સ્પેનિશ ફૂટબોલની ડ્રીમ ગર્લ ઐતાના બોનમાતી સિદ્ધિઓના શિખરે
પ્રયાસોમાં સાતત્ય થકી જ સફળતાને હાસંંલ કરી શકાય છે, પણ સફળતા મેળવ્યા પછી પણ જો શ્રેષ્ઠતાની તલાશને જારી રાખવામાં આવે તો નિપૂર્ણતાની નજીક પહોંચવાથી દુનિયાની કોઈ પણ તાકાત અટકાવી શકતી નથી. આ જ કારણે વિશ્વના મહાન ખેલાડીઓ હોય કે પછી જ્ઞાનસમૃદ્ધ તજજ્ઞો દરેક પોતપોતાના ક્ષેત્રમાં વર્ષો વિતાવવા છતાં પોતાની ઓળખ અભ્યાસુ તરીકેની જ આપતા હોય છે, કારણ કે નવુ શીખવા માટે ઉત્સુક રહેનારી વ્યક્તિને તો વર્ષોની તપશ્ચર્યા પણ ઓછી લાગે છે અને તેની સામે જિતના આગે જાંઉ, ગહરા હોતા જાએ... જેવો આખો સમુદ્ર તેને પડકારતો ઉભો હોય તેવો અહેસાસ થતો હોય છે.
મોટાભાગે હાંસિયામાં જ જોવા મળતા મહિલા ફૂટબોલમાં છેલ્લા ત્રણ વર્ષથી સફળતાના એક પછી એક શિખરો સર કરીને 25 વર્ષની ઐતાના બોનમાતી ખળભળાટ મચાવી રહી છે. સ્પેનિશ ફૂટબોલના પાવરહાઉસ તરીકે ઓળખાતા બાર્સેલોનામાં જુનિયર ખેલાડી તરીકે જોડાયેલી બોનમાતીએ તેની કલબને ઘરઆંગણાની લીગની સાથે સાથે બે વખત યુરોપીયન ચેમ્પિયન તરીકેનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, તેણે ચાલુ વર્ષે મહિલા ફૂટબોલમાં સ્પેનને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ જ કારણે ફૂટબોલ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને એનાયત થતો ગોલ્ડન બોલ એવોર્ડ પણ 25 વર્ષની બોનમાતીને મળી ચૂક્યો છે.
પાંચ ફૂટ અને ત્રણ ઈંચની સાધારણ ઉંચાઈ ધરાવતી બોનમાતી બંને પગથી બોલ પર નિયંત્રણ મેળવવાનું વિશિષ્ટ કૌશલ્ય ધરાવે છે. ફૂટબોલમાં મીડફિલ્ડરની મહત્વની ભૂમિકામાં માસ્ટરી ધરાવતી બોનમાતી હરિફ ટીમોના આક્રમણને નિષ્ફળ બનાવવાની સાથે ફોરવર્ડને અસરકારક પિનપોઈન્ટ પાસ આપવા માટેે પણ જાણીતી છેે. એટેકિંગ મીડફિલ્ડર તરીકે તેણેે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 59 મેચમાં 21 ગોલ ફટકાર્યા છે. જ્યારે કલબ ફૂટબોલમાં બાર્સેલોના તરફથી બોનમાતીએ 164 મેચમાં કુલ 57 ગોલ નોંધાવ્યા છે. બાર્સેલોના અને સ્પેનિશ ટીમની સફળતામાં બોનમાતીએ ભજવેલી નિર્ણાયક ભૂમિકાને માન્યતા આપતાં તેને વિશ્વની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલ તરીકેનો બાલોન ડી ઓર એવોર્ડ તેમજ બે વખત યુરોપની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે.
વિશ્વની શ્રેષ્ઠ અને સંપૂર્ણ ખેલાડી તરીકેની આગવી ઓળખ ધરાવતી બોનમાતીના કૌશલ્ય, નિર્ણાયક સમયે નિર્ભૂલ દેખાવ અને હરિફ ખેલાડીની રમતની ત્રુટીઓ શોધી કાઢીને તેનો ફાયદો ઉઠાવવાની કુશળતા દાદ માગી લેે તેવા છે. આ જ કારણે બોનમાતીની રમત અંગે તેના આદર્શ અને ફૂટબોલ જગતના પ્રતિષ્ઠિત કોચ પેપ ગ્યુએર્ડિઓલા કહે છે કે, ઐતાની બોનમાતી એવી ખેલાડી છે કે, તેેને રમતાં જોવામાં મને ખુબ જ આનંદ અને સંતોષ થાય છે. તેની રમતમાં એક પ્રકારનો જાદુુ છેે. તેની રમતમાં બાર્સેલોના તરફથી રમતાં સ્પેનિશ પુરુષ ખેલાડી એન્ડ્રે ઈનિસ્ટાની ઝલક જોવા મળે છે. રસપ્રદ બાબત એ છે કે, બોનમાતી કિશોરાવસ્થામાં જે ખેલાડીઓની જબરજસ્ત ફૅન હતી, તેવા બાર્સેલોનાના જ ઝાવી અને ઈનિએસ્ટા પણ આજે તેમની આ અનુગામીની રમતના વખાણ કરતાં થાકતા નથી. બોનમાતી માટે આ બાબત જ સૌથી મોટા એવોર્ડ સમાન છે.
શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચવાની તૈયારીમાં કોઈ પણ કચાશ ન છોડવાની મનોવૃત્તિ ધરાવતી બોનમાતીને વારસામાં મળી છે. સાહિત્ય અને રમત એ બંને આમ તો વિરોધાભાસી ક્ષેત્રો છે, પણ આ બંનેનો અનોખો સંગમ બોનમાતીના પરિવારમાં જોવા મળે છે. બોનમાતીના પિતા વિસેન્ટ કોન્કા અને માતા રોસા બોનમાતી ગ્યુઈડોનેટ બંને સુધારાવાદી વિચારસરણી ધરાવતા. તેઓ બંને કેટાલાન ભાષા શીખવતા અને તેના સાહિત્યના ઉંડા અભ્યાસી પણ ખરાં !
બોનમાતીના જન્મ અગાઉ 1992માં બાર્સેલોનામાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સત્તાધીશોએ ઓપરેશન ગારઝોન ચલાવ્યું અને તેના ઓઠા હેેઠળ 45 કેટલાન રાષ્ટ્રવાદીઓની ધરપકડ કરી અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા. આ પકડાયેલા લોકોમાં બોનમાતીના પિતા પણ સામેલ હતા. સ્પેનની સરકારે દુનિયાને એવું કારણ આપ્યું કે, આ બધા તો બાર્સેલોના ઓલિમ્પિકની સલામતી માટે જોખમરુપ હતા, પણ હકીકતમાં તેઓનો રાજકીય ખેેલ પાડવામાં આવ્યો હતો. આ મુશ્કેલીમાંથી બહાર આવેલા વિસેન્ટ કોન્કાએ સુધારાનું કામ જારી રાખ્યું અને તેમાં તેમની પત્ની રોસાનો પણ તેમને સહકાર મળ્યો.
ઐતાના જન્મી ત્યારે સ્પેનમાં રુઢિગત રીતે સંતાનના નામની પાછળ પહેલા પિતાની અટક લખવામાં આવતી અને ત્યાર બાદ માતાની અટક લખાતી. જ્યારે વિસેન્ટ-રોસાએ પરંપરાને તોડતા ઐતાનાની પાછળ પહેલા માતાની અને પછી પિતાની અટક લખાવી. આ અંગે ઉગ્ર વિવાદ સર્જાયો હતો અને લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે વિસેન્ટ-રોસા જીત્યા અને ઐતાની સ્પેનની પહેલી એવી વ્યક્તિ બની કે, જેના નામની પાછળ પહેલા માતાની અને પછી પિતાની અટક લખવામાં આવી.
લડાયક મિજાજ અને સંઘર્ષ જાણે બોનમાતીના લોહીમાં ધબકતો હતો. તેણે શરુઆત તો બાસ્કેટબોલથી કરી પણ ત્યાર બાદ તેણે ફૂટબોલ પર પગ અજમાવવાનું નક્કી કર્યું. તેના પિતા તો આદર્શવાદી હતા એટલે કાર ચલાવતા નહતા અને માતા બીમારીથી ઘેરાયેલી હતી. આ કારણે તેને ફૂટબોલની પ્રેક્ટિસ માટે બસમાં બે કલાકની સફર ખેડવી પડતી. માત્ર 13 વર્ષની વયે બાર્સેલોના કલબની જુનિયર ટીમમાં સામેલ થનારી બોનમાતી સખત મહેનત કરતી અને જાતની પરવા કર્યા વિના સંઘર્ષ કરતી રહેતી. આ જ કારણે તેને પોતાની જાતની સારસંભાળ લેવા અંગે જાગૃત કરવા માટે એક સમયે મનોવિજ્ઞાની પાસે પણ લઈ જવામાં આવી હતી.
બાર્સેલોનામાં સુપરસ્ટાર્સને જોઈને ઉછરેેલી બોનમાતીએ એટેકિંગ મીડફિલ્ડર તરીકે આગવી ઓળખ ઉભી કરી. આ દરમિયાન જ તેણે સ્પેનની જુનિયર ટીમ તરફથી પણ નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું હતુ અને યુરો કપની જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ટીમને સફળતા અપાવી હતી. તેેણે અંડર-20 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્પેનિશ કલબ ફૂટબોલમાં મહિલાઓની ટીમને પ્રોફેશનલનો દરજ્જો અપાયો નહતો અને આ સમયે બોનમાતીને કેટલીક અમેરિકન યુનિવર્સિટીના નિમંત્રણો મળી ચૂક્યા હતા. તે ફૂટબોલર તરીકેની કારકિર્દીને આગળ ધપાવવા અમેરિકાની દિશામાં આગળ વધવાની જ હતી, ત્યારે બાર્સેલોનાએ તેની મહિલા ટીમને પ્રોફેશનલ શરુ કરવાનું નક્કી કર્યું અને બોનમાતીને નેધરલેન્ડના લેજન્ડ ફૂટબોલર યોહાન ક્રાયફની 14 નંબરની જર્સી ખુદ તેમના હાથે જ આપવામાં આવી. તે સમયે ક્રાયફ કેટાલોનિયાની ટીમના મુખ્ય કોચ હતા.
બોનમાતીએ બાર્સેલોના કલબ તરફથી શાનદાર દેખાવ કરતાં આગવો પ્રભાવ પાડ્યો અને ટીમને શરુઆતની સિઝનમાં જ મેજર ટુર્નામેન્ટમાંં ટાઈટલની નજીક પહોંચાડી. બાર્સેલોનાની સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યાના બેે વર્ષ પછી તેને સ્પેનની મહિલા ટીમમાં પણ સ્થાન મળ્યું અને ત્યાં પણ તેણે પહેલી જ મેચથી તેની જાદુઈ રમતનો ચમત્કાર દેખાડવાની શરુઆત કરી દીધી. બાર્સેલોનાને મહિલાઓની લીગમાં ઘરઆંગણે સફળતા અપાવનારી બોનમાતીએ એકથી વધુ વખત યુરોપીયન ચેમ્પિયન તરીકેનો ખિતાબ પણ ટીમને અપાવ્યો. તેના શાનદાર દેખાવને ધ્યાનમાં રાખીને ફ્રાન્સની લીયોન ટીમે તો બાર્સેલોનાને પાંચ લાખ યુરોની જંગી ટ્રાન્સફર ફી આપવાની તૈયારી દર્શાવી. જોકે, જંગી નાણાની લોભામણી ઓફર પણ બોનમાતીને લલચાવી ના શકી અને તેણે બાર્સેલોના કલબમાં જ તેની કારકિર્દીને આગળ ધપાવવાનો નિર્ણય લીધો.
2023ના વર્લ્ડ કપ પહેલા સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના મહિલા ખેેલાડીઓ તરફના ઓરમાયા વર્તનને જોતા બોનમાતી પણ અન્ય ખેલાડીઓ સાથે હડતાળમાં જોડાઈ. જોકે સ્પેનિશ ફેડરેેશને આખરે નમતુ જોખતાં તેણે અન્ય ખેલાડીઓ સાથે પુનરાગમન કર્યું અને ઈતિહાસમાં પહેલીવાર સ્પેનને વર્લ્ડ કપ અપાવ્યો. જોકે વર્લ્ડ કપના એવોર્ડ સમારંભમાં ફેડરેશનના પ્રમુખ રુબિયાલેસે ચેમ્પિયન ટીમની ખેલાડીને કીસ કરતાં ભારે વિવાદ સર્જાયો અને વર્લ્ડ કપની ઐતિહાસિક જીત વિવાદના વાદળોની વચ્ચે ઢંકાયેલી જ રહી ગઈ.
નીડર બનીને અવાજ ઉઠાવવા માટે જાણીતી બોનમાતી મહિલા સશક્તિકરણની સાથે સાથે શરણાર્થીઓની મદદ માટે પણ કામ કરતી રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના મિશન સાથે પણ જોડાયેલી રહીને સેવાકીય પ્રવૃત્તિઓને નવી ક્ષિતિજો સુધી વિસ્તારવાની માતા-પિતાની ઈચ્છા પૂરી કરી રહી છે. હજું માડ 25 વર્ષની વયે પહોંચનારી બોનમાતી આગામી સમયમાં સ્પેનને મહિલા ફૂટબોલમાં વધુ ઉંચાઈએ પહોંચાડશે, તેે નક્કી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો