સેનેગલનો ફૂટબોલર સાદિયો માને માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યો છે


પરિસ્થિતિના બંધનોને તોડીને આકાશની ઉંચાઈને હાંસલ કરવાનો ઈરાદાની પાછળ સર્વસ્વ દાવ પર લગાવવાનો મિજાજ જ અસાધારણ સફળતાને પામી શકે છે. પ્રત્યેેક વિઘ્ન એ જિંદગીનું ઘડતર કરે છે. તેના થકી કૌશલ્યનો વિકાસ થાય છે અને તેના થકી જ અચાનક આવી પડતી મુશ્કેલીનો ત્વરિત ઉકેલ લાવવાની કુશળતાને હસ્તગત કરી શકાય છે. દરેક સંઘર્ષ વહેલા કે મોડા એક મંઝિલને પામે છે. જોકે, ખાઈમાંથી શિખર સુધીનો કોઈ પણ પ્રયાસ ક્યારેય એકલપંડે હોતો નથી. દરેક ડગલે મનુષ્ય યત્નની સાથે ઈશ્વર કૃપા અને એક મદદગાર હાથ તો સાથેે રહે છે, જેનો અહેસાસ જ સફળતામાંથી મહાનતાને પ્રગટાવે છે. માત્ર વ્યવસાયિક સફળતાએ દુનિયામાં આગવો પ્રભાવ ઉભો કરી શકે છે, પણ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સાથીઓ પ્રત્યેની સંવેદના અને દુનિયાને કંંઈક બહેતર આપી જવાની ભાવના લોકહૃદયમાં સ્થાન અપાવે છે.

રમતના મેેદાનની સાથે સાથે દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ કૌશલ્ય થકી કરોડોની કમાણી કરવી અશક્ય નથી, પણ પોતાની તરફ ધસમસતા આવતા નાણાંના પ્રવાહમાં તણાઈ જનારા તો અનેક હોય છે, પણ યોગ્ય દિશામાં વાળવાની આવડત જૂજ કેળવી શકેે છે અને આવી જ આવડત સેનેગલના ફૂટબોલર સાદિયો માનેએ દર્શાવી છેે. એટલાન્ટિક સમુદ્રના કાંઠે આવેલા પશ્ચિમી આફ્રિકાના દેશ સેનેગલમાં જન્મેલા સાદિયો માનેની ફૂટબોલ ખેલાડી તરીકેની કુશળતા પર આખી દુનિયા આફરીન પોકારી ચૂકી છે. આફ્રિકન ફૂટબોલના ઈતિહાસના ધુરંધરોમાં સાદિયોનું આગવું સ્થાન છે. 

સાદિયોની વિશેષતા તેનું ફૂટબોલ પરનું ગજબનાક નિયંત્રણ છે. જેેમ કોઈ પાલતું જાનવર તેના માલિકના એક જ ઈશારે ગતિ કરવા માંડે તેવું જ કામ સાદિયો માને ફૂટબોલની પાસેથી લઈ શકે છેે અને આ જ કારણે તેની રમત તરફની એકાગ્રતા અને રમતની ઝડપની સાથે એકાકાર થઈ જવાની સહજતાને તેના સાથી ખેલાડીઓ જ નહીં, પણ ટોચના દિગ્ગજ કોચીસ પણ સલામ કરે છે. 

31 વર્ષની ઉંમરે પહોંચેલો સાદિયો છેેલ્લા 11 વર્ષથી આંતરરાષ્ટ્રીય અને કલબ ફૂટબોલમાં તેની પ્રતિભાની ચમકથી દુનિયાને ચકિત કરી રહ્યો છે. ફ્રાન્સની મેટ્ઝ કલબથી 2012માં કારકિર્દીનો પ્રારંભ કરનારો સાદિયો ઓસ્ટ્રીયાની સાલ્ઝબર્ગ, ઈંગ્લિશ પ્રીમિયર લીગની સાઉધમ્પ્ટન અને લીવરપૂલ તેમજ જર્મન કલબ બાયર્ન મ્યુુનિખ તરફથી રમી ચૂક્યો છે અને હાલ તે સાઉદી પ્રો લીગમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના સાથી તરીકે અલ-નાસર કલબમાં સપ્તાહની સાત કરોડ રુપિયાના કોન્ટ્રાક્ટ સાથે રમી રહ્યો છે, જે ઈંગ્લેન્ડના પાઉન્ડમાં સાડા છ લાખ થવા જાય છે. કલબ ફૂટબોલમાં 534થી વધુ મેચીસમાં 218 ગોલ ફટકારી ચૂકેલા સાદિયોએ ઓસ્ટ્રીયા, ઈગ્લેન્ડ, જર્મની અને આરબ ફૂટબોલમાં નેશનલ ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. આટલું જ નહીં, સેનેગલની ટીમ તરફથી પણ તેણે છેલ્લા 11 વર્ષથી 104 મેચમાં 41 ગોલ ફટકાર્યા છે અને તેની હાજરીમાં રાષ્ટ્રીય ટીમ આફ્રિકા કપ ઓફ નેશનમાં 2019માં રનરઅપ અને ત્યાર બાદ 2021માં ચેમ્પિયન બની ચૂકી છે.

માત્રને માત્ર ફૂટબોલને કિક મારતાં-મારતાં સાદિયોએ માત્ર તેની ખુદની જ નહીં પણ તેના પરિવારજનો અને સાથીઓની જિંદગીને ગરીબાઈ અને અભાવોમાંથી બહાર કાઢી છે. ફૂટબોલને સહારે વિશ્વ ખ્યાતીની સાથે અઢળક નાણા હાંસલ કરનારા સાદિયોનો જન્મ સેનેગલના બામ્બાલી નામના નાનકડા ગામડામાં સાધારણ પરિવારમાં થયો હતો. દારુણ ગરીબી અને અભાવોની વચ્ચે ઉછરી રહેલા સાદિયોને ફૂટબોલ રમવાનું ખુબ જ ગમતુ. તેની દિનચર્યામાં ફૂટબોલ જ એક એવો હતો કેે, જે તેનું તમામ દુઃખ-દર્દ ભુલાવી દેતો અને આ ફૂટબોલની પાછળ પાછળ આગળ વધવાના સાદિયોના સ્વપ્નને પહેલા તો તેના પિતાએ જ અટકાવવાનો પ્રયાસ કર્યો. 

પિતાની અનિચ્છા છતાં સાદિયોને ભરોસો હતો કે, આ ફૂટબોલ જ મારી જિંદગીને બદલી શકે તેમ છે. ફૂટબોલના મેદાનને જીવન સમર્પિત કરવા ઈચ્છતાં સાદિયો પરિવારથી છુપાઈને રમવા જતો. તે માત્ર સાત વર્ષનો હતો, ત્યારે સાદિયોના પિતાનું અવસાન થયું. આ પછી સાદિયોને માટે ફૂટબોલની રાહ અનુકૂળ બની ગઈ અને માત્ર 15 વર્ષની વયે તેણે ટોચના ફૂટબોલર બનીને નાણાં કમાવાના ઈરાદા સાથે ઘર છોડી દીધું. આ માટે તેના બાળપણના લુક જિબોને પણ મદદ કરી. 

ફૂટબોલની પાછળના પાગલપનને કારણે ઘરબાર છોડીને નીકળી પડેલા સાદિયો માટે પાછા ફરવું શક્ય નહતુ અને તેની પાસે આગળ વધવાનો એકમાત્ર જ રસ્તો હતો. સેનેગલમાંથી પ્રતિભાશાળી કિશોર ફૂટબોલરોની તલાશ કરતી એક એકેડમીએ સાદિયોને ફ્રેન્ચ કલબ મેટ્ઝ સુધી પહોંચાડ્યો અને આ ઉભરતા 20 વર્ષના સિતારાને ઓસ્ટ્રીયન કલબે સાલ્ઝબર્ગે 2012માં 20 લાખ પાઉન્ડમાં કરારબદ્ધ કર્યો. સાદિયોને જિંદગીમાં પહેલીવાર આટલી મોટી રકમ જોવા મળી. જોકે આ તો ફૂટબોલના આકાશમાં સાદિયોની પહેલી ઉડાન હતી. 

ઓસ્ટ્રીયન કલબ સાલ્ઝબર્ગ તરફથી સાદિયોએ પ્રભાવશાળી દેખાવ કરતાં દુનિયાની ટોચની કલબો તેના તરફ આકર્ષાવા લાગી હતી અને 2014માં ઈંગ્લિશ પ્રીમિયર લીગની સાઉધમ્પ્ટને કલબે તેને જંગી રકમની સાથે કરારબદ્ધ કરી લીધો. ત્યાર બાદ તો તેણે લીવરપૂલ તેમજ બાયર્ન મ્યુનિચ તરફથી પણ કમાલનો દેખાવ કરી બતાવ્યો. કલબ ફૂટબોલમાંથી કમાણી કરીને આગળ વધી રહેલા સાદિયો ક્યારેય તેની બાળપણની પરેશાનીઓ અને તેના જેવી જ પીડા ભોગવી રહેલા દેશવાસીઓને ભૂલી શક્યો નથી.

સાદિયોની ફૂટબોલર તરીકેની આવકમાં જેમ જેમ વધારો થતો ગયો, તેમ તેમ તેણે તેની માતૃભૂમિના ઋણને ઉતારવા માટે શરુ કરેલા નાના-નાના ઝરણા સમાન પ્રયાસો હવે મહાનદીમાં ફેરવાઈ રહ્યા છે.  સાદિયોએ તેના જીવનકાળમા યુરોપના મોટાભાગના દેશોનો પ્રવાસ ખેડ્યો છેે અને આ જ કારણે તે સારી રીતે જાણે છે કે, દુનિયાની વિકાસયાત્રામાં હાલ સેનેગલ ક્યા ઉભું છે. વળી, તેના અંગત જિંદગીના અનુભવોએ તેના પર ઘેરી અસર કરી છે. સાદિયોએ ગરીબીમાં ઉછરી રહેલા બાળકોને વિશ્વસ્તરનું શિક્ષણ મળી રહે તેમ જ ગરીબ પ્રજાને ઉચ્ચ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે પોતાના ખર્ચે સ્કૂલ અને હોસ્પિટલ શરુ કર્યા છે.

ભૂતકાળને વાગોળતા સાદિયો કહે છે કે, હોસ્પિટલનો અભાવ કેટલો કષ્ટદાયક હોય છે, તેનો મારાથી વિશેષ અનુભવ કોને હોઈ શકે. જ્યારે હું સાત વર્ષનો હતો, ત્યારે મારા પિતા બીમાર પડ્યા. અમારા ગામમાં ત્યારે હોસ્પિટલ નહતી. અમેે સાધારણ દવાઓ કરીને ચલાવ્યું, પણ આખરે જ્યારે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેમનો રોગ એટલો વધી ચૂક્યો હતો કે, તેમને બચાવી ના શકાયા. 

માનવ મન પર બાળપણની ઘટનાઓની ઘણી ઘેરી અસર પડતી હોય છે અને તેના જ કારણે આજે સાદિયોએ શાળા અને હોસ્પિટલની સાથે સાથે સેનેગલમાં એક ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાવ્યું છે. જેથી, તેના જેવા બાળકોને પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેની જેમ અહીંથી ત્યાં ભટકવું ન પડે. ફૂટબોલર તરીકેની વ્યક્તિગત સફળતાની સાથે સાથે સાદિયોએ તેની વ્યક્તિગત કમાણીમાંથી તેના દેશવાસીઓના અંધકારમય જીવનમાં પ્રકાશ રેલાવવાનો કરેલો પ્રયાસ તમામને માટે ઉદાહરણરુપ જ નહીં પણ અનુકરણીય પણ છે. ઘણી વખત નાના-નાના પ્રયાસો થકી જ ઘણા મોટા અને અસાધારણ પરિવર્તનો થઈ શકે છે અને સાદિયો માને તેનું જિવંત ઉદાહરણ બની રહ્યો છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી