બોક્સિંગ લેજન્ડ મુહમ્મદ અલીના વારસાને આગળ ધપાવવા બિયાજો અલી કટિબદ્ધ


નાની હોય કે મોટી પણ દરેક સફળતાના શિખર સુધી પહોંચવાનો સંંઘર્ષ એ એવરેસ્ટને સર કરવા જેટલું જ ભગીરથ કાર્ય બની રહે છે. અભાવોની વચ્ચે હોય કે વૈભવની વચ્ચે પણ જ્યાં સુધી વ્યક્તિ તેમાં જ સંતોષ માનવાને બદલે જ્યારે પોતાની આગવી પ્રતિભાની તલાશની સફર શરુ કરે છે, ત્યારે એક અલગ જ ઈતિહાસ રચાય છે. ઘણી વખત સ્પોટલાઈટથી દૂર રહીને ગુમનામીમાં સંઘર્ષ કર્યા બાદ સફળતાના શિખરોને સર કરવા અને કોઈ મહાન વ્યક્તિની ઓળખના પડછાયામાં રહીને આગળ વધવા પ્રયત્ન કરવો - એ બંનેમાં ઘણો તફાવત છે. જોકે બંંને પરિસ્થિતિમાં અલગ-અલગ છતાં પડકારો તો રહેલા જ છેે. એકમાં જરુરિયાતને પૂરી કરવાનો તો બીજામાં લોકોની અપેક્ષાઓનો ભાર વ્યક્તિના મનોબળની આકરી કસોટી કરે છે. આ બધા વચ્ચે ટકી રહેવાનો જુસ્સો જ સફળતાની પહેલી શરત બની રહે છે. 

રમત વિશ્વમાં ધ ગ્રેટેેસ્ટ તરીકેની ઓળખ ધરાવતા મહાન બોક્સર મુહમ્મદ અલીની ઓળખ આપવા માટે તો કહી શકાય કે, સિર્ફ નામ હી કાફી હૈ... મહાન બોક્સર હોવાની સાથે અમેરિકામાં રંગભેદ સામેની લડાઈમાં અગ્રણીની ભૂમિકા ભજવનારા મુહમ્મદ અલીએ જે ઊંચાઈ રમતવીર તરીકે હાંસલ કરી હતી, તેના કરતાં વધુ ઊંચાઈ તેમણે સમાજસેવા કરીને પ્રાપ્ત કરી હતી અને એટલે જ તેમના નિધનના સાત વર્ષ બાદ પણ હજુ તેમનું નામ લોકોના માનસપટલ પર ચિરપરિચિતો જેટલું જ તાજું છે. મુહમ્મદ અલીનો 25 વર્ષનો દોહિત્ર બિયાજો અલી વોલ્શ મિક્સ માર્શલ આર્ટની ફાઈટર્સ રિંગમાં ધૂમ મચાવી રહ્યો છે. 

બિયાજોની મિક્સ માર્શલ આર્ટના પ્રોફેશનલ ફાઈટર તરીકેની કારકિર્દી હજુ ઉદયમાન છે, પણ તેનો લડાયક મિજાજ તેમજ આક્રમકતા અને પાવરફૂલ પંચને જોતા ધ ગ્રેટેસ્ટની સહજ યાદ આવ્યા વિના ના રહે. એમએમએ તરીકે ઓળખાતી મિક્સ માર્શલ આર્ટના ફાઈટર તરીકે બિયાજોનો સૌપ્રથમ મુકાબલામાં પરાજય થયો હતો. જોકે ત્યાર બાદ તેણે લગલગાટ છ મુકાબલા જીતવાની સાથેે આગવો ખૌફ ઉભો કર્યો છે. 

યુવાનોમાં ભારે લોકપ્રિય બનેલી મિક્સ માર્શલ આર્ટમાં એકથી વધુુ રમતોના કૌશલ્યોની જરુર પડે છે. બોક્સિંગની સાથે કુસ્તી અને કરાટેની સાથે અન્ય માર્શલ આર્ટના સમન્વય સમાન મુકાબલામાં બે સ્પર્ધકો વચ્ચેનો સંઘર્ષ ઘણી વખત ગંભીર ઈજાનું કારણ પણ બનતો હોય છે. જોકે, ખેલાડીની ક્ષમતા અને જઝ્બાની ચરમસીમાની કસોટી આ મુકાબલામાં થાય છે અને તેમાં 25 વર્ષના બિયાજોએ ધીમે પણ મક્કમ ડગલેઆગળ વધતાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને તે એમએમએનો લાંબી રેસનો ઘોડો છે તેવો અણસાર તેણે તેના પર્ફોર્મન્સથી આપી દીધો છે. 

દુનિયાના સૌથી મોટા જુુગાર ખાના તરીકેની ઓળખ ધરાવતા લાસ વેગાસની સીન સિટીમાં રહેતા બિયાજોનું બાળપણ તો સંપન્ન પરિવારમાં પસાર થયું. તેમાંય મુહમ્મદ અલી જેવા ધુરંધરના પરિવાર સાથેે જોડાયેેલા હોવાના ગૌરવને કારણે તેને પરિચિતોમાં તેમ જ શાળામાંં અને મિત્ર વર્તુળમાં આગવું મહત્વ મળતું. તેની માતા અને મોહમ્મદ અલીની પુત્રી રાશેેદાએ બંને પુત્રો નિકો અને બિયાજોનો ઉછેર સમાન રીતે કર્યો. જોકે ઘણી વખત બિયાજોને તેના નાના નામને કારણે સંઘર્ષમાં પણ ઉતરવાનું થતું. ધુરંધર બોક્સરનો દોહિત્ર હોવાના કારણે શાળાના સિનિયરો કે પછી શેરી મિત્રો બિયાજોને મુકાબલા માટે પડકાર ફેંકતા અને આ કારણે તેનેે ના છુટકે સંઘર્ષમાં ઉતરવું પડતું.

મુહમ્મદ અલીના પરિવારના સભ્ય હોવાના કારણે પાપારાઝીઓની નજર પણ બિયાજો પર રહેતી. બાળપણમાં તેનો મોટો ભાઈ નિકો બોક્સિંગ તરફ આકર્ષાયો, જ્યારેે બિયાજોએ અમેરિકન ફૂટબોલ પર હાથ અજમાવવાનું નક્કી કર્યું અને તેણે રનિંગ બેક તરીકેના કૌશલ્યને વિકસાવ્યું. જુનિયર સ્તરની સફળતાને તે હાઈ સ્કૂલ તેમજ સિનિયર લેવલ સુધી પહોચાડી ના શક્યો અને આખરે તેણે ફિલ્મોનો અભ્યાસ શરુ કર્યો, પણ તેમાં પણ તેને મજા ના આવી. આખરે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકેનું કામ પણ શરુ કર્યું. આમ છતાં તેને તેના જીવનમાં અધૂરપનો અહેસાસ થયો. તેણે આ તબક્કે રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવવાનું નક્કી કર્યું.

લાસ વેગાસની ઝાકઝમાળ વચ્ચે ઉછરેલા બિયાજોને વિવિધ ક્ષેત્રોમાં મળેલી નિષ્ફળતાએ હતાશા તરફ ધકેેલી દીધો અને ધીરે ધીરે તે ડ્રગ્સના રવાડે પણ ચઢી ગયો. તેની હાલત જોઈને તેની માતા અને ભાઈ દુઃખી થતા પણ તેઓ કશુ કરી શકે તેમ નહતા. એક વખત બિયાજો તેના કેટલાક દોસ્તોની સાથે વેગાસના મિક્સ માર્શલ આર્ટ જીમમાં ગયો અને આ એક મુલાકાતે તેની જિંદગીને નવો વળાંક આપ્યો. તેની મુલાકાત કેટલાક મિક્સ માર્શલ આર્ટના ફાઈટર્સ સાથે થઈ અને તેણે પણ મિક્સ માર્શ આર્ટમાં જોડાવાનું નક્કી કર્યું. 

પોતાની ફિટનેસ અંગે વધુ જાગૃત બનેલા બિયાજોની ખરાબ આદતો ધીરે ધીરે છૂટવા લાગી અને તેણે જિંદગીને નવેસરથી ગોઠવવાની શરુઆત કરી. આ માટે તેણે ઘરની નજીક આવેલી એક કલબના સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ નોકરી સ્વીકારી લીધી. નાના મુહમ્મદ અલીએ બિયાજોને સલાહ આપી હતી કે, હંમેશા વિનમ્ર બનજે. આ સલાહ તેણે ગાંઠે બાંધી લીધી છે. કલબમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવાની સાથે મિક્સ માર્શલ આર્ટના જીમમાં કમર કસનારા બિયાજોએ એમેચ્યોર ફાઈટર તરીકે પ્રભાવક સફળતા મેળવી હતી.

એમએમએના એમેચ્યોર ફાઈટરે ત્યાર બાદ પ્રોફેશનલ રિંગમાં ડગ માંડ્યા. જ્યાં શરુઆતમાં મળેેલી આંચકાજનક હારને કારણેે મિક્સ માર્શલ આર્ટમાં સફળતા મેળવવાની ભૂખ વધુ ઉઘડી અને ત્યાર બાદ તેણે શાનદાર દેખાવ કરતાં એક પછી એક મુકાબલા જીતવા માંડ્યા છે. યુવા વયે કેજ ફાઈટમાં કરેલો સંઘર્ષ પણ તેને હવે મિક્સ માર્શલ આર્ટમાં ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. બિયાજો કહે છે કે, એમએમએ અત્યંત આક્રમક છે અને તેમાં તમારે હરિફ પર તુટી જ પડવાનું હોય છે. મારા સ્વભાવને પણ આ મુકાબલા વધુ અનુકૂળ આવે તેવા છે અને તેના જ કારણે મને આ મુકાબલા વધુ ગમે છે. 

મુહમ્મદ અલીની જેમ બિયાજોનો સ્વભાવ પણ પરગજુ છે. હજુ તો માંડ પોતાના પગ પર ઉભા થઈ રહેલા બિયાજોનું આયોજન ઘણું વિશાળ અને ઉમદા છે. તે કહે છેે કે, હું હંમેશા ઘરવિહોણા લોકોની મદદ કરવા માટે આતુર રહું છું. તેમના માટે કંઈક કરવા માગુ છું. બેસહારા અને ક્રૂરતાનો ભોગ બનેલા બાળકોને મારે જિંદગીના જંગમાં લડવા માટે તૈયાર કરવા છે. તેમને ફિટનેસ અંગે જાગૃત કરવાની સાથે પ્રોફેશનલ ફાઈટર બનવા માટે મદદ કરવા હું તૈયાર છું. મિક્સ માર્શલ આર્ટને સહારે પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે મહેનત કરી રહેલો બિયાજો અલીને જાણકારો ભવિષ્યના સુપરસ્ટાર તરીકે ઓળખાવી રહ્યા છે. 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી