સેબાસ્તીયન હાલેર : દોઢ વર્ષ પહેલા કેન્સર સામે વિજય, હવે આફ્રિકન ફૂટબોલમાં ચેમ્પિયન


ઘણી વખત નાની-નાની ઘટનાઓ જિંદગી પર ઘણો મોટો પ્રભાવ છોડી જતી હોય છે. એકાદ નાનકડો વળાંક વિરાટ જહાજને એવી નવીનતમ સફર પર અગ્રેસર કરી દે છે, જેમાં ઘણી વખત પૂર્વનિર્ધારિત રાહ કરતાં વધુ તોફાનો આવે છે, પણ આખરે તેના થકી જે મંઝિલને હાંસલ કરી શકાય છે, તે ખરેખર બેજોડ હોય છે. નિર્ધારિત લક્ષ્ય કરતાં પણ વધુ ઊંચાઈને હાંસલ કરવા માટેની પાયાની શરત એ છે કે, સરેરાશ સાથીઓ પર નજર દોડાવ્યા વિના જ પોતાની જ મહેનતની રેખાને લંબાવી દેવામાં આવે. આ સાથે પોતાના નિર્ણયમાં ભરોસો રાખવો પણ જરુરી છે અને તેના થકી જ કલ્પનાતીત સફળતાને હાંસલ કરી શકાય છે. આવી જ અસાધારણ અને અનપેક્ષિત સફળતા પશ્ચિમી આફ્રિકન દેશ આઈવરી કોસ્ટના ફૂટબોલર સેબાસ્તીયન હાલેરે હાંસલ કરી બતાવી છે. 

યુરોપીયન દેશો વચ્ચેની મેજર ફૂટબોલ ચેમ્પિયનશિપ જેમ યુરો કપ તરીકે અને એશિયાના દેશો વચ્ચેની એલિટ ફૂટબોલ ટુર્નામેન્ટ જેમ એશિયન કપ તરીકે ઓળખાય છે, તેવી જ રીતે આફ્રિકન દેશો વચ્ચેની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ કે જે આફ્રિકન કપ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે, તેમાં પશ્ચિમી આફ્રિકન દેશ આઈવરી કોસ્ટે ચેમ્પિયન બનવાની સાથે અનોખો ઈતિહાસ રચી દીધો છે. ઘરઆંગણે યોજાયેલા આફ્રિકન કપ ઓફ નેશન્સના પ્રારંભે કોઈને કલ્પના પણ નહતી કે, આઈવરી કોસ્ટની ટીમ ટાઈટલ જીતી લેશે, પણ તેમણે બધાની અપેક્ષાઓને ઊંધી વાળવાની સાથે સાથે નવો કીર્તિમાન સ્થાપિત કરતાં ઓવરઓલ ત્રીજી વખત અને આઠ વર્ષમાં પહેલીવાર આફ્રિકન ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો. આઈવરી કોસ્ટની સફળતામાં સ્ટ્રાઈકર સેબાસ્તીયન હાલેરે નિર્ણાયક ભૂમિકા ભજવી.

જેમ ગરમ લોઢા પર મારેલો ઘા જ લેખેે લાગેે છેે, તેમ હાલેરે પણ આખી ટુર્નામેન્ટમાં માત્ર બે જ ગોલ ફટકાર્યા. જોકે બંને ગોલ આઈવરી કોસ્ટ જ નહીં, પણ સમગ્ર આફ્રિકન કપ ઓફ નેશન્સના ઈતિહાસમાં અમર થઈ ગયા. તેણે સેમિ ફાઈનલમાં કોંગો સામે મેચનો એકમાત્ર અને ફાઈનલમાં નાઈજીરિયા સામે તેની ટીમ તરફથી બીજો અને વિજયી નીવડેલો ગોલ ફટકાર્યો. જેના પરિણામે આઈવરી કોસ્ટને આફ્રિકન ચેમ્પિયન બનાવવાનો શ્રેય સાથી ખેલાડીઓ કરતાં તેના ફાળે વિશેષ જાય છે. ઘરઆંગણે યોજાયેલા આફ્રિકન કપ ઓફ નેશનમાં દરેક વેળાએ બહાર ફેંકાવાના આરે ધકેલાયા બાદ આઈવરી કોસ્ટે પુનરાગમન કરતાં જે પ્રકારે ટાઈટલ જીતી બતાવ્યું તે પણ કોઈ ચમત્કારથી કંઈ કમ નથી. ગ્રૂપ સ્ટેજની નાલેશી પછી તો તેમના હેડ કોચ જેન-લુઈસ ગાસેટની હકાલપટ્ટી કરવામાં આવી અને સાવ નવા-સવા ઈમેર્સ ફાઈને તેમનું સ્થાન આપવામાં આવ્યું. આ બધા પરિવર્તનોના ઝંઝાવાત, ઘરઆંગણાના પ્રેક્ષકોની નારાજગી, સ્ટાર ખેલાડીઓની મીડિયામાં બેફામ ટીકા અને દરેક મેચમાં નબળી ટીમ તરીકે ઉતરવા છતાં આઈવરી કોસ્ટે ટાઈટલ જીતીને સાબિત કર્યું કે, છેક છેલ્લી ઘડી સુધી લડી લેવાનો મિજાજ જ અણધાર્યા પરિણામો આપી શકે છે. 

આફ્રિકન કપ ઓફ નેશન્સમાં આઈવરી કોસ્ટની સફળતા જેટલી ચમત્કારિક અને અસાધારણ રહી છે, તેના કરતાં તેમના સુપરહીરો સેબાસ્તીયન હાલેેરે અંગત જિંદગીના ઝંઝાવાતોનો એકલપંડે સામનો કરીને પોતાની ક્ષમતાને શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચાડવા કરેલો સંઘર્ષ એ કોઈ પરિકથા કરતાં પણ કમ નથી. આ જ કારણે આઈવરી કોસ્ટના આ ખેલાડીની જિંદગીની સફર અને સફળતા આજે આખી દુનિયાના યુવા ફૂટબોલરો માટે પ્રેરણાનો સ્રોત બની રહી છે.

હાલેરનો જન્મ ફ્રાન્સની રાજધાની પેરિસની નજીક આવેલા ઈસ્સોનેના રિસ-ઓરાન્જીસ ખાતે 22મી જુન, 1994ના રોજ થયો હતો. હાલેેરના પિતા ફ્રેન્ચ હતા અને તેની માતા આઈવરી કોસ્ટની હતી. ફ્રાન્સના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા હાલેેરનું ધ્યાન ફૂટબોલમાં જ વિશેેષ રહેતું અને તેની યુવા પ્રતિભાને ફ્રાન્સની એક્સેરે કલબમાં સ્થાન આપવામાં આવ્યું. સમવયસ્ક ખેલાડીઓમા પોતાની ગોલ ફટકારવાની કુશળતાને પગલે તેણે આગવું આકર્ષણ જમાવ્યું અને માત્ર 15 વર્ષની વયે તેેને ફ્રાન્સની અંડર-16 ફૂટબોલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ થયો. યુરોપીયન ફૂટબોલના કેન્દ્રબિંદુ સમાન ફ્રાન્સની યુવા ટીમમાં સ્થાન મેળવનારા આ ખેલાડી પર ઘણી ટીમોની નજર પડી.

આખરે 17 વર્ષની વયે તેને ફ્રાન્સની જ એયુક્ષેર કલબે જુનિયર ટીમમાં કરારબદ્ધ કરી લીધો. ત્યાર બાદ તેની કલબ ફૂટબોલની કારકિર્દી નેધરલેન્ડ અને જર્મન કલબ યુટ્રેચ્ટ અને એન્ટ્રેચ્ટ ફ્રેન્કફર્ટ સુધી વિસ્તરી હતી. આ દરમિયાન તે અંડર-16 થી લઈને અંડર-21 સુધી તમામ છ એજ ગ્રૂપની સ્પર્ધાઓ માટેની ફ્રાન્સની ટીમમાં સામેલ રહ્યો હતો. આખરે 2019માં ઈંગ્લિશ પ્રીમિયર લીગની વેસ્ટ હામ યુનાઈટેડે તેને કરારબદ્ધ કરી લીધો. આ દરમિયાન જ તે ફ્રાન્સ જુનિયર ટીમમાંથી સીનિયર ટીમમાં સ્થાન મેળવવાની તૈયારીમાં હતો.

જોકે, નવેમ્બર, 2020માં આઈવરી કોસ્ટના હેડ કોચ તરીકે ફ્રાન્સના પેટ્રિક બેઉમેલે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓએ હાલેરનો સંપર્ક સાધ્યો. તેમણે હાલેરને તેની માતાના વતન આઈવરી કોસ્ટની ટીમમાંથી રમવા માટેની ઓફર મૂકી. એક તરફ હાલેેર સામે ફ્રાન્સની સુપરસ્ટાર ટીમનો હિસ્સો બનવાની તક હતી. જ્યારે બીજી તરફ માતાના વતન એવા પશ્ચિમી આફ્રિકન દેશના ફૂટબોલના ઉત્કર્ષના યજ્ઞમાં તેને તેની જાતને હોમી દેવાની હતી, જેમાં આગળ શું થશે તેની કલ્પના પણ નહતી. હાલેરે આ સમયે આઈવરી કોસ્ટની ટીમની સાથે જોડાવાનો નિર્ણય લીધો. તેના આ નિર્ણયને ઘણા વિવેચકોએ તેની કારકિર્દી માટે આત્મઘાતી ગણાવ્યો હતો. 

ટીકાકારોના આકરા શબ્દો છતાં હાલેેરે ગૌરવપૂર્ણ રીતે તેના નિર્ણયને વળગી રહેવાનું પસંદ કર્યું. તેણે 2020ના આફ્રિકન કપ ઓફ નેશન્સમાં ભાગ લીધો, જેમાં આઈવરી કોસ્ટની ટીમ રાઉન્ડ ઓફ 16માં જ હારીને બહાર ફેંકાઈ. આ પછીના વર્ષે તે ડચ કલબ એજાક્સમાં જોડાયો, જ્યાં પણ સ્ટ્રાઈકર તરીકેની પ્રતિભાને આગવો નિખાર મળ્યો. 

રાષ્ટ્રીય અને કલબ ફૂટબોલમાં પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી હાલેરની જિંદગીને વર્ષ 2022માં અચાનક જોરદાર આંચકો લાગ્યો. તે છ જુલાઈ, 2022ના રોજ તો નેધરલેન્ડની કલબ એજાક્સમાંથી 3.1 કરોડ યુરો એટલે કે 275 કરોડથી વધુના કોન્ટ્રાક્ટ સાથે જર્મન ફૂટબોલ કલબ બોરુસિયા ડોર્ટમંડની સાથે જોડાયો. નવા પડકારો અને ઊંચા પગારનો તેનો આનંદ બે સપ્તાહ પણ ના ટક્યો અને તેને મેલિગ્નેન્ટ ટેસ્ટીક્યુલર (વૃષણ) કેન્સર હોવાનું નિદાન થયું. તેની સામે હવે આ મહારોગમાંથી શરીર અને મનને બહાર કાઢવાનો મોટો પડકાર હતો. 

કિમોથેરાપીના સેશન્સ અને તબક્કાવાર કરવામાં આવેલી બે સર્જરી છતાં એક રમતવીર તરીકે સતત ઝઝૂમતા રહેવાના તેના સ્વભાવને કારણે જ હાલેર અન્યોની તુલનામાં પોતાની જાતને વધુુ સારી રીતે સ્વસ્થ રાખી શક્યો. દવાઓની શરીર પરની અસરો અને પીડા છતાં મનથી જિજીવિષાને સતત ધબકતી રાખવી આસાન હોત નથી. આમ છતાં હાલેરે આ કપરા સમયમાં પણ ધીરજ અને જિંદાદિલી સાથે પસાર કર્યો અને સાત મહિનાના દુુર્ગમ વનવાસ બાદ આખરે તેણે જાન્યુઆરી-2023થી સ્પર્ધાત્મક ફૂટબોલમાં પુનરાગમન કર્યું. તેની સારવાર પર નજર રાખી રહેલા આઈવરી કોસ્ટે તો તેના પુનરાગમનના એક મહિના પહેલા જ આફ્રિકન કપ ઓફ નેશન્સની ટીમમાં તેને સામેલ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. 

કેન્સરમાંથી માંડ બેઠા થયેલા હાલેરને જાણે આગવી ફિટનેસ અને ફોર્મ મેળવવાની તક કુદરતે જ કરી આપી. આફ્રિકન કપ ઓફ નેશન 2023ના જુન-જુલાઈમાં યોજાવાનો હતો. જોકે, વાવાઝોડા અને વરસાદી તોફાનોના પ્રદેશ એવા આઈવરી કોસ્ટમાં તે મૌસમમાં ટુર્નામેન્ટ શક્ય બને તેમ જ નહતી. આ કારણે તેને જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2024માં ખેડવાનો નિર્ણય લેવાયો અને હાલેરને છ મહિના જેટલો વધુ સમય મળી ગયો.  આ પછી ઘરઆંગણાના આફ્રિકન કપ ઓફ નેશનમાં કંગાળ શરુઆત અને દરેેક મુકાબલામાં છેલ્લી ઘડીના કમબેેકને સહારે આઈવરી કોસ્ટે નવો ઈતિહાસ રચી દીધો છેે.

આફ્રિકન ચેમ્પિયન તરીકેની ટ્રોફી ઊંચકવાની સાથે હાલેરની આંખોમાંથી હર્ષાશ્રુ ટપકી પડ્યા હતા. દેશવાસીઓની સાથે પોતાના આનંદની અભિવ્યક્તિ કરતાં હાલેરે કહ્યું કે, આ પળ અંગે ઘણી વખત સ્વપ્ન જોયું હતુ, પણ ક્યારેય કલ્પના નહતી કરી કે, તે સાચું પણ પડશે. હાલેરની જિંદગીની રોલર-કોસ્ટર રાઈડ જેવી સફર જેટલી રોમાંચક છે, તેટલી જ ભયાનક પણ છે. દરેક ડગલે સફળતા અને નિષ્ફળતાની પરવા કર્યા વિના માત્ર ટકી રહેવાનો પ્રયાસ અને તેમાં મળેલી સફળતા જ શ્રેષ્ઠતા સુધી પહોંચાડી શકે છે, તેનું જીવંત ઉદાહરણ બનીને હાલેર દુનિયાની સામે છે. 


ટિપ્પણીઓ

  1. "Destiny is not a matter of chance, but of choice. It is not something to be waited for, but something to be achieved."

    જવાબ આપોકાઢી નાખો
  2. Although cancer may challenge our bodies, it cannot diminish our spirit, weaken our resolve, or extinguish our hope.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કિંગ લેબ્રોન જેમ્સ : બાસ્કેટબોલમાં જિવંત દંતકથા બની ગયેલો ખેલાડી

ભારતની એશિયન ગેમ્સની યાદગાર સફરનું વિહંગાવલોકન

જીમ્મી જ્યોર્જ : ભારતીય વોલીબોલને વિશ્વફલક પર ગૌરવ અપાવનારો મહાન ખેલાડી