અમેરિકન સાઈક્લિસ્ટ ક્રિસ્ટીના બર્ચ હવે નાસાના સ્પેસ મીશન માટે સજ્જ
ઉદ્યમેન હિ સિધ્યન્તિ, કાર્યાણી ન મનોરથૈઃ, ન હિ સુપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગાઃ . - પૃથ્વી પરના શ્રેષ્ઠ અને ઉદાત્ત વિચારો અને જીવન મૂલ્યોને ધારણ કરનારી ગિર્વાણગિરા સંસ્કૃતમાં હિતોપદેશનું આગવું મહત્વ છે. વિદ્યાર્થીઓને જીવનપથ પર ડગલે ને પગલે માર્ગદર્શક બની રહેે તેવા આ ગ્રંથના સુભાષિતનો સાર સ્પષ્ટ છે કે, સહજ સાધ્ય કશું હોતુું નથી. મનના તંરગોમાં રાચવાનું છોડીને લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉદ્યમને-મહેનતને પસંદ કરનારને જ સફળતાનો સ્વાદ ચાખવા મળે છે. આ ઉદ્યમ જ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો આપમેળે જ શોધી કાઢે છે. પોતાના દરેક કામમાં તમામ તાકાત અને ક્ષમતાને રેડી દેેનારાને જ અસાધારણ અને દુનિયાને આશ્ચર્યજનક લાગે તેવા શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ થાય છે.
અમેરિકાની પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને મેધાવી પ્રતિભા ધરાવતી 37 વર્ષની ક્રિસ્ટીના બર્ચે એક જ જીવનકાળમાં આંતરરાષ્ટ્રીય સાઈક્લિસ્ટથી લઈને નાસાના અવકાશયાત્રી બનવા સુધીની અકલ્પનીય સફર પુરી કરી બતાવી છે. રમત જગત અને અભ્યાસ વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ જ હોય છેે, તેવી સામાન્ય સમજના ચોકઠામાં ગોઠવાયેલી માનસિતાને ક્રિસ્ટીનાએ તેની સફળતા થકી પડકાર ફેંક્યો છે. જ્યારે શરીર કસી કસીને વધુને વધુ તંદુરસ્ત અને ચપળ બનાવવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર મનની કાર્યક્ષમતા પર પણ પડે છે અને આ જ કારણે રમતવીરોની કાર્યકુશળતા અને ઝડપ, રમતવીર ન હોય તેવા સરેરાશ વ્યક્તિઓ કરતાં ચઢિયાતી જ હોય છે.
ચાર વર્ષ પહેલા ટોકિયો ઓલિમ્પિક માટેની અમેરિકાની ટીમના સંભવિતોમાં સામેલ ક્રિસ્ટીના બર્ચની પસંદગી આખરે ઓલિમ્પિકમાં ભાગ લેનારી અમેરિકાની રાષ્ટ્રીય ટીમમાં ન થઈ શકી. વર્ષોની મહેનત અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા છતાં રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકમાં પ્રવેશથી સ્હેજ માટે ચૂકી જવાનો અહેસાસ જીરવવો અત્યંત મુશ્કેલ હોય છે. જોકે, બંધ થઈ ગયેલા દરવાજાની આગળ બેેસી રહેવા કરતાં નવી રાહની તલાાશ કરવી એ વધુ બહેતર છે, તેવો વિચાર જ ક્રિસ્ટીનાને નાસાના અવકાશયાત્રી બનવા સુધી લઈ ગયો.
નાસાએ હજુ ગત સપ્તાહે (મે, 2024)માં 12 અવકાશયાત્રીઓને દુનિયાની સામે રજુ કર્યા. જેમણે છેલ્લા ચાર વર્ષમાં અવકાશયાત્રી બનવા માટે વિવિધ પ્રકારની કસોટીઓને સફળતાપૂર્વક પાર કરીને હવે અવકાશી ઉડાન માટે સજ્જ હોવાની લાયકાતની સાબિતી આપી છે. આ 12 અવકાશયાત્રીઓમાં ભૂતપૂર્વ સાઈક્લિસ્ટ અને વિજ્ઞાન પ્રવાહમાં ડોક્ટરેટની ઉપાધિ હાંસલ કરનારી ક્રિસ્ટીના બર્ચ પણ સામેલ છે. સાઈક્લિંગ અને અવકાશયાત્રા એ બંને વચ્ચે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી, પણ બંને ભિન્ન ક્ષેત્રોને જોડતી કડી તરીકેની ઓળખ ક્રિસ્ટીના બર્ને મેળવી છે, જે બધા માટે આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
બાળપણથી જ અભ્યાસમાં હંમેશા આગળ રહેતી ક્રિસ્ટીના સ્વભાવે સાહસીક. કશુંક નવું કરવા માટે તૈૈયાર રહેવાની સાથે સાથે સ્પર્ધામાં આગળ નીકળી જવાના ઝનૂનને કારણે તેણે શાળાજીવનમાં એકથી વધુ રમતો પર હાથ અજમાવી લીધો હતો. જોકે, ક્યારેય તેણે સાઈક્લિંગ કે અન્ય રમતમાં કારકિર્દી બનાવવાનો વિચાર સુદ્ધા આવ્યો નહતો. એરિઝોનાના જિલ્બેર્ટમાં જ ઉછરેલી ક્રિસ્ટીનાએ અહીંની યુનિવર્સિટીમાં ત્રેવડી સ્નાતકની પદવી હાંસલ કરી હતી. તેણે ગણિતની સાથે સાથે બાયોકેમેસ્ટ્રી અને મોલેક્યુલર બાયોફિઝિક્સ એમ ત્રણ વિષયમાં સ્નાતક બનવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેણે બાયોલોજીકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરવાનું નક્કી કર્યું અને આ માટે તેણે માસાચ્યૂસેટ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં જોડાવાનો નિર્ણય લીધો.
માસાસ્ચૂસેટ યુનિવર્સિટીમાં જોડાયા પછી તેણે 2009માં સાઈક્લિંગ શરુ કર્યું. યુનિવર્સિટીની ટીમની સાથે તેણે સાઈક્લિંગમાં ઝંપલાવ્યું. ક્રિસ્ટીના શરુઆતમાં સાઈક્લિંગને માત્ર વ્યક્તિગત અને ફિટનેસ માટે પાયારુપ રમત તરીકે ઓળખતી. જોકે તેણે સાઈક્લિંગ શરુ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે, આ તો ટીમ સ્પોર્ટ્સ છે, જેમાં સ્પર્ધકની શારિરીકની સાથે માનસિક ક્ષમતાની જબરજસ્ત કસોટી થાય છે. સ્પર્ધાત્મક સ્વભાવ ધરાવતી ક્રિસ્ટીનાએ જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું અને સાઈક્લિંગમાં આગવી કુશળતા હાંસલ કરી.
આ દરમિયાન જ તે વર્લ્ડ ચેમ્પિયન એસ્ટોન લામ્બિના સંપર્કમાં આવી અને આગળ જતાં તેની સાથે તેેણે લગ્ન પણ કરી લીધા. માસાચ્યૂસેટ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી હાંસલ કર્યા બાદ તેણે થોડો સમય યુનિવર્સિટી ઓફ કેેલિફોર્નિયામાં પણ પ્રોફેસર તરીકેની નોકરી કરી. જોકે સાઈક્લિંગ તરફનું તેનું ખેંચાણ વધતું જતુ હતુ અને આ જ કારણે તેણે નોકરી છોડીને 2018માં માત્રને માત્ર સાઈક્લિસ્ટ તરીકેની કારકિર્દી પર તમામ ધ્યાન કેન્દ્રીત કર્યું. આ દરમિયાન તેને એસ્ટોન પણ સારી એવી મદદ કરી.
પહેલા રોડ સાઈક્લિંગથી શરુઆત કરનારી ક્રિસ્ટીનાએ તબક્કાવાર ટ્રેક સાઈક્લિંગ શરુ કર્યું અને તેના સહારે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી. ટૂંકા ગાળામાં જ રાષ્ટ્રીય સાઈક્લિંગમાં આગવી ઓળખ ઉભી કર્યા બાદ તેણે કુલ મળીને 11 જેટલા નેશનલ ટાઈટલ્સ હાંસલ કર્યા. આ ઉપરાંત પાન અમેરિકન ગેમ્સમાં પણ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતાં બે સુવર્ણ ચંદ્રકો પર કબજો જમાવ્યો. ક્રિસ્ટીનાએ સાઈક્લિંગના વર્લ્ડ કપ તેમજ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો અને તેમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શાનદાર દેખાવને કારણે ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલી ક્રિસ્ટીનાને અમેરિકાની ટીમમાં સ્થાન ન મળી શક્યું.
અમેરિકાની ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવવાથી થોડા માટે વંચિત રહી ગયેલી ક્રિસ્ટીના હવે તેના ભવિષ્ય માટે વિચારવા લાગી હતી. ત્રીસી વટાવી ચૂકી હોવાથી તેને ઓલિમ્પિક રમવા માટે વધુ ચાર વર્ષ રાહ જોવી પરવડે તેમ નહતી. આ દરમિયાન નાસાએ નવા અવકાશયાત્રીઓની નવી બેચ તૈયાર કરવા માટે જાહેરાત આપી. જેમાં વિજ્ઞાન શાખાના તેજસ્વી કારકિર્દી ધરાવતા યુવાનોને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ હતો. ક્રિસ્ટીનાની નજર આ જાહેરાત પર ગઈ. સાઈક્લિંગ દરમિયાન જ એક મુલાકાતમાં તેણે અવકાશયાત્રી બનવાના તેના સ્વપ્ન અંગે આડકતરો ઉલ્લેખ કરતાં કહ્યું હતુુ કે, મને ક્રિસ્ટોફર નોલાનની ઈન્સ્ટ્રાસ્ટેલર ફિલ્મ બહુ ગમે છે. અવકાશ અને અવકાશયાત્રા એવા વિષય છે, જેમાં હું ઘણી ઉંડાણપૂર્વકની માહીતિ ધરાવું છું. જોકે તે સમયે તેને કલ્પના પણ નહતી કે, તેના આ શબ્દો ભવિષ્યમાં સાચા પડવાના છે.
ઓલિમ્પિક ગુમાવવાની હતાશા દૂર કરીને તેણે અવકાશયાત્રી બનવા માટે અરજી કરી અને નાસા અમેરિકાભરમાંથી આવેલી 12000 જેટલી અરજીઓમાંથી માત્ર 10 ઉમેદવારોને પસંદ કર્યા, જેમાં ક્રિસ્ટીના બર્ન પણ સામેલ હતી. બે વર્ષની સઘન તાલીમ દરમિયાન નાસાએ તમામ અવકાશયાત્રીઓને તમામ પડકારોને સહન કરવા તૈયાર કર્યા અને આ વેળાએ ક્રિસ્ટીનાને તેની સાઈક્લિંગની કારકિર્દી દરમિયાનનો અનુભવ ઉપયોગી પુરવાર થયો. આ બે વર્ષની તાલીમ દરમિયાન તેણે સ્પેસ વોકની સાથે રોબોટિક હાથનો ઉપયોગ શીખી લીધો. આ ઉપરાંત અવકાશી મથક (સ્પેસ સ્ટેશન)ના જટીલ સંચાલનની બારિકીઓનો પણ ગહન અભ્યાસ કર્યો. તેણે ટી-38 ટ્રેનિંગ જેટ ઉડાડવામાં મહારત હાંસલ કરી. આ ઉપરાંત રશિયન ભાષા પર પણ તેણે પ્રભુત્વ મેળવ્યું, કારણ કે નાસાના તમામ અવકાશી મિશનોમાં તેઓ હવે રશિયાના સોયુઝ અવકાશયાનનો જ ઉપયોગ કરેે છે. ક્રિસ્ટીના બર્ચને નાસા આગામી સમયના તેના બહુ ચર્ચિત મૂન મિશન (ચંદ્રના મિશન) પર મોકલશે કે પછી અવકાશી મથક એટલે કે સ્પેશ સ્ટેશનના સંચાલનનું કામ સોંપશે તેમ લાગી રહ્યું છે.
અત્યંત મુશ્કેલને પડકારજનક તાલીમ બાદ આખરે નાસાએ તેના નવા 10 અવકાશયાત્રીઓને રેડી ટુ ફ્લાયની પદવી એનાયત કરી, તેમાં ક્રિસ્ટીના બર્નની હાજરીએ તેના ઘણા સાઈક્લિસ્ટ સાથીઓને આશ્ચર્યમાં મુકી દીધા. 37 વર્ષની ઉંમરે જિંદગીનો નવો પડકાર ઝીલવા માટે સજ્જ થયેલી ક્રિસ્ટીના કહે છે કે, મેં પીએચડી એટલા માટે પસંદ કર્યું કે, મારે એવું કશુંક શોધવું હતુ કે, જે અગાઉ દુનિયા જાણતી ના હોય. ત્યાર મેં મારી પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને કસોટીને એરણે ચઢાવવા માટે જ સાઈક્લિંગમાં ઝંપલાવ્યું. હવે આ નવો પડકાર છે. સાઈક્લિંગ હોય કે અવકાશયાત્રા દરેક ક્ષેત્રમાં સફળતા માટે તમારામાં ઉત્સુકતા, ધગશ અને શ્રેષ્ઠતા સુધી પહોંચવાનો ઈરાદો તેમજ પ્રયાસ હોવો જોઈએ. આ જ બાબતો મને અહીં સુધી લઈ આવી છે.


Tamari sanskrit ane gujarati language uper ni pakad gajab che.
જવાબ આપોકાઢી નાખો