ઝારખંડના નાનકડા ગામથી હોકી ખેલાડી સલીમાની ભારતીય ટીમની કેપ્ટન સુધીની સફર
સફર મેં ધૂપ ભી હોગી, ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો - જાણીતા શાયર નીદા ફાઝલીના શબ્દો એ જિંદગીની સામે પડકાર ફેંકે છે. જેને આગળ વધવું છે. જેેને કંઈક હાંસલ કરવું છે, તેણે પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રવાસ જાતે જ કરવાનો છે. જ્યારે વહેતા પ્રવાહમાંથી બહાર આવીને નવી દિશામાં આગળ વધવાનો પ્રયાસ શરુ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે મનોમંથન અને સંઘર્ષનો જન્મ થાય છે. આ મનોમંથન અને સંઘર્ષમાં ઉતરી જનારા હજ્જારો હોય છે, પણ તેમાં ટકી રહીને પાર ઉતરનારા જૂજ હોય છેે અને તેઓને જ જેિંદગીમાં એક અલગ મુકામ હાંસલ થઈ શકે છે.
આધુનિકતાના મુખ્ય પ્રવાહથી ક્યાંક છેવાડે રહી ગયેલા ઝારખંડમાં આવેલા સિમડેગા જિલ્લાના બડકી છાપર નામના નાનકડા ગામમાં અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલી સલીમા ટેટેએ તેની અસાધારણ પ્રતિભા અને પરિશ્રમ થકી સ્વદેશી રમત હોકીને આત્મસાત્ કરી છે. 23 વર્ષની સલીમા ટેટેેએ દ્રઢ ઈચ્છાશક્તિ અને મનોબળને સહારે તમામ વિઘ્નોને પાર કરીને ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન બનવા સુધીની સફર ખેડી છે અને સાબિત કર્યું છે કે, જિંદગીમાં ક્યારેય કશું અશક્ય નથી. હોકીના નિયમોમાં રહીને હોકી સ્ટીકને ધારે તેમ ફેરવવાની અને રમતની ઝડપની સાથે તાલ મિલાવવામાં સ્હેજ પણ ચૂક ન કરનારા તેના પગને કારણે આજે સલીમા દેશની ટોચની મહિલા ખેલાડી બની શકી છે.
આંતરરાષ્ટ્રીય હોકીમાં ગત વર્ષે સલીમાએ ભારતીય ટીમ તરફથી નિર્ણાયક દેખાવ કરી બતાવ્યો છે અને આ જ કારણે તેએ દેશની શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ પણ જીત્યો હતો. જબરજસ્ત ફિટનેસ અને હોકી સ્ટીકને ધારે તેમ ફેરવવામાં કુશળતા ધરાવતી સલીમાએ તેની કારકિર્દીની શરુઆત રક્ષા પંક્તિની ખેલાડી તરીકે કરી હતી, પણ મેદાન પર કોઈ પર સ્થાન પર રમવાની તેની આવડતને કારણે રક્ષામાંથી આક્રમણ પંક્તિની ખેલાડી તરીકે આગળ વધ્યા બાદ હાલમાં તેને મીડફિલ્ડની જવાબદારી સોંપવામાં આવી છે અને તે દરેક વેળાએ ટીમના કોચની અપેક્ષાઓ પર ખરી ઉતરવામાં સફળ રહી છે. આ જ સલીમાની રમતની કુશળતા છે. તે ધારે તેવી સ્થિતિમાં ઢળી જઈ શકે છે અને તેના જ કારણે તેણે રાષ્ટ્રીય ટીમને નવેસરથી બેઠી કરવાનું બીડું ઝડપ્યું છે.
હોકીનું નામ પડે એટલે સ્વાભાવિક રીતે જ પંજાબની યાદ આવ્યા વિના ન રહે. જોકે મહિલા હોકીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝારખંડે આગવું કાઠું કાઢ્યું છે અને તેમાં સલીમા ટેટેનું પ્રદાન મહત્વનું રહ્યું છે. ટોકિયો ઓલિમ્પિકની મહિલા હોકી ટીમે ખળભળાટ મચાવતા ચોથું સ્થાન હાંસલ કર્યું, ત્યારે મેદાન પર મુકાબલો ખેલાનારી ભારતીય હોકીની જાંબાઝ ખેલાડીઓમાં સલીમાનો પણ સમાવેશ થતો હતો.
આઠ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સલીમા 100 થી વધુ મુકાબલા ખેલી ચૂકી છે અને તેના નામે 15 ગોલ પણ અંકિત થયેલા છે. વર્ષ 2018માં યુથ ઓલિમ્પિકમાં રજત સફળતા મેળવનારી ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન તરીકે સલીમાએ જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત વર્ષ 2022માં મસ્કતમાં યોજાયેલા મહિલા એશિયા કપ અને તે જ વર્ષે યોજાયેેલી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કાંસ્ય અપાવવામાં ઝારખંડની આ ખેેલાડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યા બાદ પણ સતત કોચના માર્ગદર્શન અને સૂચના અનુસાર પોતાની રમતમાં સુધારો કરતી રહેલી સલીમા 2023માં યોજાયેલી હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ કાંસ્ય જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતી.
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મહિલા હોકી ટીમને સુવર્ણ સફળતા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવનારી સલીમા ટેટેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેેર કરવામાં આવી. યોગાનુંયોગ તેણે આ સફળતા તેના વતન રાંચીમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં જ મેળવ્યું અને કુલ મળીને પાંચ ગોલ ફટકારતા તે ટુર્નામેન્ટમાં ભારતની સેકન્ડ હાઈએસ્ટ ગોલ સ્કોરર રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની નિષ્ફળતાને પગલે થયેેલા નેતૃત્વ પરિવર્તનમાં સવિતા પુનિયાના સ્થાને સલીમાને સુકાન સોંપવામાં આવ્યું છે, ત્યારે ઝારખંડની આ સૌપ્રથમ મહિલા ઓલિમ્પિયન ભારતીય મહિલા હોકીને નવી દિશામાં આગળ ધપાવવા માટે તૈયારી કરી રહી છે.
ભારતીય હોકીમાં સલીમાનું નામ અજાણ્યું નથી. ઝારખંડના સિમડેગા જિલ્લાના બડકી છાપરમાં રહેતા ગરીબ પરીવારના બીજા સંતાન તરીકે સલીમાનો 27મી ડિસેમ્બર, 2001ના રોજ થયો હતો. સુલક્ષણ અને સુબાની પર પરિવારના છ સંતાનોના પાલન-પોષણની જવાબદારી હતી. તેમની પાસે છ એકર જમીન હતી, પણ મોટાભાગની જમીન ખડકાળ હતી એટલે માંડ એક જ મૌસમમાં પાક તૈયાર થયો. આ જ કારણે તેઓ છૂટક કામ કરીને જીવન પસાર કરતાં. સુલક્ષણ એક જમાનામાં હોકી ખેલાડી રહી ચૂક્યા હતા. તેઓ પરિવારની જમીન પર ઉગાડેલી સીતાફળીના બગીચાની દેખરેેખ રાખતા અને તે કામમાં મદદ કરવા આવતી નાનકડી સલીમાને તેઓ હોકી પણ શીખવતા.
સલીમા નવ વર્ષની હતી, ત્યારથી તેના ભાઈ-ભાંડુઓની સાથે હોકી રમવા લાગી અને તેના પિતાએ ગામની હોકી ટીમમાં તેમની પુુત્રીનું નામ પણ લખાવી દીધું. સલીમાની પાડોશમાં રહેતી નિક્કી પ્રધાન અને સંગીતા કુમારીએ પણ ત્યારે તેની સાથે હોકી રમતાં. ગામ-ગામ વચ્ચેની મેચમાં જ્યારે સલીમાના દેખાવને કારણે ટીમ વિજેતા બનતી, ત્યારે તેને ઈનામમાં બકરી તેમજ મરઘી વગેરે જેવા પાલતું પશુ-પક્ષી ભેટમાં મળતાં અને તેનાથી તેમના પરિવારને ટેકો મળી રહેતો. આવી જ એક સ્થાનિક મેચ દરમિયાન સલીમા પર સિમડેગા જિલ્લા હોકી એસોસિએશનના વડાની નજર પડી અને તેમણે તેણે હોકીની તાલીમ માટે રહેવા-જમવાની સુવિધા સાથેની શાળામાં તેને દાખલ કરવાની ભલામણ કરી. આ સાથે સલીમાની હોકીની સફર શરુ થઈ.
સિમડેગામાં સલીમા સહિતની યુવા ખેલાડીઓની પ્રતિભાને પ્રતિમા બારવાએ નિખાર આપ્યો. માત્ર 12 વર્ષની ઉંમરે હોકીની તાલીમ શરુ કરનારી સલીમાએ 2017માં ઝારખંડને જુનિયર હોકીમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનાવ્યું હતુ. આ સાથે તેને ભારતની જુનિયર ટીમમાં સ્થાન મળી ગયું. ઝારખંડ રાષ્ટ્રીય સ્તરે જુનિયર હોકીમાં વિજેતા બન્યું, તે પછીના વર્ષે સલીમાએ યૂથ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને રજત ચંદ્રક હાંસલ કર્યો.
દેશની એલિટ ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવી લેનારી સલીમાની ઝડપ અને બોલ પરના નિયંત્રણને કારણે તે સમયના મહિલા ટીમના વિદેશી કોચ જોર્ડ મારિજ્ને ખુબ જ પ્રભાવિત થયા. તેમણે સલીમાને રક્ષા પંક્તિને બદલે આક્રમણ હરોળમાં ભૂમિકા સોંપી. જેમાં પણ સલીમાની પ્રતિભા નિખરી ઉઠી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની મહિલા હોકી ટીમના એટેકિંગ મીડફિલ્ડર તરીકે નોંધપાત્ર દેખાવ કરનારી સલીમાની ભૂમિકામાં ફરી પરિવર્તન આપ્યું.
નવા ડચ કોચ શાૅપમેને સલીમાને મીડફિલ્ડર તરીકે જારી રાખવાનો નિર્ણય કર્યો અને તેણે આ નવી ભૂમિકામાં પણ અસરકારક દેખાવ કરી બતાવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતાને કારણે પરિવારની આર્થિક મુશ્કેલીઓ તો દૂર થઈ જ ગઈ, તેની સાથે સાથે સમગ્ર ઝારખંડમાં અને દેશમાં તેને આગવી નામના પણ મળી. ભારતની મહિલા હોકીની ઓલિમ્પિયનને રેલવે સ્પોર્ટસ પ્રમોશન બોર્ડે નોકરી પણ આપી, જેના કારણે તેનું અને પરિવારજનોનું જીવન ધોરણ પણ ઉચું આવ્યું.
હોકી સ્ટીકના સહારે અસાધારણ સફળતા હાંસલ કરનારી સલીમા હવે ભારતીય મહિલા હોકીને નવી દિશા આપવા માટે સજ્જ છે. ભારતે હવે આગામી હોકી વર્લ્ડ કપ તેમજ પ્રો લીગ હોકીમાં સફળતા મેળવવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો