શીતલ દેવી : હાથની જરુર જ કોને છે ?!?
મુશ્કીલેં મારગ દિખાતી હૈં મુઝે, આફતેં બઢના બતાતી હૈં મુઝે; પંથ કી ઉત્તુંગ-દુર્દમ ઘાટિયાં, ધ્યેય-ગિરિ ચઢના સિખાતી હૈં મુઝે... - હિન્દીના વિખ્યાત કવિ ગોપાલદાસ નીરજની પંક્તિઓ મુશ્કેલઓની પર્વતમાળાને પાર કરવાના હોંસલાના પ્રતિબિંબ સમાન છે. મુશ્કેલીઓ અને પરેશાનીઓથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરનાર જ તેમાંથી રસ્તો શોધી શકે છેે અને તેે જ તેની સફળતાનો રાજમાર્ગ બની રહે છે. દુનિયા જેને અશક્ય કે અસંભવ માનતી હોય તેને જ સખત મહેનત અને સતત અભ્યાસથી સહજ સાધ્ય બનાવનારી વ્યક્તિઓ જ પોતાની સ્થિતિને તો સુધારી શકે જ છે, તેની સાથે સાથે અન્યો માટે પણ પ્રેરણારુપ બની શકે છે. ભારતની આવી જ એક 16 વર્ષની કિશોરી શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં અસાધારણ દેખાવ કરતાં તીરંદાજીની સ્પર્ધામાં બે સુવર્ણ અને એક રજત એમ ત્રણ ચંદ્રકો હાંસલ કરી બતાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, શીતલને કુદરતે બંને હાથ આપ્યા નથી, પણ તેણે આ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો અને તેના આ જ પ્રયાસો તેને જમ્મુ-કાશ્મીરના એક નાનકડા ગામડામાંથી ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન પેરા ગેમ્સના ત્રણ ચંદ્રકો સુધી લઈ ગયા. શીતલના જઝ્બા અ...