ટ્રાવિસ હેડને એક સમયે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ટીમમાં સમાવવા અંગે દ્વિધા હતી !!!


ઘણી વખત અગોતરા આયોજનોને અચાનક પલ્ટાયેલી પરિસ્થિતિ જ્યારે વેરવિખેર કરી નાંખે છે, ત્યારે અપેક્ષા કરતાં પણ વિપરિત પરિણામોનો સામનો કરવો પડે છે. રમતના મેદાનમાં તો પળે-પળે પરિસ્થિતિમાં પરિવર્તન આવતા રહે છે. આવા  પરિવર્તનોની વચ્ચે એકાગ્રતાને ટકાવી રાખવાની સાથેે તેમાંથી રસ્તો કાઢીને આગળ વધવાની કુશળતા જ વિજેતા ખેલાડીનો નિર્ણય કરે છે. જે એવો ઈતિહાસ રચી જાય છે કે, જેને આવનારા વર્ષોમાં દુનિયા સતત યાદ કરતી રહી છે. આવો જ ઈતિહાસ ઓસ્ટ્રેેલિયાએ ભારતની ભૂમિ પર યોજાયેલા વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી અજેય રહેલી ટીમ ઈન્ડિયાને ખરાખરીના મુકાબલામાં મહાત કરીને રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાની આ સફળતાના પાયામાં ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ટ્રાવિસ હેડની ભૂમિકા અત્યંત મહત્વની રહી. 

ભારત માટે માથાના દુઃખાવા સમાન સાબિત થયેલા હેડે વર્લ્ડ કપની ફાઈનલમાં રોહિત શર્માનો જબરજસ્ત કેચ તો ઝડપ્યો જ તેની સાથે સાથે અણનમ 137 રન ફટકારતાં ટ્રોફીને પોતાના દેશમાં લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. વર્લ્ડ કપની ફાઈનલ જેવો મેગા મુકાબલો અને તેમાંય હજ્જારો ચાહકોની હાજરીના દબાણ વચ્ચે એકાગ્રતા જાળવી રાખવાનો ફાયદો હેડને જ નહીં પણ તેની ટીમને ય મળ્યો અને ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક અણધાર્યા અને આંચકાજનક પરિણામની ઘટનાનો ઉમેરો થયો.

જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, ઓસ્ટ્રેલિયાના સુપરહીરો તરીકે ઉભરી આવેલા ટ્રાવિસ હેડને એક સમયે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા અંગે ખુદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત જ અવઢવમાં હતુ. વર્લ્ડ કપ પૂર્વે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયાની ટીમના આ ધરખમ ઓપનરને ફાસ્ટ બોલર કોએત્ઝીનો બોલ ડાબા હાથ પર વાગ્યો અને ફ્રેક્ચર થયું. આ તબક્કે તો બધાને લાગ્યું કે, હેડ જેવો ઈનફોર્મ બેેટ્સમેન હવે વર્લ્ડ કપમાં ભાગ લઈ નહીં શકે અને તેની ગેરહાજરી ઓસ્ટ્રેલિયાને ભારે પડશે. જોકે, તપાસમાં સ્પષ્ટ થયું કે, હેડને ડાબા હાથના જોઈન્ટમાં ઈજા થઈ છે, પણ તેના માટે સર્જરીની જરુર નથી. આ બાબતથી હેડની સાથે ઓસ્ટ્રેલિયા માટેે રાહતનો શ્વાસ લીધો. 

હેડને ઈજા થઈ, ત્યારે વર્લ્ડ કપના પ્રારંભમાં ત્રણ સપ્તાહ જેટલો સમય હતો. જોકે, તેને સાંધામાં ઈજા થઈ હોવાથી સાજા થવામાં સમય લાગે તેમ હતો અને વર્લ્ડ કપની ટીમની ડેડલાઈન નજીક હતી. હેડ પુનરાગમન કરે ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાની ચારેક મેચ રમાઈ જાય તેમ હતી. આ તબક્કે ઓસ્ટ્રેલિયાના કોચ એન્ડ્રુ મેક્ડોનાલ્ડ અને ચીફ સિલેક્ટર તેમજ ભૂતપૂર્વ વન ડે કેપ્ટન જ્યોર્જ બેઈલીએ અનફિટ હોવા છતાં હેડને ટીમમાં જ જાળવી રાખવાનો હિંમતભર્યો નિર્ણય લીધો કારણ કે ભૂતકાળમાં ઈજાગ્રસ્ત સ્ટાર ક્રિકેેટરને ટીમમાં સામેલ ન કરવાના નિર્ણયને કારણે આંચકાજનક પરિણામનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લે 2011માં જ્યારે ભારતની ભૂમિ પર વર્લ્ડ કપ યોજાયો, ત્યારે મિસ્ટર ક્રિકેટ તરીકે ઓળખાતો ઓસ્ટ્રેલિયાનો મીડલ ઓર્ડર બેટ્સમેન માઈકલ હસી જોરદાર દેખાવ કરી રહ્યો હતો. જોકે વર્લ્ડ કપ પહેલા જ સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તે ઈજાગ્રસ્ત બની ગયો. ત્યારે હસી વર્લ્ડ કપ દરમિયાન ફિટ થઈ જાય તેમ હતો. જોકે તે વેળાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલા ઓસ્ટ્રેલિયાએ હસીને તેની ફિટનેસને કારણે ટીમમાં સામેલ ના કર્યો અને આખરે તેઓ ક્વાર્ટર ફાઈનલમાં ભારત સામે હારીને બહાર ફેંકાયું હતુ. ભૂતકાળના આ કડવા અનુભવને ધ્યાનમાં રાખતાં ઓસ્ટ્રેલિયાએ હેડને ફિટ ન હોવા છતાં પણ ટીમમાં સમાવ્યો. 

ન્યુઝીલેન્ડ સામેની મેચમમાં ઈજા સાથે ઉતરીને હેડે શતક લગાવ્યું હતુ.

શરુઆતની પાંચ મેચ ગુમાવ્યા બાદ હેડે ન્યુઝીલેન્ડ સામેની મેચથી પુનરાગમન કર્યું અને પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. આ પછી તેેણે સેમિ ફાઈનલમાં અડધી સદી અને ફાઈનલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો. હેડની પ્રતિભા મેજર મેચના પ્લેયર તરીકેની છે. ચાલુ વર્ષે જ જૂન મહિનામાં ઈંગ્લેન્ડની ભૂમિ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ હતી. જેમાં પણ મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે ઉતરેલા હેડે 163 રનની ઈનિંગ રમતાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કરતાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ અપાવ્યો હતો. તેની ટેસ્ટની આ ઈનિંગ પણ યાદગાર રહી હતી. 

સાઉથ આફ્રિકાના એડિલેડમાં જન્મેલા ટ્રાવિસ હેડ કારકિર્દીની શરુઆતમાં તો વિકેટકિપિંગ કરતો, પણ ત્યાર બાદ તેણે મીડલ ઓર્ડરના બેટ્સમેનની સાથે રાઈટ આર્મ ઓફ સ્પિનર તરીકે પણ પ્રભાવ પાડ્યો. તેની કારકિર્દીની શરુઆત તો મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે થઈ પણ તેમાં તેને ખાસ સફળતા મળી ના શકી. જોકેે ઘરઆંગણાના ક્રિકેટમાં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર દેખાવ કરનારા હેડની પ્રતિભા પર તત્કાલીન નેશનલ કોચ જસ્ટીન લેંગરની નજર પડી. લેંગર અને ઓસ્ટ્રેલિયાની યુવા ટીમના કોચ ટીમ નેલ્સને ભેગા મળીને હેેડની બેટિંગમાં રહેલી કેટલીક ટેક્નિકલ ખામીઓ દૂર કરી. યોગાનુંયોગ હેડ તેની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે જ રમ્યો હતો. વર્ષ 2016માં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી, ત્યારે તેને તેના ઘરઆંગણે એડીલેડમાં જ ટી-20 ઈન્ટરનેશનલમાં તક મળી હતી.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરુઆતમાં મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલા હેેડને 2017માં ઘરઆંગણે યોજાયેલી પાકિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં પહેલીવાર વોર્નરની સાથે ઓપનિંગમાં ઉતારવાનો નિર્ણય લેવાયો અને તેણે તે મેચમાં સદી ફટકારીને ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોના ભરોસા પર ખરા ઉતરીને બતાવ્યું. આ સાથે તેની ઓપનર તરીકેની સફર શરુ થઈ હતી. હેડે ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણાના ક્રિકેટની લિસ્ટ-એ મેચ (વન ડે)માં બે વખત બેવડી સદી ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. 

ટેસ્ટમાં પણ તેનું પ્રદાન મહત્વનું રહ્યું છે. તેેણે 2021-22માં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે એશિઝ ટાઈટલ અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ સિરીઝની પહેલી ટેસ્ટ દરમિયાન હેડને પોતાની જાતને જ અપશબ્દો કહેવા બદલ મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્ટોક્સનો બોલ રમવામાં ચૂકી જવાથી હેેડ પોતાની જાત પર એટલો ગુસ્સે ભરાયો હતો કે, મોટેે-મોટેથી અપશબ્દો બોલ્યો હતો અને આ કારણે તેને દંડ થયો હતો. જોકે તે જ ટેસ્ટમાં હેડે 152 રનની પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવતી ઈનિંગ રમી હતી. જ્યારે ચાલુ વર્ષે 2023માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં 2-2થી ડ્રો થયેલી એશિઝમાં પણ હેડનું પર્ફોર્મન્સ અસરકારક રહ્યું હતુ. 

ટેસ્ટ અને વન ડેમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવતા સદી ફટકારી હોય અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હોય તેવો હેડ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. 29 વર્ષની વયેે પહોંચેલો હેડ હજુ પણ આગામી ચાર-પાંચ વર્ષ દરમિયાન તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રતિભાનો ચમકારો દેેખાડતો રહેેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી