ તરીકે કામ કરતાં. આ કારણે ઘરમાં નાણાંની કમી નહતી. વળી, ગુકેશનો ખુદનો બુદ્ધિમત્તાનો આંક પણ એટલો ઊંચો કે, તે પણ આગળ જતાં તબીબ જ બનશે તેમ બધાને લાગતું. રજનીકાંંત અને પદ્માને ચેસનો શોખ અને આ જ શોખ પુત્ર ગુકેશને પણ વારસામાં મળ્યો. 

ગુકેશની વેલ્લામ્મલ વિદ્યાલયમાં અભ્યાસની સાથે સાથે ચેસ પણ શીખવાડવામાં આવતુું અને રજનીકાંત-પદ્માકુમારીએ તેમના પુત્રને તેમાં દાખલ કરાવ્યો. ત્યારે તેઓને કલ્પના પણ નહતી કે, તેમનું સંતાન એક દિવસ વિશ્વનાથન આનંદ જેવા મહારથીનો રેકોર્ડ તોડી નાંખશે. શાળા જીવન દરમિયાન રમત-ગમતના આગ્રહી એવા માતા-પિતાએ આપેલી તકને ગુકેશે ઝડપી લીધી. ઉનાળું વેકેશનમાં ચાલતા તાલીમ વર્ગોમાં પણ ગુકેશે ચેસ પર પસંદગી ઉતારી અને ટૂંકા સમયમાં જ કુશળતા મેળવી. સાત વર્ષની ઉંમરથી શરુ થયેલી ચેસની સફર બે વર્ષમાં પરિણામ દેખાડવા માંડી. 

કાચા હિરા પર પાસા પડે અને તેનો ચમકારો આંખોને આંજવા લાગેે તેવી ઘટના 2015માં બની. આઠ વર્ષની ઉંમરે ગુકેશે સિંગાપોરમાં રમાયેલી એશિયન અંડર-9 સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી અને તેની આ સફળતાએ તેના માતા-પિતાને વિચારતા કરી મૂૂક્યા. તેમણે પુત્રની ચેસની પ્રતિભાને નિખારવાનો મુશ્કેલ નિર્ણય લીધો. નાણાંની ખાસ સમસ્યા નહતી, પણ જુદી-જુદી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પુત્રની સાથે કોઈ એક વાલીએ પ્રવાસ કરવો ફરજીયાત હતો અને આ સમયે રજનીકાંતે તેમની ઈએનટી સર્જન તરીકે ધીકતી પ્રેક્ટિસને છોડીને બધો સમય પુત્રને આપવાનું નક્કી કર્યું. 

ગુકેશની પ્રતિભા પણ ધીરે ધીરે નિખાર આવવા લાગ્યો. માતા-પિતાની સાથે સરકારની મદદ તેમજ તમિલનાડુમાં ચેસના અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણનો ફાયદો પણ તેને મળ્યો. ગુકેેશના કોચ તરીકે ગ્રાન્ડમાસ્ટર વિષ્ણુ પ્રસન્નાને જવાબદારી સોંપી. વિષ્ણુ પ્રસન્ના એક સમયના અચ્છા ખેલાડી રહી ચૂક્યા હતા, પણ યેનકેન કારણે તેમની કારકિર્દી આગળ ના વધી શકી. જોકે તેમના માર્ગદર્શનમાં ગુકેશની પ્રતિભામાં નિખાર આવ્યો. પ્રસન્ના ભારતના જાણીતા ચેસ ખેલાડી અને ગ્રાન્ડમાસ્ટર સૂર્યશેખર ગાંગુલી અને બી. અધિબાનની સાથેે પણ કામ કરી ચૂક્યા છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા ગુકેશે આ જ કારણે 2018માં 11 વર્ષની ઊંમરે તેણે સ્પેનમા એશિયન યુથ ચેેમ્પિયનશિપ અંડર-12માં તેમજ એશિયન યુથ ચેમ્પિયનશિપ અંડર-12માં સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. 

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે તેના કરતાં મોટી ઉંમરના ખેલાડીઓેને હંફાવતા ગુકેશે 2019માં દિલ્હી ઓપન ગ્રાન્ડમાસ્ટર ચેસ ટુર્નામેન્ટ ગ્રાન્ડમાસ્ટર ટાઈટલ હાંસલ કરી લીધું. માત્ર 16 જ મહિનામાં તેણે ઈન્ટરનેશનલ માસ્ટર્સ અને ત્યાર બાદ ગ્રાન્ડમાસ્ટર્સ ટાઈટલના ત્રણ-ત્રણ મુશ્કેલ નોર્મ્સ હાંસલ કરી લીધા. માત્ર 12 વર્ષ 7 મહિના અને 17 દિવસની ઉંમરે ગુકેશ ગ્રાન્ડમાસ્ટર બન્યો તેની સાથે તેણે ભારતના સૌથી યુવા વયના ગ્રાન્ડમાસ્ટર તરીકેનો રેકોર્ડ સર્જ્યો. જોકેે તે સમયે સૌથી યુવા વયે ગ્રાન્ડમાસ્ટર બનવાનો રશિયાના સર્ગેઈ કાર્જાકિનના તત્કાલીન વર્લ્ડ રેકોર્ડથી તે માત્ર 17 દિવસ જ દૂર રહ્યો હતો.

યુવા વયે ગ્રાન્ડ માસ્ટર બનવામાં સફળતા મેળવનારા ગુકેશે ભારતના ધુરંધર ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદની ચેસ એકેડમીમાં પણ તાલીમ મેળવી છે. આનંદના લાંબા સમયના મિત્ર અને પોલેન્ડના ગ્રાન્ડમાસ્ટર જેગોસ ગાયાસ્કીએ પણ ગુકેશની પ્રતિભાને નવા આયામ સુધી લઈ જવામાં જહેમત ઉઠાવી છે અને તેના પરિણામ હવે જેવા મળી રહ્યા છે. કોરોનાના કાળમાં ગુકેશે ઓન-લાઈન ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાને બદલેે પોતાની તૈયારીઓને વધુ બહેતર બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું અને માત્ર પસંદગીની ટુર્નામેન્ટ્સ જ ભાગ લીધો અને તેનો ફાયદો તેને ત્યાર બાદ જોવા મળ્યો. 


કોરોના બાદ ફરી જ્યારે દુનિયા પૂર્વવત્ બની ત્યારે ચેન્નાઈમાં 44માં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુકેશને ઈન્ડિયા-ટુ ટીમમાં સ્થાાન મળ્યું હતુ. આ ટુર્નામેન્ટમમાં તેણે ભલભલા ખેલાડીઓને મહાત કરતાં આઠેય મેચ જીતી લીધી. તેણે ચેસ ઓલિમ્પિયાડમાં સ્પેનના એલેક્સી શિરોવ, અર્મેનિયાના ગેબ્રિયલ સાર્ગિસીઅન અને અમેરિકાના ફાબિયન કારુએનાને હરાવીને સનસનાટી મચાવી હતી. ઈન્ડિયા-ટુ ટીમને કાંસ્ય ચંદ્રક મળ્યો, પણ ગુકેશે ફર્સ્ટ બોર્ડ પર સુવર્ણ ચંદ્રક જીતીને અનોખો ઈતિહાસ રચી દીધો. તેની આ જ સફળતાએ તેને વિશ્વના ટોચના 20 ચેસ ખેલાડીઓમાં પ્રવેશ અપાવી દીધો. 

ચેસ ઓલિમ્પિયાડની સફળતા બાદ તેેણે ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવ્યો. આ સાથે તે કાર્લસનને હરાવનારો સૌથી યુવા વયનો ખેલાડી બની ગયો હતો. તેેણે 16 વર્ષ ચાર મહિના અને 20 દિવસની ઉંમરે આ સફળતા મેળવી હતી. આ સાથે તેેણે કાર્લસને હરાવનારા સૌથી યુવા વયના ખેલાડી તરીકેનો ભારતના જ પ્રજ્ઞાનંધાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પ્રજ્ઞાનંધાએ 16 વર્ષ છ મહિના અને 10 દિવની ઉંમરે આવી સફળતા મેળવી હતી. ચાલુ વર્ષે ડસેલડફમાં રમાયેલી ચેસ ટુર્નામેન્ટમાં તેણે રશિયાના ઈયાન નિપોમ્નીશી અને અર્મેનિયાના લેવોન આરોનિયનની સાથે સંયુક્તપણે ટોચનું સ્થાન મેળવ્યું હતુ અને ત્યાર બાદ ચેસ વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી, જ્યાં આખરે વર્લ્ડ ચેમ્પિયન બનેલા કાર્લસન સામે જ તેનો પરાજય થયો હતો.

ચાલુ વર્ષની સફળતાએ તેેને ફિડેના વર્લ્ડ રેન્કિંગમાં આનંદ કરતાં આગળ સ્થાન અપાવ્યું. આ સાથે તે 2750થી વધુ ફિડે રેટિંગ મેળવનારો સૌથી યુવા વયનો ખેલાડી પણ બન્યો.જોકે તેની આવી અદ્વિતિય સિદ્ધિથી હજુ ભારતની આમ જનતા વાકેફ થઈ શકી નથી. કિશોરાવસ્થામાં જ અવનવા શીખરો સર કરી ચૂકેલા ગુકેશની રમતની કુશળતા તેના આઉટ ઓફ બોક્સ મુવ્સ છેે. તે પરંપરાગત રમતથી વિપરિત કંઈક નવું કરવાની કોશીશ કરે છે અને તેના આ પ્રકારના પ્રયોગશીલ અને નવીન મુવ્સ જ તેને દુનિયાના સૌથી વૈવિધ્યસભર ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. આ જ કુશળતાએ તેને હાલ ભારતના ચેસમાં સર્વોપરિ સ્થાન અપાવ્યું છે. જોકે હજુ તેને આગળ જતાં ઘણા મોટા પડકારોનો સામનો કરવાનો છે. જેનો તેને અહેસાસ છે. અલબત્ત, આ 17 વર્ષના છોકરા પાસે હજુ ઘણો સમય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી